આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં આજે માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. એકાએક બોટ પલટી ગઈ હતી. જેથી એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. બોટ પલટી જતાં પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા. જેથી તેઓને બચાવવા ગયેલા નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેથી આ ત્રણેયના મોત થતાં તેઓના પરિવારમાં આભ ફાટી પડ્યું હતું. તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. માછીમારી કરતી વખતે એકાએક બોટ પલટી ગઈ
આણંદ જિલ્લાના વાસદ ગામ નજીકથી મહીસાગર નદી પસાર થાય છે. આ નદીમાં આજરોજ 42 વર્ષીય નગીનભાઈ ગામેચી, તેમનો 9 વર્ષીય પુત્ર આયુષ ગામેચી અને 12 વર્ષનો ભત્રીજો મિહિર ગામેચી બોટ લઈને માછીમારી કરવા ગયાં હતાં. આ દરમિયાન એકાએક તેમની બોટ પલટી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. મૃતદેહોને વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં
નદીમાં બોટ પલટી જતાં નગીનભાઈનો પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર નદીમાં ડુબવા લાગ્યાં હતાં. જેને પગલે પુત્ર અને ભત્રીજાને નગીનભાઈ બચાવવા ગયા હતા. જોકે, તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આમ, ડૂબી જવાથી ત્રણેયના મોત નિપજ્યાં હતાં. આ ત્રણેયના મૃતદેહો નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. જે બાદ વાસદ આરોગ્ય કેન્દ્ર લઈ જવાયાં છે. આ ત્રણેય કાછલાપુરા વાસદ ગામના રહેવાસી છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો
આ ઘટનાને પગલે માછીમારી કરી રહેલા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને ખસેડવામાં આવ્યાં હતા. જ્યા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.