back to top
Homeભારતહિમાચલના IG સહિત 8 પોલીસકર્મીને આજીવન કેદ:ગુડિયા રેપ-મર્ડર કેસમાં યુવકને ઝડપ્યો; કસ્ટડીમાં...

હિમાચલના IG સહિત 8 પોલીસકર્મીને આજીવન કેદ:ગુડિયા રેપ-મર્ડર કેસમાં યુવકને ઝડપ્યો; કસ્ટડીમાં ટોર્ચર કરી મોતને ઘાટ ઉતાર્યો

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત ગુડિયા બળાત્કાર-હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં આરોપીની હત્યાના આરોપમાં IG સહિત 8 પોલીસકર્મચારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ચંડીગઢની CBI કોર્ટે પોતાનો ચુકાદો આપતાં 18 જાન્યુઆરી, 2025ના રોજ તમામને દોષિત જાહેર કર્યા હતા. CBI કોર્ટે તમામ દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આજે સવારે કોર્ટે તમામ દોષિતોની અપીલ સાંભળ્યા બાદ સાંજે 4 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો હતો. હવે કોર્ટે હિમાચલના IG ઝહુર એચ. ઝૈદીની સાથે તત્કાલીન થિયોગ DSP મનોજ જોશી, SI રાજીન્દર સિંહ, ASI દીપ ચંદ શર્મા, માનદ હેડ કોન્સ્ટેબલ મોહનલાલ અને સુરત સિંહ, હેડ કોન્સ્ટેબલ રફી મોહમ્મદ અને કોન્સ્ટેબલ રાનિતને આજીવન કેદની સજા ફટકારી છે. એ જ સમયે કોર્ટે શિમલાના તત્કાલીન SP ડીડબ્લ્યુ નેગીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં શિમલા જિલ્લાના કોટખાઈમાં સગીર ગુડિયા પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપી સૂરજની અટકાયત કરી હતી. ત્યાં ત્રાસ આપ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. પોલીસે બીજા આરોપી રાજુ પર આનો આરોપ લગાવ્યો. જોકે લોકઅપમાં સૂરજની હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ કોટખાઈ પોલીસ સ્ટેશનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તત્કાલીન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે આ કેસ CBIને સોંપ્યો હતો. CBIએ આ કેસમાં IG અને SP શિમલા સહિત 9 પોલીસ અધિકારી અને જવાનોની ધરપકડ કરી હતી. ગુડિયા બળાત્કાર-હત્યાના આરોપીઓની હત્યાનો આખો મામલો ક્રમશઃ વાંચો… 16 વર્ષની કિશોરી પર બળાત્કાર અને હત્યા, પોલીસે 2 યુવકની કરી અટકાયત
4 જુલાઈ, 2017ના રોજ શિમલા જિલ્લાના કોટખાઈમાં એક 16 વર્ષની છોકરી (ગુડિયા, કાલ્પનિક નામ) શાળાએથી પરત ફરતી વખતે ગુમ થઈ ગઈ હતી. 6 જુલાઈના રોજ કોટખાઈના ટાંડી જંગલમાંથી બાળકીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થિનીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે શિમલાના તત્કાલીન આઈજી સૈયદ ઝહુર હૈદર ઝૈદીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી. SITએ આ કેસમાં રાજુ અને સૂરજની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં સૂરજનું મોત થયું હતું. પોલીસે આ અંગે રાજુ પર આરોપ લગાવ્યો હતો. સરકારે CBIને તપાસ સોંપી, મૃતકના શરીર પર ઈજાનાં 20 નિશાન જોવા મળ્યાં
પોલીસ કસ્ટડીમાં મૃત્યુને લઈને લોકોએ અહીં પ્રદર્શન કર્યું. એ બાદ સરકારે સીબીઆઈને તપાસ સોંપી હતી. પૂછપરછ દરમિયાન પોલીસના ત્રાસથી સૂરજનું મોત થયું હોવાનું સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે. એના આધારે સીબીઆઈએ આઈજી ઝૈદી અને આ કેસ સાથે સંબંધિત 9 અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ હત્યાની કલમ 302, પુરાવાનો નાશ કરવાની કલમો અને અન્ય ઘણી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સૂરજના શરીર પર 20થી વધુ ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. AIIMSના ડોક્ટરોના બોર્ડના રિપોર્ટમાં સૂરજના ત્રાસની પુષ્ટિ થઈ હતી. ફરી સસ્પેન્ડ થયા IG ઝૈદી
2017માં આ કેસ શિમલા જિલ્લા કોર્ટમાંથી ચંડીગઢ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પછી હિમાચલ સરકારે આરોપી પોલીસ અધિકારીઓ આઈજી ઝૈદી, એસપી ડીડબ્લ્યુ નેગી અને ડીએસપી મનોજ જોશીને ઓગસ્ટ 2017માં ધરપકડ બાદ સસ્પેન્ડ કરી દીધા હતા. લગભગ 2 વર્ષ અને 2 મહિના પછી નવેમ્બર 2019માં સરકારે નિયમોના આધારે તેમને પુનઃસ્થાપિત કર્યા. ઝહુર ઝૈદી 1994 બેચના આઈપીએસ અધિકારી છે. ઝૈદી 582 દિવસ સુધી શિમલાની કાંડા જેલમાં રહ્યા. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જામીન બાદ પણ તેની સામેની સુનાવણી ચાલુ રહી હતી. જાન્યુઆરી 2020માં તત્કાલીન ભાજપ સરકારે તેમને ફરીથી સસ્પેન્ડ કર્યા. તેમના પર સાક્ષીને પ્રભાવિત કરવાનો આરોપ હતો. 3 વર્ષના સસ્પેન્શન પછી કોંગ્રેસ સરકાર દ્વારા જાન્યુઆરી 2023માં તેમની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023માં તેમને ફરીથી હેડક્વાર્ટરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. દોષિત પોલીસકર્મચારીઓની નોકરીઓ પર કટોકટી
ડીએસપી મનોજ જોશી હાલમાં 6ઠ્ઠા આઇઆરબી કોલારમાં પોસ્ટેડ છે. SI રાજેન્દ્ર સિંહ SDRFમાં ફરજ બજાવે છે. એએસઆઈ દીપચંદ શર્મા નિવૃત થયા છે. એચએચસી મોહન લાલ, એચએચસી સુરત સિંહ, હેડ કોન્સ્ટેબલ રફી મોહમ્મદ અને કોન્સ્ટેબલ રાનિત સ્ટેટા પોલીસ લાઇન કેન્થુ, શિમલામાં ફરજ બજાવે છે. ગુડિયા હત્યા કેસમાં નીલુને આજીવન કેદની સજા થઈ
બહુચર્ચિત ગુડિયા કેસમાં સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ શિમલા રાજીવ ભારદ્વાજે 18 જૂન, 2021ના ​​રોજ અનિલ કુમાર ઉર્ફે નીલુને દોષિત ઠેરવ્યો હતો, તેને સગીર સાથે બળાત્કાર અને હત્યાની કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. એપ્રિલ 2018માં સીબીઆઈએ ચિરાણી નીલુની ધરપકડ કરી હતી. 28 એપ્રિલ, 2021ના રોજ તેને શિમલાની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments