back to top
Homeગુજરાતમનપા અને જેટકોમાં નોકરી આપવાની લાલચ આપી:સગા ભાઈ-બહેનને સરકારી નોકરીના નકલી ઓર્ડર...

મનપા અને જેટકોમાં નોકરી આપવાની લાલચ આપી:સગા ભાઈ-બહેનને સરકારી નોકરીના નકલી ઓર્ડર આપી 3 લાખની ઠગાઈ

લાલપુરના દ્વારકાધીશ પાર્કની વતની અને રાજકોટમાં રહી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી અપાવી દેવાની તથા તેના ભાઇને જેટકોમાં નોકરી અપાવવાની લાલચ આપી ઉપેલટા પંથકના શખ્સે રૂ.3,08,100 રૂપિયા પડાવ્યા હતા, એટલું જ નહીં આ ગઠિયાએ યુવતી અને તેના ભાઇને નોકરીના નકલી ઓર્ડર અને તાલીમના નકલી ઓર્ડર પણ આપ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી લઇ તપાસ શરૂ કરી હતી. લાલપુરની ઉપાસના ડાડુભાઇ કરમુરે (ઉ.વ.26) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના વાવડી ગામના પ્રતિક કિરીટ ડઢાણિયાનું નામ આપ્યું હતું. ઉપાસનાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે માર્ચ 2024માં વોકહાર્ટમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. તેની સાથે જ નોકરી કરતી એક યુવતીએ તેને કહ્યું હતું કે, તેના ગામ મોટી વાવડીનો પ્રતિક ડઢાણિયા તેને રાજકોટ મહાનગરપાલિકમાં નોકરી કરાવી અપાવાનો છે. તારે પણ મનપામાં નોકરી કરવી હોય તો હું તેને વાત કરું. ઉપાસના સાથી કર્મચારી યુવતીની વાતમાં ફસાઇ હતી અને તેણે પણ નોકરી માટે ઇચ્છા દર્શાવતા પ્રતિકે શરૂઆતમાં ઉપાસનાનો ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કર્યો હતો અને તમે લાલપુરના છો તો તમને જામનગર કોર્પોરેશનમાં નોકરી કરાવી આપીશ તે માટે રૂપિયાનો ખર્ચ થશે, અને ત્યાં ન થાય તો રાજકોટ કોર્પોરેશનમાં તો નોકરી કરાવી જ આપીશ તેવી ખાતરી આપી એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ 11 ઓગસ્ટના ઉપાસના પુષ્કરધામમાં આવેલી હોસ્ટેલના રૂમે હતી ત્યારે પ્રતિક ડઢાણિયાએ ફોન કરી જામનગરની નોકરી થઇ જશે તેમ કહી રૂ.2500 ગૂગલ પે યુવતી પાસે કરાવડાવ્યા હતા અને બાદમાં રાજકોટ મનપામાં સિવિક સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી તેના ઓર્ડર, તેની તાલીમ સહિતના નામે અલગ અલગ રકમ પડાવી હતી. પ્રતિક તેની ગર્લફ્રેન્ડ અને ઉપાસનાને ઓર્ડરના બહાને ગાંધીનગર સચિવાલય લઇ ગયો હતો અને ત્યાં નવો ખેલ કર્યો હતો. ઉપાસનાના ભાઇ ભાર્ગવને વીજકંપની જેટકોમાં વિદ્યુત સહાયક તરીકે નોકરી અપાવવાનું કહી ભાર્ગવને પણ ગાંધીનગર બોલાવ્યો હતો અને ભાઇ-બહેન સહિતનાઓને ગાંધીનગર, વડોદરા સહિતના સ્થળોએ ફેરવી જુદી જુદી વાતો કરી નકલી ઓર્ડર આપી કુલ રૂ.3,08,100 પડાવ્યા હતા. મળેલા ઓર્ડર નકલી હોવાનું સાબિત થતાં ઉપાસનાને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. પીઆઇ એચ.એન.પટેલ સહિતની ટીમે પ્રતિક ડઢાણિયાની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી હતી. મોટા કૌભાંડની આશંકા:કમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતી યુવતીએ નકલી અોર્ડર બનાવ્યા’તા
પોલીસે નોકરીના નામે છેતરપિંડી આચરનાર પ્રતિક ડઢાણિયાની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા નકલી ઓર્ડર કોણ બનાવતું હતું તેનો પણ ભાંડાફોડ થયો હતો. પ્રતિકે કહ્યું હતું કે, ક્રિસ્ટલ મોલ નજીક આવેલી દુકાનમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતી યુવતીઅે કમ્પ્યૂટરમાં રાજકોટ મહાનગરપાલિકા અને જેટકોના નકલી ઓર્ડર બનાવી આપ્યા હતા. પોલીસે કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ ત્યાંથી કબજે કર્યો હતો. આગામી દિવસોમાં યુવતીની પણ ધરપકડ થવાના નિર્દેશો મળ્યા હતા. મોડસ ઓપરેન્ડી: ગઠિયો ઉમેદવારોને સરકારી કચેરીએ લઈ જઈ નવા-નવા બહાના કાઢતો’તો
ઉપાસના કરમુરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રતિક પૈસા પડાવવા માટે સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકા કચેરીઅે લઇ જતો. ત્યારબાદ ગાંધીનગર સચિવાલયે લઇ જતો, વડોદરા પણ લઇ ગયો હતો. દરેક કચેરીની બહાર ઊભા રાખી પોતે અંદર જઇ ઓર્ડર લઇને આવે છે તેવી વાતો કરતો અને ઓર્ડર મળતો ન હતો. પરંતુ જ્યારે પરત આવતો ત્યારે અલગ અલગ બહાનું કાઢતો અને પૈસા પડાવતો હતો. ભરોસો કરવો ભારે પડ્યો: યુવતીના ભાઇને જેટકોમાં નોકરી માટે પોલ ટેસ્ટના નામે રૂ.9500 પડાવ્યા
ઉપાસનાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, પ્રતિકે કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હશો તો મનપામાં નોકરી મેળવવામાં મુશ્કેલી પડશે તેમ કહી ઉપાસનાને ખાનગી હોસ્પિટલમાંથી નોકરી છોડાવી દીધી હતી. ત્યારબાદ ઉપાસનાને કહ્યું હતું કે, તારા ભાઇ ભાર્ગવને જેટકોમાં પોલ ટેસ્ટ (થાંભલા પર ચડવાની ટ્રેનિંગ)ના પૈસા ભરવા પડશે તેમ કહી પોલ ટેસ્ટના રૂ.9500 પડાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments