અમદાવાદની એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ, સસરા સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. જેની અરજી અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં એડવોકેટ મોહમ્મદ સલીમ.આઇ.સૈયદ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટે પતિને તેની પત્નીને 59.58 લાખ રૂપિયા ત્રણ મહિનામાં ચૂકવવા હુકમ કર્યો હતો અને 5 લાખ રૂપિયા શારીરિક તેમજ માનસિક ત્રાસના વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો હતો. પ્રેમ સંબંધ બંધાતા વર્ષ 2017માં બંનેએ લગ્ન કર્યા
કેસને વિગતે જોતા યુવતી મુંબઈમાં નોકરી કરતી હતી. જ્યાં તેને સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કરીને મુંબઈમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા, ત્યારે સાસરિયાઓએ પત્નીને દહેજ નહિ આપ્યાનો ટોણો માર્યો હતો અને લગ્ન ખર્ચના 8 લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં પતિ મુંબઈથી નોકરી છોડીને દિલ્હી નોકરીમાં ગયો હતો અને પત્નીને પણ નોકરી દિલ્હીમાં કરવા કહ્યું હતું. બાદમાં બંને દિલ્હી ખાતે રહેવા લાગ્યા હતા. પત્નીએ ગાડીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો
લગ્ન બાદ IIM કોલકાતામાં પોસ્ટ ગ્રેજયુએટ થયેલા પતિએ પોતાની CA પત્નીને કાળી અને ડોબી કહેવાનું શરૂ કરી દીધું હતું. પતિને અન્ય સ્ત્રી સાથે લગ્નેતર સંબંધો હોવાનો પણ પત્નીએ આક્ષેપ કર્યો હતો. પત્નીને જાણે જેલમાં રખાતી હોય તેવા માહોલમાં રખાતી હોવાનું તેનું કહેવું હતું. પત્ની ડિપ્રેશનમાં જતી રહેતા તેની ટ્રીટમેન્ટ પણ ચાલતી હતી. તેને એક વખત હાથની નસ કાપીને અને બીજી વખત ચાલુ ગાડીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ શરાબ પીને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો
ઉલ્લેખનીય છે કે, પત્ની CA તરીકે વાર્ષિક 40 લાખ રૂપિયા કમાતી હતી, તો પતિ IT કંપનીમાં વાર્ષિક 54 લાખ રૂપિયા જેટલું કમાતો હતો. જ્યારે સસરા ડોકટર અને સાસુ શિક્ષિકા છે. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે પતિ શરાબ પીને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. નવી ગાડીના પૈસા પણ પત્નીએ ચૂકવ્યા હતા. તો મામા સસરાના મકાનમાં પણ લાખો રૂપિયા આપ્યા હતા. પતિ તેનો પગાર લઈ લેતો હતો. કુલ 1.35 કરોડ રૂપિયા પતિ પાસેથી લેવાનો પત્નીનો દાવો હતો. પત્નીનો લગ્નેતર સંબંધ હોવાનો પતિએ આક્ષેપ કર્યો હતો
પત્ની તરફે 18 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તો પતિએ જણાવ્યું હતું કે, પત્ની સામે તેની માતાએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. પત્ની પોતે શરાબ પીતી હતી અને શેરબજારમાં નુકશાન કરતી હતી. પત્નીની એક મહિલા મિત્ર વડોદરામાં ઉચ્ચ હોદા ઉપર કાર્યરત છે. પત્નીને પણ લગ્નેતર સંબંધ હોવાનો પતિએ આક્ષેપ કર્યો હતો. પત્ની મહિને 4 લાખ કમાતી હોવાથી અને તેને અન્ય કોઈના ભરણ પોષણની જવાબદારી નહિ હોવાનું પતિએ જણાવ્યું હતું. પતિએ કહ્યું હતું કે આર્થિક ફાયદો મેળવવા કોર્ટમા અરજી કરવામાં આવી છે. કોર્ટે પત્નીને 59.58 લાખ ચૂકવવા પતિને હુકમ કર્યો
કોર્ટે નોંધ્યું હતું કે, લગ્ન પહેલાં પતિ અને પત્ની વચ્ચે 3 વર્ષ પ્રેમ સંબંધ રહ્યો હતો. ગણતરી કરતાં પત્નીને પતિ પાસેથી 59.58 લાખ સ્ત્રી ધન પરત મેળવવાનું નીકળે છે. આમ કોર્ટે પત્નીને ઘરેલુ હિંસાના કેસમાં 3 મહિનામાં 59.58 લાખ સ્ત્રી ધન પરત કરવા અને શારીરિક તેમજ માનસિક ત્રાસના 5 લાખ રૂપિયા 60 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો હતો.