સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લવજીભાઈ ટાંગસિયાને દેશનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન 700 વર્ષ જૂની ટાંગલિયા હાથવણાટ કળાને જીવંત રાખવાના અથાગ પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે. છેલ્લા 40 વર્ષથી લવજીભાઈએ આ પરંપરાગત કળાને માત્ર જાળવી જ નથી, પરંતુ તેને વધુ વિકસાવી છે. તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમને રોજગારીની તકો પણ પૂરી પાડી છે. આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લીધી છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ લવજીભાઈએ સરકારનો આભાર માન્યો હતો. તેમની આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું નામ રોશન થયું છે. આ એવોર્ડ માત્ર લવજીભાઈ માટે જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે પણ ગૌરવની ક્ષણ છે. આ અંગે ઝાલાવાડના પદ્મશ્રી એવોર્ડ વિજેતા લવજીભાઈ પરમારે જણાવ્યું કે, હું છેલ્લા ચાલીસ વર્ષથી લુપ્ત થતી ટાંગલીયા વણાટકામ કારીગરી કરું છુ. આ કામગીરીમા મે દોઢસોથી વધુ લોકોને અત્યાર સુધીમાં રોજગારી આપી છે, જેમાં ચાલીસ જેટલી તો મહિલાઓ જ છે. આમાં મહિલાઓ પણ કામ કરે છે અને સરકાર તરફથી અમને અત્યાર સુધીમાં પાંચથી છ જેટલી હેન્ડલુમની સહાય મળી છે. અમને ગુજરાત સરકાર અને આરપીડી ફાઉન્ડેશન સંસ્થાની ખુબ મદદ મળી છે. અમે જે ડ્રેસ મટેરીઅલ, શાલ કે સાડી બનાવીએ છીએ એ બધુ ગુજરાત સરકાર અને ખાનગી પાર્ટીઓ પણ ખરીદે છે. મને પદ્મશ્રી એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યો એનો સંપૂર્ણ શ્રેય મારા પરિવાર, મારા કારીગરો અને મારા સમાજને કે જેમણે મને પ્રોત્સાહન આપ્યું એમને આપવા માંગુ છું. અને અમે છેલ્લા 40-50 વર્ષથી આ કામગીરી સાથે સંકળાયેલા છીએ. આમાં અમે રોજ નવી નવી ડિઝાઇન, નવા નવા સેમ્પલ સાથે નવી નવી રોજગારી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરતા રહીએ છીએ. અને પદ્મશ્રી એવોર્ડથી મારું સન્માન કરવા બદલ હું સરકારનો પણ ખુબ આભાર માનું છું.