આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સૌથી મોટા શહેર ગોમા પર બળવાખોર સંગઠન M23ના લડવૈયાઓએ સોમવારે કબજો કરવાનો દાવો કર્યો છે. અહીં સેના અને વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ બળવાખોરોને પાડોશી દેશ રવાન્ડાનું સમર્થન છે. યુદ્ધ પછી હજારો લોકો શહેર છોડીને ભાગી ગયા. લગભગ 20 લાખની વસ્તી ધરાવતા ગોમા શહેરમાં બળવાખોરોની એન્ટ્રી અને ગોળીબારના કારણે અફરા-તફરીનું વાતાવરણ હતું. સમાચાર એજન્સી APના જણાવ્યા અનુસાર, ઘણા લોકો રસ્તા પર ઉભા રહીને બળવાખોરોનું સ્વાગત કરી રહ્યા હતા. બીજી તરફ, હજારો લોકો તેમના બાળકો અને અન્ય સામાન સાથે સરહદ પાર કરીને રવાન્ડાની સરહદમાં ચાલ્યા ગયા છે. કોંગો સરકારે સ્વીકાર્યું છે કે બળવાખોરો શહેરમાં ઘુસ્યા છે, પરંતુ શહેર પર કબજો કરવાનો ઇનકાર કર્યો છે. 2012માં પણ કબજો કર્યો હતો બળવાખોર જૂથ M23 એ કોંગોમાં સક્રિય 100 કરતાં વધુ બળવાખોર જૂથોમાંનું એક છે. આ બળવાખોરોએ 2012માં ગોમા પર હંગામી રૂપે કબજો પણ કર્યો હતો. બાદમાં આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેઓ પાછળ હટી ગયા. જો કે, 2021ના અંતથી, આ જૂથે ફરી એકવાર અહીં પોતાનો પગપેસારો કરવાનું શરૂ કર્યું. કોંગી સરકાર અને UNએ રવાન્ડા પર બળવાખોરોને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, રવાન્ડાએ આ આરોપોને ફગાવી દીધા છે. રવાન્ડાના વિદેશ મંત્રાલયે કોંગો પર M23 સાથે વાટાઘાટો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. મંત્રાલયે કહ્યું કે- આ નિષ્ફળતાએ લડાઈને લંબાવી છે, જે રવાન્ડાની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા માટે ગંભીર ખતરો છે. ,