આજે વડોદરા મહાનગર પાલિકાનું સને 2024-25નું રિવાઇઝડ બજેટ અને 2025-26નું ડ્રાફ્ટ અંદાજ પત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. અંદાજપત્ર રજૂ કર્યા બાદ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે વડોદરાને ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા માટેની અગાઉ મોટી મોટી ગુલબાંગો હાંકી હતી. પરંતુ, આજે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં વડોદરામાં ટુરીઝમના વિકાસ અંગે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. તેમણે વડોદરા દર્શનની બસ ચાલુ ન હોવાનો સ્વિકાર કર્યો હતો. જ્યારે સિટી એન્જિનિયર સહિત બે અધિકારીઓએ વડોદરા દર્શન બસ ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ટુરિઝમના સવાલમાં મ્યુ. કમિશનરના જવાબ
વડોદરામાં ટુરીઝમ અંગે બજેટમાં કોઇ આયોજન કરવામાં આવ્યું છે ? તેવા એક સવાલના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, રૂપિયા 4 કરોડના ખર્ચે ઇન્ફર્મેશન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. ન્યાય મંદિર કોર્ટ બિલ્ડિંગનું નવિનીકરણ અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવા સહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અલ્પેશ મજમુંદારે વડોદરા દર્શન બસ ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું
વડોદરામાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત વડોદરા દર્શન બસ કેમ શરૂ કરવામાં આવતી નથી ? તેવા એક પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જવાબ ન આપતાં સિટી એન્જિનિયર અલ્પેશ મજમુંદારને જવાબ આપવા માટે જણાવ્યું હતું. અલ્પેશ મજમુંદારે વડોદરા દર્શન બસ ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. આ ઉપરાંત અધિકારી ધર્મેશ રાણાએ પણ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બસ ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. વડોદરા દર્શન બસ ધૂળ ખાઇ રહી હોવા છતાં, બંને અધિકારીઓના જુઠ્ઠાણા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડોદરા દર્શન બસ બંધ હોવાની કબુલાત કરી હતી અને આગામી દિવસોમાં વડોદરા દર્શન બસ ચાલુ કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. અગાઉ એક કાર્યક્રમમાં ગુલબાંગો હાંકી હતી
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા દ્વારા વડોદરા શહેરને હેરીટેઝ ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે અને વડોદરામાં ટુરીઝમ ક્ષેત્રે વિકાસ થાય તે માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરામાં ટુરીઝમ વિકસાવવા અને હેરીટેજને લગતું પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું અને વડોદરાને યુનેસ્કોમા હેરીટેજ ક્રિએટિવનો દરજ્જો અપાવવા માટેની ગુલબાંગો હાંકી હતી. આજના અંદાજ પત્રમાં પણ કોઇ ઉલ્લેખ નહીં
જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરે વડોદરા દર્શન બસ ગણતરીના દિવસોમાં ચાલુ કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ, આજે પણ વડોદરા દર્શનની બસ ચાલુ થઇ નથી. એતો ઠીક આજે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં વડોદરા ટુરીઝમના વિકાસનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી.