સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારનું અનુમાન છે. ગત 20 જાન્યુઆરીના રોજ યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે. મૃતકને દારૂ બાદ ડ્રગ્સની લત લાગી
મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં 32 વર્ષીય નવાઝખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને ત્રણ દીકરી છે. નવાઝખાન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આ સાથે જ નવાઝખાન સમયાંતરે દારૂ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે એમડી ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો. ઘરે નશાકારક દ્રવ્યનું ઇન્જેકશન લીધું હતું
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત 20મીની રાત્રે 11 વાગ્યાના અરસામાં નવાઝખાન પઠાણે પોતાના ઘર પર કોઇ નશાકારક દ્રવ્યનું ઇન્જેકશન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ ત્રણ જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, કોઈ રિકવરી આવી ન હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 15-20 દિવસથી ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતોઃ ઇમરાનખાન
આ મામલે મૃતકના ભાઈ ઇમરાનખાન પઠાણે જણાવ્યું હતું કે, નવાઝખાન પઠાણ પહેલા દારૂ પીતો હતો. જોકે, છેલ્લા 15-20 દિવસથી એમડી ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતો. જેમાં ગત 20 જાન્યુઆરીના રોજ એમડી ડ્રગ્સ લેતાં ઓવરડોઝ થઈ ગયો હતો. ત્યારબાદ તે ઘરે બેભાન થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેની તબિયત વધુ ખરાબ થતા અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે
આજે (28 જાન્યુઆરી) સવારે નવાઝખાન પઠાણનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાના આક્ષેપના પગલે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવાઝખાન પઠાણના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે, હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. ‘ઉન પાટીયાથી ધંધા ચોકડી સુધી ડ્રગ્સનો ધંધો’
મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઈનું મોત એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે જ થયું છે. ઉન પાટીયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મારી એટલી જ વિનંતી છે કે, આ બધુ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને ત્રણ દીકરીઓ છે અને ઘરમાં કામાવાળો એ એક જ હતો. મારા ભાઈને ન્યાય જોઈએ.