દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… મેયરના વિસ્તારમાં એક કાર્યક્રમને લઇને ભાજપ કાર્યકરો-નેતાઓમાં નારાજગી
તાજેતરમાં જ અમદાવાદના મેયરના વિસ્તારમાં યોજાયેલા રોડના નામાભિધાન અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમને લઇને સ્થાનિક સ્તરે ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી છે. નામાભિધાન અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોવા છતાં પણ કાર્યક્રમ ખાનગી કાર્યક્રમ બની ગયો હોય તેમ પરિસ્થિતિ સ્થિતિ સર્જાઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જ્યાં હાજર હતા એવા કાર્યક્રમમાં હોલની બહાર ઉભા રહેલા જોવા મળ્યાં હતાં. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યક્રમ હતો ત્યારે બહાર બધી કોર્પોરેશનની વ્યવસ્થા હતી, પરંતુ કાર્યક્રમ ખાનગી બની ગયો હોય તેમ હોલમાં રાખી દેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તે મુજબ આખો કાર્યક્રમ યોજાયો નહોતો. જેથી કોર્પોરેશને નામાભિધાન માટે કરેલો ખર્ચો પણ માથે પડ્યો તેવી ચર્ચા જાગી છે. ભાજપના એક હોદ્દેદાર CM કે કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમની કામગીરીથી અળગા રહ્યા
બે વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થઈ ત્યારે અનેક સિનિયર સહિતના કોર્પોરેટરો હોદ્દો મેળવવા માટે દોડધામ કરી રહ્યા હતા. કેટલાક કોર્પોરેટરોએ પોતાનું લોબિંગ કરી અને ધારાસભ્યોની ભલામણ અને સિનિયોરીટી આગળ ભરીને હોદ્દેદાર બનવા માટે કહ્યું હતું, ત્યારે ભાજપના એક કોર્પોરેટર હોદ્દેદાર તો બની ગયા છે, પરંતુ હવે તેઓ હોદ્દેદાર તરીકે માત્ર નામના હોય તેવી રીતે કામગીરી કરી રહ્યા છે. કોઈપણ જગ્યાએ મુખ્યમંત્રી કે કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યક્રમ હોય અરે તેની તૈયારીથી લઈને તમામ બાબતોમાં કોઈ રસ લેતા નથી. મહત્વના હોદ્દેદાર હોવા છતાં પણ તેઓ પોતાના જવાબદારીમાં નિષ્ફળ રહ્યા છે તેવી ચર્ચા જાગી છે. ચૂંટણી જાહેર થતાં જ BJP પ્રમુખોમાં ખુશીની લહેર, સંગઠનમાં રિપીટ થવા લોબિંગનો સમય મળ્યો
ભાજપના નવા સંગઠનની જાહેરાતમાં હવે વધુ એક મહિનાની મુદત પડી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં હવે ચૂંટણી બાદ નવા શહેર જિલ્લાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી શકે છે, ત્યારે ભાજપના પ્રમુખોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ફરીથી રિપીટ થવા માટે પોતાના ધારાસભ્યો તેમજ અંગત માણસોને તેમની ભલામણ તેમજ લોબિંગ કરવાનો સમય મળી ગયો છે. ભાજપના એક પ્રમુખે આપેલી પાર્ટીની જોરશોરથી ચર્ચા જાગી છે. પ્રમુખે ફેરવેલ પાર્ટી આપી હતી કે ધારાસભ્યો અને હોદ્દેદારો તેમના તરફથી પ્રદેશના નેતાને પોતાના જ નામની ભલામણ કરવા માટે પાર્ટી આપી હતી. જોકે, હવે એક મહિનાનો વધુ સમય મળ્યો છે. જેની વચ્ચે પ્રમુખમાં રિપીટ થિયરી અપનાવાસે તો આગામી સમયમાં અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં પણ વિરોધના સુર ઊઠે તેવી ચર્ચા છે. પશ્ચિમ વિસ્તારના એક IAS ઓફિસર તો માત્ર ઓફિસમાં જ બેસીને આદેશો આપે છે
રાજ્ય સરકારે અમદાવાદમાં સિનિયર IAS અધિકારીઓને દૂર કરીને અન્ય સરકારી વિભાગોમાં નોકરી કરી ચૂકેલા IAS અધિકારીઓને મૂક્યા છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ડામાડોળ બની ગયું છે. એક તરફ અધિકારીઓને પ્રજાકીય કામો કરવા માટે શું કરવું તેની ખબર નથી પડતી જેના કારણે તેઓ બહાર ફિલ્ડમાં ઉતરતા નથી અને માત્ર એસી ઓફિસમાં બેસીને કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના એક IAS ઓફિસર તો માત્ર ઓફિસમાં જ બેસીને આદેશો આપે છે. બહાર ફિલ્ડમાં ઉતરીને સજાતીય કામો યોગ્ય રીતે થાય છે કે નહીં અથવા અધિકારીઓએ કર્યા છે કે કેમ તેની તપાસ કરતા નથી. ચર્ચા જાગી છે કે, IAS ઓફિસરોની કામગીરી નબળી છે છતાં પણ ભાજપના સત્તાધીશો તેઓને સાચવી રહ્યા છે. કારણ કે આમાં કેટલાક અધિકારીઓ સત્તાધીશોના રિમોટ પર ચાલે છે. એક નેતાની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂનો મેસેજ વાઈરલ થતાં ભાજપ પ્રદેશે ખુલાસો કરવો પડ્યો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ હવે કેન્દ્રીય મંત્રી હોવાના કારણે દિલ્હીમાં તેઓ વ્યસ્ત છે. એક તરફ હવે ભાજપ સંગઠન એક મહિના સુધી નિમણૂક થવાની નથી, ત્યારે ભાજપ પ્રદેશના એક નેતાને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હોવા અંગેના સોશિયલ મીડિયામાં મેસેજો વહેતા થયા હતા. કાર્યકારી પ્રમુખ તરીકે પ્રદેશના નેતાને નિમણૂક કરવામાં આવી હોવાને પગલે અભિનંદનના મેસેજ મીડિયામાં વાઇરલ થયા હતા. નેતાના સમાજના ગ્રુપમાં પણ નેતાને અભિનંદન આપતા મેસેજ વાઇરલ થતાં તાત્કાલિક ધોરણે ભાજપ પ્રદેશ તરફથી ખુલાસો પણ કરવો પડ્યો હતો કે કાર્યકારી પ્રમુખ તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી નથી. એક તરફ પ્રદેશના નેતાને જવાબદારીઓ તો આપી દેવામાં આવી છે, પરંતુ દરેક જવાબદારીમાં તેઓ ધ્યાન આપી શકતા નથી, ત્યારે હવે વધારાની જવાબદારી ના આપવી જોઈએ તેવી ચર્ચા કાર્યકર્તાઓમાં જાગી છે.