શહેરના કિશનવાડી વિસ્તારમાં પોણા બે વર્ષ અગાઉ ચાર વર્ષ અને આઠ માસની માસુમ બાળકી સાથે દુષ્કર્મ જેવો ગુનો આચાર્યો હોવાની ચકચારી ઘટનાને અદાલતે ગંભીરતાથી લેતા 55 વર્ષના આરોપી દાદાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કરતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઇ ગયો હતો. દાદાએ પૌત્રી સાથે શારીરિક અડપલાં કર્યા હતા
શહેરના કિશનવાડી વિસ્તારમાં ભારે ચકચાર જગાવનાર આ ઘટનાની વિગત એવી છે કે, ગત 2023ની 12 માર્ચે પોતાની ચાર વર્ષ અને આઠ માસની માસુમ પૌત્રીને દાદાએ ફોસલાવી રમાડવાના બહાને નજીકના બ્લોકના ધાબા ઉપર લઇ ગયા હતા. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવાના ઇરાદા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેના કારણે માસુમ બાળકી ભયભીત થઇ ગઇ હતી અને પરિવારજનોને આ બાબતની વાત કરતા મામલો વારસીયા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોકસો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ
વારસીયા પોલીસે પોકસો અને બળાત્કારની કલમ હેઠળ તેના સગા દાદા હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ પરસોત્તમ બારિયા (ઉ.વ. 55) સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ અત્રેના પોકસો જજ અને એડિશનલ સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલ સમક્ષ ચાલી રહ્યો હતો. કેસને લગતા પૂરાવા અને સરકારી વકીલ આર.એચ. ચૌહાણની ધારદાર દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી હતી. સરકારી વકીલ ચૌહાણે આરોપીને કાયદાની જોગવાઇ અનુસાર પુરેપુરી સજા કરવાની માંગણી સાથે દલીલ કરી હતી કે, આરોપી ભોગ બનનારના દાદા છે. ના સમજ બાળકી સાથે ગુનાહિત કૃત્ય આચર્યુ
આ ઉપરાંત ભોગ બનનારની ઉંમર માત્ર 4 વર્ષ અને 8 માસ છે. તે ના સમજ છે છતાં તેની સાથે ગુનાહિત કૃત્ય આચર્યુ છે. આ ગુનો બાળક વિરૂધ્ધનો, સમાજ વિરૂધ્ધનો, નિતિમત્તાના ધોરણે વિરૂધ્ધ અને નૈતિકતા વિરૂધ્ધનો હોય સમાજમાં રોજ બરોજ આ પ્રકારની ઘટના આકાર લેતી હોય, સમાજને ભયભીત થઇ બાળકો ઉછેરવા પડતા હોય છે. જેથી કડક સજા કરવી જોઇએ. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી
અદાલતે વિવિધ ત્રણ કલમો હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 30,000નો દંડ ફટકારવાની સજા કરવા ઉપરાંત ભોગ બનનારને 6 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.