મોરબી નજીકના શનાળા ગામમાં એસએમસી (SMC) ટીમે મોટી કાર્યવાહી કરતા આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ભૂમિ ગોડાઉનમાંથી 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 17,514 દારૂની બોટલ કબજે કરી છે, જેની કિંમત 76.39 લાખ રૂપિયા છે. પીએસઆઈ એ.વી.પટેલની આગેવાની હેઠળ કરવામાં આવેલી આ રેડમાં ત્રણ વાહનો (કિંમત 35.30 લાખ), ચાર મોબાઇલ ફોન (કિંમત 20,000) અને રોકડ રકમ 5,120 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. સ્થળ પરથી રાજસ્થાનના ચાર આરોપી – મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારામ ગુરુ અને પ્રવિણ ભગીરથરામ વરદની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દારૂના આ રેકેટનો મુખ્ય સૂત્રધાર અશોક પુનારામ પુવાર (રહે. સાંગરવા સાંચોર, રાજસ્થાન) છે. આ ઉપરાંત ગોડાઉન ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રામ (રહે. અડાસર બિકાનેર), મહેશ ચૌધરી (રહે. હાથી કા ઉંચી બાડમેર) સહિત કુલ સાત આરોપીની શોધખોળ ચાલુ છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 11 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એસએમસી ટીમે છેલ્લા કેટલાક મહિનાઓમાં મોરબી જિલ્લામાં અનેક સફળ દરોડા પાડ્યા છે. તાજેતરમાં જ લાલપર અને લજાઈ વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો.