કચ્છ એટલે એવો જિલ્લો જેની સરહદ પાડોશી દેશ પાકિસ્તાનને સ્પર્શે છે. એટલે પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે આ પ્રદેશ એકદમ સંવેદનશીલ ગણી શકાય. થોડા સમય પૂર્વે કચ્છની 25થી પણ વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલ્યા. તેમણે દાવા કર્યા કે કચ્છના સરહદી વિસ્તારમાં હિન્દુઓની વસતીમાં મોટો ઘટાડો થઇ ગયો છે. ઘણા ઘરના દરવાજે તાળા લટકે છે અને ગામડાઓ ખાલી થઇ ચૂક્યા છે. જેના કારણે સામાજિક અને દેશની સુરક્ષા જોખમાય તેવી પ્રવૃત્તિ વધી ગઇ છે. છેક વડાપ્રધાન સુધી આ રજૂઆત મોકલવામાં અલગ-અલગ વિસ્તારના રાજપૂત ક્ષત્રિય સમાજ, પાટીદાર, બ્રહ્મ અને લોહાણા સમાજના સામાજિક સંગઠન ઉપરાંત શ્રી માતાના મઢ જાગીર ટ્રસ્ટ, લખપતના વર્માનગરમાં આવેલા બીએપીએસ સંચાલિત શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ તથા ગુરુદ્વારા શ્રીગુરુ નાનક દરબાર લખપત સાહેબ જેવા ટ્રસ્ટ અને સંસ્થાઓ પણ સામેલ હતી. એટલું જ નહીં ઘણા પત્રોની સાથે જ સેંકડો લોકોના નામ અને સહી પણ છે. કચ્છ જિલ્લામાંથી પલાયન થવા પાછળના વાસ્તવિક કારણો શું છે? જ્યાંથી ભારત-પાકિસ્તાન બોર્ડર ગણતરીના કિલોમીટર દૂર છે એ ગામડાંઓમાં પરિસ્થિતિ કેવી છે? ત્યાં અત્યારે કોણ રહે છે અને લોકો કેવા ધંધા-રોજગાર સાથે જોડાયેલા છે? સુરક્ષા બાબતે કેટલું જોખમ છે? વગેરે મુદ્દે જાણકારી મેળવવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ પાકિસ્તાનની બોર્ડરની નજીક આવેલા કચ્છના 23 ગામડાંઓનો ચિતાર મેળવ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ કચ્છના રણ અને વેરાન વિસ્તારમાં આવેલા આ ગામડાંઓમાં પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં વસતી અંગે નક્કર જાણકારી માટે ચૂંટણીપંચે 6 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ કરેલી મતદારયાદીનું પણ એનાલિસિસ કર્યું. જેના થકી જાણ્યું કે આ 23 ગામડાંઓમાં કયા ધર્મના કેટલા મતદારો છે. 23 ગામોની મતદાર યાદીને જોતા ખ્યાલ આવ્યો કે 17 ગામ એવા છે જેમાં હિન્દુઓની વસતી ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. તેમાં પણ 6 ગામમાં તો એકપણ હિન્દુ પરિવાર રહેતો નથી. મોટાભાગના ગામો એવા છે જ્યાંથી ગણતરીના વર્ષોમાં હિન્દુ પરિવારોએ પલાયન કર્યું છે. કોઇ દેશના અન્ય વિસ્તારમાં તો કોઇક વિદેશ જતું રહ્યું. મોટા દિનારા ગામમાં ફક્ત 1 જ હિન્દુ પરિવાર
કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા દિનારા ગામની હાલત ઘણું કહી જાય છે. મુખ્ય હાઇવે પરથી ઉતરતા જ ધૂળિયો રસ્તો ગામ સુધી પહોંચાડે છે. ગામમાં પણ પાકા રસ્તા તમામ જગ્યાએ બનેલા નથી એટલે વિકાસની દૃષ્ટિએ ઘણું પાછળ છે. આ ગામમાં અત્યારે માત્ર એક જ હિન્દુ પરિવાર રહે છે. ગામના મંદિર પાસે જ અમને સ્થાનિક મંગળભાઈ વેલાભાઈ મળ્યા. તેમણે કહ્યું, અમારા ગામની કુલ વસતી પાંચેક હજાર જેટલી હશે. મારા પરિવારમાં ચાર ભાઇ અને એમનો પરિવાર છે. કુલ વીસેક જેટલા લોકો છે. હિન્દુ પરિવારોના પલાયન મુદ્દે મંગળભાઈની વાતને આગળ વધારતા તેમના એક સંબંધીએ કહ્યું, અહીંયા જગ્યા ઓછી છે. આટલામાં (મંદિરના પરિસરની આસપાસ) હિન્દુઓના 30 ઘર હતા. હવે એક જ ઘર બાકી છે. અમારા ગામમાં રામદેવપીરનું મંદિર ઓછામાં ઓછું 500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીંયા વર્ષોથી રહેતા લોકો રુદ્રમાતા અને સરસપુર ગામમાં જઇને સ્થાયી થઇ ગયા છે, ત્યાં રોજગારી છે, રહેવા માટેની જગ્યા સારી છે.
પ્રસંગોપાત લોકો વતનમાં આવે છે. તેમણે વધુમાં કહ્યું, જે લોકો અમારા ગામમાંથી પલાયન કરી ગયા તેમના ઘર ભૂકંપમાં પડી ગયા હતા. તેમણે સમારકામ કરાવ્યું નથી. અમુકે તો ઘર છોડી જ દીધા છે. કેટલાક પરિવારોએ માતાજીના મંદિર માટે તેમજ રામાપીરના મંદિર માટે જગ્યા આપી દીધી હતી. મંદિર નાનું હતું જેનું બાંધકામ 2-3 વર્ષ વધાર્યું અને મોટું બનાવ્યું છે. જ્યારે અમારા ગામના મંદિરમાં કોઇ આયોજન હોય, માતાજીના પ્રસંગ હોય ત્યારે એ લોકો આવે છે. હમણાં 7 દિવસની કથા હતી. ત્યારે મુસ્લિમ લોકોએ પાણીની સેવા આપી હતી. ભૂકંપ પછી 40 પરિવારોએ હિજરત કરી
મોટા દિનારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આમીરહસન છે. તેમણે કહ્યું, અમારા ગામની વસતી લગભગ 5 હજારની આસપાસ છે. એમાં હિન્દુ સમુદાયના 20-25 ઘર (જૂથ ગ્રામ પંચાયત મુજબ) છે. 2001માં ભૂકંપ આવ્યો એ પછી 40 જેટલા પરિવારો હિજરત કરી ગયા હતા. એ લોકોને ભૂજની બાજુમાં પાલારામાં રોડ ટચમાં જમીન મળી ગઇ હતી. મોટા દિનારા જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામ આવે. 2011માં 6થી 7 હજારની વસતી નોંધાઇ હતી. મોટા દિનારામાંથી 2001માં લોકો નીકળ્યા એ કાયમ માટે પાછા ફર્યા નથી. કોઇ તકલીફ જેવું નથી. બધા વારે-તહેવારે આવે છે. કચ્છમાં આવેલું કોટેશ્વર એટલે દેશનો છેડો જ ગણી શકાય. કોટેશ્વર પાસે છૂટાછટાયા ઘણા ગામડાં આવેલા છે. જ્યાંથી ભારત-પાકિસ્તાન સરહદ ગણતરીના કિલોમીટર જ દૂર છે. અહીંયા મોબાઇલ નેટવર્ક મળવું પણ મુશ્કેલ છે. વળી, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત ગાંડા બાવળ. પવનના સૂસવાટા સાથે આવતો પવનચક્કીનો અવાજ, આ વિસ્તારના સન્નાટામાં જાણે સૂર પૂરાવે છે. કોટેશ્વરના શેહ ગામમાં શું સ્થિતિ છે?
કોટેશ્વરથી શેહ ગામ પૂર્વ દિશામાં માંડ નવેક કિલોમીટરના અંતરે છે. રસ્તામાં અમને ભારતીય સેના અને બીએસએફ દ્વારા લગાવેલા કેટલાક બોર્ડ પણ દેખાયા. અમુક અંતરે માલધારી વાડા બાંધીને પશુપાલનનું કામ કરે છે. કોટેશ્વરથી લગભગ વીસેક મિનિટની મુસાફરી કર્યા પછી અમે શેહ ગામ પહોંચ્યા. આ ગામમાં મતદારયાદી મુજબ કુલ 160 મતદારો છે. જેમાં માત્ર 8 મતદારો હિન્દુ અને 152 મુસ્લિમ છે. ભૂજ કરતા તો કરાચી નજીક પડેઃ સ્થાનિક
શેહ ગામમાં અમારી મુલાકાત લઘાભાઈ તુર્ક સાથે થઇ. તેમણે ચા પીતા-પીતા ગામની વાતો શરૂ કરી. કહ્યું, અહીંયાંથી ભૂજ કરતા તો અમને કરાચી નજીક પડે છે. એમના જણાવ્યા અનુસાર બોર્ડર વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે એમના કોઇને કોઇ સગા બોર્ડરની પેલે પાર પાકિસ્તાનમાં હશે જ. ભલે પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ. ડાંગના વતની શિક્ષક 18 વર્ષથી શેહમાં રહે છે
શેહ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ગાવિત મૂળ ડાંગ જિલ્લાના વતની છે, છેલ્લા 18 વર્ષથી તેઓ શેહ ગામમાં શિક્ષક છે. તેમણે કહ્યું, ગામના બાળકોને અહીંયા પ્રાથમિક શિક્ષણ મળી રહે છે પણ પાંચમું ધોરણ પાસ થયા પછી વધુ અભ્યાસ માટે મુશ્કેલી પડે છે. કારણ કે એ માટેની સ્કૂલ 9 કિલોમીટર દૂર છે. પહેલાં પાણીની સમસ્યા હતી, હવે નથી
આગળ તેમણે જણાવ્યું, સરકારની ટ્રાન્સપોર્ટેશન યોજના છે. જેમાં લગભગ 450 રૂપિયા મળે છે. પણ ખાનગી વાહનોમાં એટલા ભાડામાં પોસાતું નથી. કેટલીક દીકરીઓ GMDCની બસમાં વર્માનગર જવા લાગી છે. જે લગભગ 20 કિલોમીટરના અંતરે છે. અમારા ગામમાં પાણીનો મોટો પ્રશ્ન છે. એક સમયે ઢોર પણ ન પીવે એવું પાણી માણસોએ પીવું પડ્યું છે. અત્યારે પાણીની સુવિધા થઇ છે. હેલ્થ ઇમર્જન્સીમાં ભૂજ જ જવું પડે
કોઇ બીમાર પડે તો તેને લઇને નારાયણ સરોવર અથવા વર્માનગર જવું પડે છે. જો કેસ ક્રિટિકલ હોય તો 150 કિલોમીટર દૂર ભૂજ ગયા વગર છૂટકો નથી. અત્યારે આવક માટે લોકો જંગલખાતામાં મજૂરી કરે અથવા તો પશુપાલન કરે છે. રોજગારી માટે અહીંયાથી લોકો મુંદ્રા, માંડવી, અબડાસા, નખત્રાણા જાય છે. 2011 પછી ગામની વસતી વધી
શિક્ષક હરેશભાઇ ગાવિતે કહ્યું, 2011ની વસતી ગણતરી પ્રમાણે ગામની કુલ વસતી 180 હતી. તેમાં 96 પુરુષો અને 80 જેટલી સ્ત્રી હતી. હાલમાં 450ની આસપાસ લોકો રહે છે. વર્ષોથી આખું ગામ એક જ કુટુંબ છે. બધા કાકા બાપાના છોકરાઓ જ છે. પી.વી.આયર નારાયણ સરોવરના જૂથ ગ્રામ પંચાયતના હાલના ઇન્ચાર્જ વહીવટદાર છે. શેહ ગામ આ જ ગ્રામ પંચાયત હેઠળ આવે છે. માઇગ્રેશન અંગે તેમનું કહેવું છે કે આ દુકાળવાળો વિસ્તાર છે. લોકો પશુ લઇને ગુજરાતના અન્ય વિસ્તારમાં નીકળી જાય છે. કારણ કે અહીંયાં પશુઓ માટે ખાવાનું કંઇ હોતું નથી. એટલે મોટે ભાગે હિન્દુઓ પણ પલાયન કરે છે. ગામડાંમાં રહે તો લગ્ન નથી થતા
નારાયણ સરોવરના તલાટી તરુણભાઈ જોશીએ પલાયનના મુદ્દા એકદમ તલસ્પર્શી વાત કહી. તેઓ બોલ્યા, શેહ ગામમાં લગભગ અઢીસોની વસતી હશે, ત્યાં પહેલેથી જ હિન્દુ વસતી જ નથી. નારાયણ સરોવર ગામમાં હિન્દુ વસતી છે પણ તેઓ ઓછા થઇ રહ્યા છે. કારણ કે આવા ગ્રામ્ય વિસ્તારમાં રહે તો લગ્ન થતા નથી. બીજું, રોજગારીના કારણે માઇગ્રેશન થાય છે. નારાયણ સરોવરથી લોહાણા અને બ્રાહ્મણ સમાજે સ્થળાંતર શરૂ કર્યું અને ભૂજ તેમજ નખત્રાણા તરફ ગયા હતા. આમ તો અમારા ગામની વસતી વધી છે પરંતુ હિન્દુ વસતી ઘટી છે. પ્રોપર નારાયણ સરોવરમાં હિન્દુ વસતી 1800ની છે. તેમાં 60 ટકા હિન્દુ, 40 ટકા મુસ્લિમ છે. એમાં આસપાસના ગામોમાંથી પણ મુસ્લિમો નારાયણ સરોવર ખાતે રહેવા આવી ગયા છે. જ્યારે મૂળ હિન્દુ અહીંયાથી નીકળી ગયા છે. ભૂતકાળમાં લખપત મોટું કેન્દ્ર હતું
દેશના ભાગલાં પડ્યા એ પહેલાં લખપત એક મોટું કેન્દ્ર હતું. કારણ કે પશ્ચિમ તરફ પાકિસ્તાનના સિંધ પ્રાંત થકી થતો વેપાર આ રૂટ પરથી થતો હતો. એટલું જ નહીં, વર્ષો પહેલાં સિંધુ નદીએ માર્ગ નહોતો બદલ્યો એ સમયે પણ લખપત અને તેની આસપાસનો વિસ્તાર રહેવાના દૃષ્ટિકોણથી પણ ખૂબ સાનુકૂળ હતો પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. કચ્છનું લખપત એક સમયે ધમધમતું નગર હતું. અત્યારે અહીંયા સન્નાટો વ્યાપેલો છે. ઘણા ઘર હવે ઘર નથી રહ્યા, વર્ષોથી બંધ આ મકાનો હવે કાટમાળ બનવાને આરે છે. ભૂકંપ પછી અંજાર, ભૂજ જેવા શહેરોને આપણે બેઠાં થતાં અને ફરી એકવાર અગ્રહરોળમાં આવતા જોયા. લખપતનો કિલ્લો ભલે જોવાલાયક સ્થળોની યાદીમાં સામેલ થતો હોય પરંતુ લખપત જાણે ભૂકંપના 25 વર્ષ બાદ પણ પાછળ ધકેલાતું હોય તેમ લાગે છે. લખપતમાં વર્ષો જૂના મકાનમાં એક વડીલ ભાઇ-બહેન રહે છે. સુરેશકુમાર ઉદાસી અને તેમના બહેન મંજુલાબેન બચાણી. મારા દાદાના સાત વહાણો હતાઃ સુરેશ ઉદાસી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સુરેશકુમાર ઉદાસીએ કહ્યું, હું પૂરોહિત પરિવારમાંથી છું. લખપતમાં અમે દસેક પેઢીથી રહીએ છીએ. મારા દાદા મોતીરામ બંસીધરરાયના સાત વહાણો હતા. તેઓ કરાચીથી મુંબઇ અને અન્ય દેશો સુધી પણ સફર કરતા હતા. આજે પણ લખપતમાં કંધાર ડેલી નામની જગ્યા છે
લખપતના ઇતિહાસના પાના ફેરવતા હોય એમ સુરેશકુમાર ઉદાસીએ માંડીને વાત કરતા કહ્યું, રાજાશાહી સમયે પાટનગર ભૂજ હતું પણ એનાથી પણ વધુ વસતી લખપતમાં હતી. કાબૂલ, કંધારથી પણ લોહાણા હિન્દુઓ લખપતમાં આવીને વસ્યા હતા, જેથી આજે પણ એ જગ્યા કંધાર ડેલી તરીકે ઓળખાય છે. લખપતમાં ભાટિયા, પુષ્કર્ણા, સારસ્વત અને રાજગોર બ્રાહ્મણ, લોહાણા, કંસારા, સોની અને તુર્ક જેવા અલગ-અલગ જાતિના લોકો રહેતા હતા. પરંતુ વધુ વસતી હિન્દુઓની હતી. અત્યારે લખપતની વસતી 1500થી 2000 લોકો છે. જેમાં ફક્ત 5થી 10 ઘર જ હિંદુના છે. બાકી મુસ્લિમ વસતી છે. ભાગલા બાદ મોટા વેપારીઓ જતા રહ્યા
લખપતની માઠી દશા વિશે પણ સુરેશકુમારે ઘણા કારણો જણાવી દીધા. તેઓ બોલ્યા, 1819માં ભૂકંપ આવ્યો એટલે સિંધુ નદીનું વહેણ ફરી ગયું. દરિયા થકી જેમનો વેપાર ચાલતો હતો એ ઠપ થઇ ગયો. પલાયન કરનારા લોકો પોતાના ખંડેર મકાનની માટી સાથે લઇ જાય છે
સુરેશકુમારે ખૂબ જ ભાવનાત્મક વાત કરતા જણાવ્યું, પલાયન કરી ગયેલા ઘણા લોકોની ઇચ્છા હોય છે કે વતનમાં આવીને રહીએ. મેં એવા પણ લોકોને જોયા છે જેઓ બહારગામથી આવે અને એમના ખંડેર મકાનની માટી લઇને જાય છે. કહે છે આ મારું વતન છે. અહીંયાં રોજગાર નથી એટલે લોકો ઘર છોડી ગયા. કાનેર ગામમાં 300 હિન્દુઓનો વસવાટ
શુગરાબેન લખપત જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે. તેમણે કહ્યું, લખપત વિસ્તારમાં લગભગ આઠેક ઘર હિન્દુ સમુદાયના છે. જ્યારે બાજુમાં કાનેર ગામમાં લગભગ 300 હિન્દુ રહે છે. આખું ગામ એમનું છે. ધંધો રોજગારીને કારણે બધા જતાં રહે છે. શુગરાબેનના દીકરાએ કહ્યું, 2001ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારથી પલાયન શરૂ થયું છે. લખપત વિસ્તારના લોકો મુંબઇ, સુરત જેવા શહેરોમાં જઇને રહેવા લાગ્યા. 185 ઘરમાંથી 2 જ ઘર ખુલ્લા છે
શ્રી રામદેવપીર મંદિર સેવા ટ્રસ્ટના પ્રમુખ અને લખપત ગ્રામ પંચાયતના સભ્ય વેશલજી કે. જાડેજાએ કહ્યું હતું કે હું પોતે ધારેશી ગામ રહું છું. અહીં કણબીના 185 રસોડાં છે. એમાંથી અત્યારે 2 જ રસોડાં ચાલુ છે. બાકીના બધા બહાર છે. અમારું ગામ સરહદી વિસ્તારમાં આવે છે. અમારા વિસ્તારમાં 73 ગામ છે. આ વિસ્તારમાં પટેલોના 10થી 15 ગામ છે પણ ઘણા બધા લોકો વતન છોડી ગયા છે. એમની જમીન અહીંયા ઘણી છે. ડેરીના કારણે લોકો રોકાઇ ગયાઃ વેશલજી જાડેજા
વેશલજી જાડેજા કહે છે કે, અહીંયાં લોકો ખેતી અને પશુપાલન પર નભે છે. થરાદ ડેરી અને માહી ડેરી થઇ એના કારણે માણસો રોકાઇ ગયા છે. હું ખેતી પર આધારિત છું. પાકનો યોગ્ય ભાવ નહીં મળે તો 2-3 વર્ષ ખેંચીશ અને પછી તો ગમે ત્યાં જતો રહીશ. ધારેશીમાં દરબાર અને પટેલ છે. પટેલના 185માંથી 180 રસોડાં બહાર છે. દરબારના ઘર છે એમના છોકરા બહાર છે. એ નોકરિયાત છે. 3 જણ મુન્દ્રા ગયા તો એમણે ત્યાં મકાન બનાવી લીધા. અહીંયાથી ગયા એમનો પાછા આવવાનો કોઇ વિચાર નથી. ‘પાણી આવશે તો લોકો પાછા આવી જશે’
વેશલજીએ ઉમેર્યું કે, છેલ્લા કેટલાક ચોમાસામાં વરસાદ સારો પડે છે નહીં તો અમારે પણ ભાગવું પડે. લખપતમાં મોટા ડેમ બનેલા છે, કેનાલ છે. સરકારની યોજના પ્રમાણે 2027 સુધીમાં પાઇપ દ્વારા નર્મદાનું પાણી બધે પહોંચાડવાનો વાયદો થયો છે. પાણી આવી જશે તો અહીંયાથી ગયેલા લોકો પાછા આવી જશે. સારવારને લગતી મુશ્કેલીઓ જણાવતા તેઓ કહે છે, દવાખાના માટે પણ 130 કિલોમીટર દૂર ભૂજ જવું પડે છે. અહીંયાં PHCમાં ડૉક્ટર ચાર દિવસ આવે અને ન પણ આવે. શહેરનો માણસ નોકરી પર આવે પછી થોડા સમયમાં બદલી કરાવી નાખે છે. છેલ્લે ઘણા માણસો તો રાજીનામું આપીને ગયા છે કે ‘અહીંયાં નોકરી નથી કરવી.’ કચ્છના દક્ષિણ તરફના પટ્ટામાં માંડવી અને જખૌ વચ્ચે સુથરી નામનું ગામ આવેલું છે. દરિયાકાંઠા નજીક આ ગામના નામે જ એક બીચ પણ છે. કચ્છના અન્ય ગામોની જેમ અહીંયા પણ દિવસ હોય કે રાત શેરીઓ સૂની જ રહે છે. મૂળ સુથરીના વતની લાલચંદ છેડા છેલ્લા 35 વર્ષથી મુંબઇના ડોમ્બીવલીમાં રહે છે. તેમણે કહ્યું, મારા મોટાભાઇઓ મુંબઇ ગયા હતા. પછી મારું SSC પૂરું થતાં હું પણ મુંબઇ ગયો. 10 વર્ષ મુંબઇ કામ કર્યા બાદ ખેતીમાં ફરી રસ જાગ્યો એટલે હવે બાપદાદાની ખેતી સંભાળું છું. હું 2 મહિના સુથરીમાં આવું અને બે મહિના મુંબઇમાં રહું છું. સુથરી ગામે 60 હિન્દુ પરિવારોનો વસવાટ
તેમના જણાવ્યા પ્રમાણે અત્યારે સુથરીની કુલ વસતી 3500ની આસપાસ છે. એમાં જૈનોની સંખ્યા માત્ર 15 છે. એ સિવાય હિન્દુ પરિવારોના 60 ઘર છે. જે અગાઉ 150 હતા. પલાયન પાછળનું મુખ્ય કારણ સુથરીમાં ખેતી સિવાય અન્ય કોઇ રોજગાર નથી. સુથરીના રાજવી પરિવારે શું કહ્યું?
સુથરીના દરબારગઢમાં રહેતા યોગેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું, રાજાશાહી સમયે સુથરી જાગીર હતી. અહીંયા તેની યાદી સ્વરૂપે આજે પણ કિલ્લો હયાત છે. હું રોયલ ફેમિલીથી છું. મારા બાપુજી જાગીરદાર હતા. મારા પરિવારમાં અત્યારે હું જ અહીંયા છું. બાકીના સભ્યો બધા બહાર છે. સુથરીની નજીકમાં જ પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું સ્મારકસ્થળ છે. દરિયાઈ વિસ્તાર છે. હવે હિન્દુ વસતી 10થી 15 ટકા જ બચી
યોગેન્દ્રસિંહે આગળ કહ્યું, અમારા ગામમાં ઘણી જ્ઞાતિની વસતી છે. પરંતુ અત્યારે મુસ્લિમ વસતી વધારે છે. જૈન, ક્ષત્રિય, સોની, મિસ્ત્રી વગેરે જ્ઞાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક તથા અન્ય પ્રશ્નો ઊભા થતા હતા. એટલે હવે લગભગ સરહદી વિસ્તાર ખાલી છે. મારા ગામમાં 10થી 15 ટકા જ હિન્દુ વસતી રહી છે. ‘અહીંયા શિક્ષણ અને રોજગારી મુખ્ય પ્રશ્ન છે. એનો કોઇ વિકલ્પ નથી. મેડિકલ માટે પણ માંડવી અને ભૂજ જવું પડે. (જે અનુક્રમે 60 અને 90 કિલોમીટર દૂર છે) અબડાસાના આ પટ્ટામાં મેડિકલની કોઈ સગવડ નથી. સાર્વજનિક હોસ્પિટલ ઘણા વર્ષો પહેલાં ચાલુ હતી પરંતુ અત્યારે એ બંધ હાલતમાં છે.’ કચ્છમાં શિક્ષકોની ઘટનો ગંભીર મુદ્દો
કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકોની ઘટ પણ એક ગંભીર મુદ્દો છે. શિક્ષકોની ભરતી થતી નથી એટલે બાળકોને ભણવા માટે ભૂજ અથવા તો માંડવી જવું પડે છે. સામાજિક પ્રશ્નો પણ ઊભા થાય છે. જેથી મોટા ભાગના લોકો મુંદ્રા, અમદાવાદ કે મુંબઇ રહેવા જતા રહ્યા. પરિણામે ઘણા મકાનો ખાલી પડ્યા છે. યોગેન્દ્રસિંહ જાડેજા બોલ્યા, અત્યારે સુથરીની કુલ વસતી 3200ની છે. ખાસ કરીને મજૂર અને પશુપાલન, ખેતી કરતો વર્ગ અહીંયા રહે છે. ધંધા-રોજગાર નથી એટલે મજબૂરીમાં લોકોએ વતન છોડવું પડે છે. ગામમાં 7થી 8 જૈન પરિવાર રહે છે, જેમની કુલ વસતી 22થી 25 છે. વૈષ્ણવ સંપ્રદાયના 60થી 65 ઘર છે. એમની વસતી 170ની આસપાસ હશે. ‘પલાયન રોકવું હોય તો રોજગારીની વ્યવસ્થા કરો’
કચ્છના ગ્રામ્ય વિસ્તારમાંથી પલાયન રોકવાના ઉપાયો વિશે વાત કરતા યોગેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, જો આ વિસ્તારમાંથી લોકોનું પલાયન રોકવું હોય તો સૌથી પહેલાં રોજગારની વ્યવસ્થા કરવી પડે. કારણ કે આજની તારીખે પણ સુથરીના 7-8 પરિવારો બહાર જવાની તૈયારીમાં છે. આવનારા છ-સાત મહિનામાં આ પરિવારો મુન્દ્રા જતા રહેશે. કારણ કે ત્યાં રોજગારીની તક વધારે છે. 10 શિક્ષકોની જરૂર પણ છે ફક્ત 5
અમે સુથરી ગામના સરપંચ અબ્દુલભાઈનો પણ પલાયન બાબતે મત જાણ્યો. તેમનું કહેવું છે કે, અમારા ગામમાંથી ઘણા જૈનો મુંબઇ ગયા છે. તેઓ પહેલાંથી જ મુંબઈ સાથે જોડાયેલા હતા. ગામની કુલ વસતી 3200 જેવી છે. એમાંથી 60 ટકા મુસ્લિમ અને 40 ટકા હિન્દુ છે. જેનું મુખ્ય કારણ શિક્ષણ છે. સુથરીની પ્રાથમિક શાળામાં હાલ 10ના મહેકમની સામે 5 શિક્ષક છે. સ્કૂલ વ્યવસ્થિત નથી. સારવાર માટે જરૂર હોય તો MBBS ડૉક્ટર મળતા નથી. 30થી 35 ગામમાં સરકારી હોસ્પિટલમાં એક MBBS ડૉક્ટર માંડ મળે. નલિયામાં પણ આવી જ પરિસ્થિતિ છે. મુસ્લિમોમાં એજ્યુકેશન ઓછું છે. જ્યારે જૈન તેમજ હિન્દુ સમાજના ભણેલા લોકો બહાર નીકળતા ગયા. એ મોટા કારણો છે. અબ્દુલભાઈએ કહ્યું, હું પણ હાલમાં મારા પરિવાર સાથે ભૂજ રહું છું. મારા ભાણેજ ભત્રીજાને ભણાવવા અહીં લઇ આવ્યો છું. થોડું ઘણું વ્યવસ્થિત થાય એટલે માણસો બહાર નીકળી જાય છે. મુસ્લિમ સમાજના લોકો પણ થોડા આર્થિક સદ્ધર થાય એટલે ભૂજમાં મકાન લઇને ભણતર માટે નીકળી જાય છે. ‘કચ્છમાંથી દેશવિરોધી ગતિવિધિઓ પકડાઇ છે’
