back to top
Homeગુજરાતસરકારી સ્કૂલની 'R ન્યૂઝ ચેનલ'એ ધૂમ મચાવી:​​​​​​​દીકરીઓને અસ્ખલિત બોલતી કરવા આચાર્યે શાળામાં...

સરકારી સ્કૂલની ‘R ન્યૂઝ ચેનલ’એ ધૂમ મચાવી:​​​​​​​દીકરીઓને અસ્ખલિત બોલતી કરવા આચાર્યે શાળામાં ઊભો કર્યો મીડિયારૂમ, ધો.6ની વિદ્યાર્થિનીઓનાં એન્કરિંગથી બધા અચંબામાં પડ્યા

21મી સદીમાં વાલીઓ પોતાનાં બાળકોને નાછૂટકે પણ ખાનગી ફાઇવ સ્ટાર કલ્ચરવાળી શાળામાં ભણાવવા મજબૂર બન્યા છે, સ્પર્ધાત્મક યુગમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા વાલીઓ આંખમાં કાજળ આંજી શોધે તો પણ બાળક તેજસ્વી બને તેની કોઈ ગેરંટી મળતી નથી. ત્યારે આજે આ અહેવાલના માધ્યમથી આપને એવી એક સરકારી શાળા વિશે જણાવીશું, જ્યાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને મજબૂત કરવા શાળામાં જ એક ન્યૂઝ ચેનલની શરૂઆત કરવામાં આવી છે. આ ન્યૂઝ ચેનલમાં વિદ્યાર્થીઓ જ એન્કર બની પોતાની શાળામાં થતી માસિક પ્રવૃત્તિને ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવીને કેમેરા સમક્ષ વાંચી જાય છે. તો આવો જાણીએ, નવસારીની એક નાનકડી શાળા કેવી રીતે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત બની અને કેમ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર આ શાળાના વખાણ કરતાં થાકતા નથી… વાત છે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળાની. અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શાળામાં થતા પ્રોગ્રામ કે પ્રાર્થનાસભા સમયે બોલતા ઘણી અચકાતી હતી. સતત આ પ્રકારની પરિસ્થિતિ જોઈએ શાળાના આચાર્યએ દીકરીઓના મનથી ડર નિકાળવા માટે કંઈક અલગ આઈડિયા વિચાર્યો. વર્ષ 2017માં પોતાની જ શાળામાં એક ન્યૂઝ રૂમ તૈયાર કરાવ્યો અને શાળાના સંચાલકોએ રંગપુર ન્યૂઝ નામથી યુટ્યૂબ ચેનલની શરૂઆત કરી. જેને હાલમાં ખાસ્સી લોકપ્રિયતા મળી રહી છે. દાતાઓના સહયોગથી શરૂ થઈ ન્યૂઝ ચેનલ
TV પર દેખાતી ન્યૂઝ ચેનલ જેવો જ સેટઅપ શાળામાં ગોઠવવામાં આવ્યો છે, જેમ TV પર દેખાતી ચેનલ પર ચટપટા સમાચારને ન્યૂઝમાં સ્થાન આપવામાં આવે છે, તેવી જ રીતે અહીં શાળાની માસિક પ્રવૃત્તિને ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવીને વિદ્યાર્થીઓ જાતે એંકર બની તેને કેમેરા સમક્ષ વાંચી જાય છે, સાથે જ આ સમાચારને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે, ધીરે ધીરે તેઓ પોતાની ભૂલને જોઈને હવે પ્રોફેશનલ એંકર જેવા જ સમાચાર વાચતા થયા છે. વાલીઓ પણ પોતાનાં બાળકોની આ પ્રવૃત્તિથી રાજી
સામાન્ય રીતે વાલીઓ પોતાના દીકરા દીકરીને ઉત્તરોત્તર શાળાકીય પ્રગતિ કરતા જોવા માંગે છે, જેથી રંગપુર શાળાના વાલીઓ પણ આ ન્યૂઝ ચેનલ દ્વારા પોતાનાં બાળકોમાં આવેલા સકારાત્મક બદલાવથી ખુશ થયા છે. શાળા ક્યારે શરૂ થઈ?
1954માં શરૂ થયેલી આ શાળા ગ્રાન્ટેડ છે. સાથે જ આ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ નેશનલ, સ્ટેટ ફેરમાં પોતાની કલાત્મક અને પ્રયોગવાળી કૃતિઓ રજૂ કરીને એવોર્ડ લાવે છે. શાળા વિજ્ઞાનના મોડેલ બનાવીને ઓછામાં ઓછા ખર્ચામાં વિજ્ઞાનના પ્રયોગોનાં સાધનો થકી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના કોયડા ઉકેલવામાં પાવરધા બન્યા છે. શાળાના શિક્ષકોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી
વિજ્ઞાનના પ્રયોગમાં નરી આંખે ન દેખાતા જીવને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે, ત્યારે બજારમાં ઓછામાં ઓછાં 8000ની કિંમતે મળતા માઇક્રોસ્કોપની સામે આ શાળાએ માત્ર 499 રૂપિયાના નજીવા દરે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું માઈક્રોસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી વિજ્ઞાનની માહિતી મેળવી રહ્યા છે. આવી અનેક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને કલ્પનાશીલ બનાવવા માટે શાળના શિક્ષકોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. શાળાની દીવાલોમાં ગુજરાતી મૂળાક્ષરો ચણી દેવાયા
બાળકો સામાન્ય રીતે ગુજરાતી વર્ણમાળામાં જે સૌથી સરળ શબ્દો હોય છે. તેની બોલવાની શરૂઆત કરતાં હોય છે, ત્યારે શાળાના ક્રિએટિવ શિક્ષકોએ મોરબીમાં ગુજરાતી વર્ણમાળાની વિશિષ્ટ ટાઇલ્સ બનાવડાવીને ક્લાસરૂમના દીવાલ પર ચણી દીધી છે, આ કોન્સેપ્ટ મુજબ બાળકો પોતાની ચારે તરફ ગુજરાતી વર્ણમાળાને સરળતાથી વાંચી શકે છે. શાળાનાં બાળકો આધુનિક સ્કૂલનાં બાળકોને પણ આપે છે ટક્કર
ઘરમાં બજેટનો સૌથી મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે. કારણ કે, વાલીઓની ચિંતા હોય છે કે ક્યાંક તેમનું બાળક હરીફાઈમાં પાછળ ન રહી જાય તેની માટે લખલૂંટ ફી શાળાને ધરવામાં આવે છે. છતાં પણ ભણવાની કે આગળ વધવાની જવાબદારી વિદ્યાર્થીઓના માથે જ હોય છે. તેવી પરિસ્થિતિમાં રંગપુરની આ શાળાનાં નાનાં બાળકો કોઈપણ આધુનિક સ્કૂલના વિદ્યાર્થીઓને ટક્કર આપી શકે તેવા માહોલમાં ભણીને આગળ વધી રહ્યા છે અને કલ્પનાશીલ પણ છે. શું કહે છે આચાર્ય?
શાળાના આચાર્ય નીતિન પાઠકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારે એક મુશ્કેલી હતી કે, દીકરીઓ જાહેરમાં બોલવા ખચકાટ અનુભવતી હતી. શાળાના પ્રાર્થના સંમેલનમાં બોલવાનો વારો આવે તો તે શરમાતી હતી, એટલે અમે એક ઉપાય શોધ્યો, જેમાં અમે શાળામાં જ રંગપુર નામની ન્યૂઝ એટલે કે R ન્યૂઝ શરૂ કરી છે, જેમાં વિદ્યાર્થિનીઓ શાળામાં દર મહિને થતી પ્રવૃત્તિઓને નોધી તેની સ્ટોરી લખે છે, એ સમાચારોના સ્વરૂપમાં રજૂ કરે છે, આ પ્રવૃત્તિથી અમારી વિદ્યાર્થિનીઓમાં પોતાના વિચારો રજૂ કરવાનો આત્મવિશ્વાસ વધ્યો છે, ઘરે પણ તેઓ પરિવાર સમક્ષ પોતાની વાતને ભયમુક્ત રીતે રજૂ કરતી થઈ છે. અમારી દીકરીઓ રાજ્ય તેમજ કેન્દ્ર શાળા મંડળ દ્વારા યોજાતી સ્પર્ધામાં નંબર મેળવી લાવે છે. થોડા દિવસ અગાઉ મંત્રી કુબેર ડિંડોર અમારી શાળાની મુલાકાતે આવ્યા હતા. જેઓ પણ શાળામાં બનાવવામાં આવેલા ન્યૂઝ સ્ટુડિયો તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા વંચાતા ન્યૂઝ જોઈએ પ્રભાવિત થયા હતા. સાથે તેમણે અભિનંદન આપવા સાથે તમામને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થિનીએ પોતાના અનુભવ વિશે શું કહ્યું?
મહી ગાંવિત નામની વિદ્યાર્થિની દિવ્ય ભાસ્કરને જણાવે છે કે, હું રંગપુર શાળાની ધોરણ 6માં ભણું છું. અમારી શાળામાં R ન્યૂઝ નામથી એક ચેનલ ચાલે છે. અગાઉ અમારી શાળાની વિદ્યાર્થિનીઓ બોલવામાં ખચકાતી હતી. જેથી શાળામાં ન્યૂઝ ચેનલ પર અમે શાળામાં જ બનાવેલા અગત્યના કાર્યક્રમ ન્યૂઝ તરીકે રજૂ કરીએ છીએ, અમે સૌ વિદ્યાર્થિનીઓ આત્મવિશ્વાસથી કોઈપણ મંચ પર બોલી શકીએ છીએ. સમાચારોને અમે સોશિયલ મીડિયામાં અપલોડ કરીને અમારા ગામ સહિત ખૂણે ખૂણે પહોંચાડીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments