511 દીકરીના સમૂહલગ્ન પ્રસંગે સ્ટેજ પરથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ લેઉવા પટેલના 2-3 ટકા આગેવાનો ટપોરી હોવાનું નિવેદન કર્યું હતું. આ નિવેદનનો લેઉવા પટેલ સમાજમાં વિરોધ ઉઠ્યો છે અને રાદડિયા સામે સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતા જવાબ આપવામાં આવી રહ્યા છે. જામકંડોરણાના મેઘાવડ ગામના પાટીદાર આગેવાન ચંદુભાઇ સોજીત્રાએ કહ્યું હતું કે, જયેશ રાદડિયાએ સમૂહલગ્ન કરાવ્યા તે સારું આયોજન હતું, પરંતુ સ્ટેજ પરથી રાજકીય ભાષણ કર્યું, સમાજને બદનામ કરવાની વાત કરી, રાદડિયાને જેનું પેટમાં દુ:ખતું હોય તેનું નામ લઇ શકતા નથી માત્ર રાજકારણ કરવા આવા નિવેદન કરે છે. સોજીત્રાએ ટપોરીની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, લૂંટ, ચોરી, મારામારી કરતા હોય, બેંકના કૌભાંડ, મગફળીના કૌભાંડ, ખાતરના કૌભાંડ કરતા હોય આ કૌભાંડિયાઓને ટપોરી કહેવાય, જામકંડોરણામાં ખાતરનું કૌભાંડ જેણે કરાવ્યું તેને ટપોરી કહેવાય.જામકંડોરણા કુમાર અને કન્યા છાત્રાલયમાં બોર્ડનું સેન્ટર કેન્સલ થયું, વિદ્યાર્થીઓને ચોરી કરાવી પરીક્ષામાં પાસ કરાવાતા હતા, ચોરી કરાવી જામકંડોરણાની સ્કૂલનું નામ રોશન કરાવતા, વિઠ્ઠલ રાદડિયાની સ્કૂલનું નામ રોશન કરાવવા ચોરી કરાવી વિદ્યાર્થીઓનું વર્ષ બગાડ્યું તેને ટપોરીવેડા કહેવાય. છાત્રાલયમાં 52 ગામના લોકોને પૈસા લઇને ટ્રસ્ટી બનાવ્યા અને પછી વિઠ્ઠલભાઇના પરિવારના ટ્રસ્ટી બનાવી અગાઉના ટ્રસ્ટીઓને કાઢી મૂક્યા તેને ટપોરીવેડા કહેવાય. સોજીત્રાએ એમપણ કહ્યું હતું કે, આરડીસી બેંકમાં જે છોકરાવને નોકરી આપવામાં આવે છે જેમાં જામકંડોરણાના એક છોકરાને પૈસા વગર આર્થિક વ્યવહાર વગર નોકરી આપી નથી તેને ટપોરી કહેવાય, જામકંડોરણા તાલુકાનો ફોફળ ડેમ બે વખત ધોવાઇ ગયો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો તેને ટપોરી કહેવાય, જામકંડોરણામાં જયેશ રાદડિયા ધારાસભ્ય છે, લોકસભાની ચૂંટણીમાં લેઉવા પટેલના છોકરાવને દારૂ પીતા કોણે શીખવ્યું?, છાત્રાલયથી દારૂ પીવડાવવાનું શરૂ થયું તેને ટપોરીવેડા કહેવાય. અમરેલીમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે જયેશ રાદડિયા બોલી ન શક્યા, જયેશ રાદડિયા વારંવાર કહે છે, સમાજની વાત આવશે ત્યારે રાજકારણ સાઇડમાં રાખીશું, પરંતુ પાયલના કેસમાં કેમ કંઇ ન બોલ્યા?, સોજીત્રાએ અંતમાં કહ્યું હતું કે, વિઠ્ઠલ રાદડિયાને જેની સાથે વાંધો હોય તેનું નામ લઇને વિરોધ કરતાં જયેશ રાદડિયા લેઉવા પટેલ સમાજને બદનામ કરવાનું બંધ કરે, ત્રેવડ હોય તો વિઠ્ઠલભાઇ જેવી રાજનીતિ કરી બતાવે, એક વ્યક્તિ પાછળ સમગ્ર સમાજને બદનામ કરો છો તે ખોટી વાત છે.