લખપતમાં કાર્યરત હિન્દુ શૌર્ય સમિતિએ થોડા સમય પૂર્વે પલાયનનું મુદ્દો ખૂબ જ તિવ્રતાથી ઉપાડ્યો હતો. આ સંસ્થા સાથે જોડાયેલા એક કાર્યકરે કહ્યું, આ સરહદી વિસ્તાર છે. અહીંયા અવારનવાર દેશ વિરોધી ગતિવિધિઓ બનતી રહે છે. ડ્રગ્સ પકડાયાથી લઇને ઘૂસણખોરી સુધીના કિસ્સા બન્યા છે. એ પહેલાં વર્ષ 1998માં અહીંયાંથી RDX પણ પકડાયું હતું. સરકારના ચોપડે પછાત-વિકાસશીલ વિસ્તાર તરીકે કચ્છની ઓળખ છે. ‘બોર્ડર સુની થઇ રહી છે’
હિન્દુ શૌર્ય સમિતિ કહે છે કે, દેશના આ છેવાડાના વિસ્તારમાં મુખ્ય સમસ્યા રોજગાર, શિક્ષણ અને આરોગ્ય બાબતે છે. વેપાર ધંધા ખૂબ ઓછા હોવાથી સમયાંતરે હિન્દુ વસતીએ પલાયન કર્યું. જેના પગલે હવે આ વિસ્તારની બોર્ડર સુની થઇ રહી છે. જેથી દેશ વિરોધી ગતિવિધિનું પ્રમાણ વધી રહ્યું છે. શિક્ષકોને છૂટા ન કરાય તેવી માંગ
‘અત્યારે પણ જિલ્લા ફેરબદલીના કેમ્પ બાદ 20 ટકા શિક્ષકો જ છે. બાળકોના ભવિષ્યને લઇ બધા ખૂબ ચિંતિત છે. કચ્છ જિલ્લા સરપંચ સમિતિના માધ્યમથી શિક્ષકોની તાત્કાલિક ભરતી થાય અને બદલી કેમ્પોમાં નોંધાયેલા શિક્ષકોને છૂટા ન કરાય એ ખાસ માંગણી છે. અહીંના દવાખાનામાં સરકારી ડૉક્ટરોની નિમણૂંક થાય એ જરૂરી છે. જેમ કે દયાપરના CHCમાં ત્રણ ડોકટરોની જરૂર છે. ત્યાં હાલ માત્ર એક જ ડૉક્ટર છે. તેમજ મેડિકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં નથી.’ પલાયન માટે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ જવાબદાર
હિન્દુ શૌર્ય સમિતિના મતે 1970થી માંડીને 2000ની સાલ સુધી અહીંયા ઘણા લોકોએ સ્થળાંતર કર્યું. એ પછી 2010ના દાયકામાં બાગાયત ખેતીનું પ્રોત્સાહન મળતા થોડું ઘટ્યું છે. પરંતુ પલાયન પાછળ શિક્ષણ અને આરોગ્યની કથળતી સ્થિતિ મોટેભાગે જવાબદાર છે. માતાના મઢથી દોલતપર, દયાપર, વિદાણી, ગડુલી અને પાનંધ્રો વિસ્તારમાં વર્ષો પહેલાં વસતીનું પ્રમાણ વધારે હતું. ગડુલીમાં પાટીદાર સમાજની વસતી એ સમયે 5500 હતી. હાલમાં 250 લોકો જ ગામમાં વસવાટ કરે છે. સમગ્ર તાલુકામાં દયાપરમાં 5500 પાટીદાર હતા, હવે 700 લોકો જ છે. ઠક્કર, લોહાણા, બ્રાહ્મણ, પુરોહિત સમાજ 1971માં લખપતમાં વસવાટ કરવા આવેલો. એમનું પણ માઇગ્રેશન ખૂબ વધારે પ્રમાણમાં થઇ રહ્યું છે. હિન્દુઓ મોટા શહેરો તરફ વધારે ગયા
હિન્દુ શૌર્ય સમિતિનો દાવો છે કે મુસ્લિમો માઇગ્રેટ કરે છે પણ એ તાલુકાના બીજા ગામોમાં આવી જાય છે પરંતુ હિન્દુ સમાજની વસતી સ્થળાંતર કરી અમદાવાદ, નડિયાદ, સુરત રાજકોટ, મુંબઇ તરફ વધુ ગયા છે. થોડા સમય પહેલા એટીએસે બે જગ્યાએ દરોડા પાડ્યા હતા. સેટેલાઈટ દ્વારા પાકિસ્તાનમાં વાતચીત થતી હોય એ પણ પકડાયેલા. એ પહેલાં લકી નામના ગામમાં ATS દ્વારા ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોને પકડવામાં આવ્યા હતા. ‘લવ જેહાદ, લેન્ડ ગ્રેબિંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઇ’
