એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઇ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી. સાથે જ જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, મારા કાકા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ સ્વાતંત્ર્યની લડાઇમાં સરદાર પટેલ અને ગાંધીજી સાથે રહ્યા હતા અને જેલમાં પણ ગયા હતા. સરદાર સાહેબની પ્રતિમા નિહાળી આમિર ખાન અભિભૂત
SoUમાં આમિર ખાને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, સૌથી પહેલા સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપું છું. આપણા સૌ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. ખુશી એટલા માટે પણ છે કે, આજના દિવસે મને અહીં આવવાનો આવસર મળ્યો. આજનો દિવસ મારા માટે ખાસ એટલા માટે પણ છે કે, હું સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોને નમન કરી શક્યો. મારા માટે આ બહુ ગર્વની વાત છે. હું આજે બહુ જ ખુશ છું. ‘સરદાર સાહેબને વંદન કરી મારી જાતને ભાગ્યશાળી માનું છું’
ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મૉર્ડન સ્થળ પ્રથમવખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સરદાર સાહેબને વંદન કરૂ છું. આવી વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આ પ્રતિમાને પહેલી વખત જોઇ ત્યારે રોમાંચિત થઇ ગયો હતો અને મારા રૂંવાટા ઉભા થઇ ગયા હતા. દેશના દરેક વ્યક્તિએ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. ‘મારા કાકા મૌલાના આઝાદ સ્વાતંત્ર્ય સેનાની હતા’
મને આજે તક મળી કે, આપણા દેશના જે સ્વાતંત્ર્ય સેનાની વિશે વિચારી શકું. મારા કાકા મૌલાના આઝાદ પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ સ્વાતંત્ર્યની લડાઇમાં સરદાર પટેલ અને ગાંધીજી સાથે રહ્યા હતા. તેઓ સાથે જેલમાં પણ ગયા હતા. આઝાદી માટે દેશના નાગરિકોએ કેવા સંઘર્ષો કર્યા, તેનો ખ્યાલ આ પરિસરની મુલાકાતથી આવી શકે છે. આ આપણા માટે યાદગાર જગ્યા છે. હું મારા બાળકોને લઇ ફરી અહીં આવીશ. અહીંની મુલાકાતથી સરદાર સાહેબ વિશે જાણવા, વાંચવા મળશે. તેનાથી મને પ્રેરણા અને નવી દિશા મળે છે. ‘ગુજરાત અદ્દભૂત રાજ્ય છે, ફિલ્મોદ્યોગ માટે અહીં વિશાળ તકો છે’
તેમણે વધુમાં જણાવ્યું કે, અહીંનું વાતાવરણ અદ્ભુત છે. હું આ વિસ્તારમાં ઘણી વખત આવી ચૂક્યો છું. આટલા દાયકામાં ઘણા પરિવર્તન આવ્યા છે. વડોદરા પણ બહુ વિશાળ થઇ ગયું છે. મોર્ડર્ન શહેર બની ગયા છે. ગુજરાત હિસ્ટોરિકલ પ્રાંત છે. સાથે, અહીં કુદરતી સૌંદર્ય પણ ભરપૂર છે. ફિલ્મોદ્યોગનું કામ અહીં થતું રહ્યું છે અને હજુ પણ ફિલ્મ શૂટ થઇ રહી છે. ગુજરાત અદ્ભુત રાજ્ય છે, ફિલ્મોદ્યોગ માટે અહીં વિશાળ તકો રહેલી છે. મારા પિતા તાહીર હુસૈનની ઘણી ફિલ્મોનું શુટીંગ ગુજરાતમાં થયું છે. તેમણે એક ગુજરાતી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી ‘જનમ જનમનો સાથી’. તે ઘણી સફળ પણ થઇ હતી. હું ત્યારે ઘણો નાનો હતો. આજે મને એ બધી યાદો તાજી થઇ રહી છે. મૌલાના અબુલ કલામ આઝાદ આમિરના દાદા છે
આમિર મૌલાના અબુલ કલામ આઝાદના વંશજ છે, આમિર સ્વતંત્રતા સેનાની મૌલાના અબુલ કલામ આઝાદના પરિવારનો છે. મૌલાના અબુલ કલામ આઝાદ આમિરના ગ્રેટ ગ્રાન્ડ કાકા છે. આમિરના દાદી મૌલાના આઝાદના ભત્રીજી હતાં. આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા. આમિરના પિતા તાહિર હુસૈન પૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના સંબંધી છે. વાસ્તવમાં, ઝાકિર હુસૈન સાત ભાઈમાં બીજા હતા. તેમાંથી જ એક ભાઈના પરિવારના વંશજ આમિર ખાન છે. ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી
ખાદીના ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલા આમિર ખાને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પૂરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી. ઉજવણીમાં ભાગ લઇ રહેલા સીઆઇએસએફની પ્લાટૂન સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા. વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને નિહાળ્યો
તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા માટે પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતના એકીકરણ અને તેમાં પડેલી મુશ્કેલીઓને સરદાર સાહેબે કુનેહપૂર્વક તેને કેવી રીતે પાર પાડી હતી, તે સહિતની બાબત જાણી હતી. આ ઉપરાંત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું કેવી રીતે નિર્માણ થયું એની માહિતી ખાનને આપવામાં આવી હતી. અહીં તેમણે એકતા સંકલ્પ પણ લીધો હતો. તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો. આ તકે એસઓયુ પરિસરના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પરિસરમાં બેસી સરદાર સાહેબના જીવની ઉપરના પુસ્તકનું વાંચન કર્યું
આમિર ખાને પરિસર સ્થળમાં બેસી સરદાર સાહેબના જીવની ઉપરના પુસ્તકનું વાંચન કર્યું હતું. તેમણે પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો. વિશ્વ વન પરિસરમાં તેમને ખાટી ભિંડીનું સરબત, બાજરી અને મકાઇના થેપલા, મકાઇના મુઠિયા અને ચૂરમાના લાડુનું ભોજન પીરસવામાં આવ્યું હતું.