હિન્દુ શૌર્ય સમિતિનું માનવું છે કે લવજેહાદના કિસ્સા પણ બનેલા જે ઑન રેકોર્ડ છે. GMDC તથા ફોરેસ્ટની જમીન પર મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ કબજો કર્યો હતો. જેના પગલે આસપાસના લોકોને ત્યાંથી સ્થળાંતર કરવું પડે છે. અમુક વિસ્તારમાં સરકારી જમીનો ખુલ્લી કરી કાયદેસર ખેતર માલિકોએ પોતાના ખેતરમાં પ્રવેશ કરવો હોય ત્યારે તકલીફ પડે છે. જે લોકોએ અહીંયાથી સ્થળાંતર કરી દીધું છે તેઓ પાછા આવે ત્યારે મિલકતને લઇને પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. એમની મિલકત પર દબાણ થવું અથવા પ્રવેશ ન કરવા દેવા માટે ધમકીઓ મળે છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો પણ નોંધાયેલી છે. આ સંસ્થાઓએ કચ્છમાંથી પલાયન મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે લખપતમાંથી પકડાયેલા પાકિસ્તાનીઓનો ઉલ્લેખ કરતા હિન્દુ શૌર્ય સમિતિ કહે છે કે, 1950-60ના સમયગાળામાં જમીનોનું દસ્તાવેજીકરણ થયું, કાયદેસરતા આવી ત્યારે પાકિસ્તાન ગયેલા ઘણા મુસ્લિમોના નામે અન્ય મુસ્લિમોએ જમીન પોતાના નામ કરાવી લીધી અને વેચાણ કરી હોવાના પણ કિસ્સા છે. સુરક્ષા દળોને કારણે છેલ્લા ઘણા સમયથી ઘૂસણખોરી થઇ નથી. પરંતુ 1998માં 24 કિલો RDX તથા AK-47 સાથે લખપતમાંથી પાકિસ્તાનીઓ જ પકડાયા હતા. ‘સરકારના જવાબની રાહ’
હિન્દુ શૌર્ય સમિતિ જણાવે છે કે, અમે થોડા મહિના પહેલાં એક જ આવેદનપત્ર અત્યાર સુધી આપ્યું છે. સરકાર તરફથી કોઇ જવાબ આવે એની અમે રાહ જોઇ રહ્યા છીએ. કંઇ નહીં થાય તો ફરી બેઠક કરીશું. બોર્ડર વિસ્તારને લઇને બધે આવી જ સમસ્યા છે. ઘણા લોકો સાથે ચર્ચા કરતાં એમના વિસ્તારને લઇને એ પણ ચિંતિત છે. ‘વધારે હિન્દુઓ બહાર જાય છે’
વડાપ્રધાન મોદીને જે-જે સંસ્થાઓએ પત્ર લખ્યો હતો તેમાં એક સંસ્થા એકતાનગર રાજપૂત ક્ષત્રિય સમાજ પણ છે. તેના પ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અહીંયા ધંધો રોજગાર નથી. પહેલા અહીં GMDCની લિગ્નાઇટ માઇન્સ હતી જે હવે બંધ થઈ ગઈ છે. રોજગારી બંધ થઇ ગઇ છે. શિક્ષણમાં તો કઈ નથી અને આરોગ્યમાં પણ ઝીરો જેવું છે. મૂળ પ્રશ્નો આરોગ્ય, શિક્ષણ અને ધંધા રોજગારનો છે. જેના કારણે અહીંયાથી બધી વસતી ખાલી થતી જાય છે. વધારે પડતી હિન્દુ વસતી બહાર જાય છે. સ્વામીનારાયણ સંસ્થા BAPS સ્વામીનારાયણ સંસ્કારધામ, વર્માનગરે પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. પી.ટી.પઢેરિયા આ સંસ્થાના સેવક છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અહીંયા બોર્ડર વિસ્તારમાં મુસ્લિમ કોમ્યુનિટી વધારે છે. જેથી લવજેહાદ જેવા પ્રોબ્લેમ હોય એ માટે એકતા મંચ પરથી હિન્દુ યુવા સંગઠનો, ધાર્મિક સંગઠન અને RSS બધાએ એક થઈને પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી. અમે બધા એકજૂથ છીએ.અત્યારે પણ બધી કોમ્યુનિટી છે. પણ એકતા માટે થઈને મામલતદાર અને બધાને આવેદન આપ્યું હતું. (ખાસ નોંધ- આ આર્ટિકલમાં વિવિધ ગામની વસતી જાણવા માટે ભારતીય ચૂંટણીપંચે તૈયાર કરેલી મતદાર યાદી ઉપયોગમાં લેવામાં આવી છે. જેને ગત 6 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એટલે બની શકે કે કેટલાક એવા લોકો પણ આ મતદાર યાદીમાં સામેલ હોય જેઓ અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા હોવા છતાં તેમના જૂના રહેણાંક વિસ્તારની મતદાર યાદીમાં નામ બોલતું હોય. આ ઉપરાંત પુખ્તવયના ન હોય એવા નાગરિકોની માહિતી પણ રીતે આ ડેટામાં સામેલ નથી એ ધ્યાને લેવું જરૂરી છે. એટલે ગામની કુલ વસતીનો આંકડો થોડા ઘણા અંશે જુદો હોઇ શકે છે.)