back to top
Homeગુજરાતઆર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને 18 કરોડનો દંડ:હજીરામાં આવેલા પ્લાન્ટમાં કરાયેલા દબાણ પર...

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને 18 કરોડનો દંડ:હજીરામાં આવેલા પ્લાન્ટમાં કરાયેલા દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, 80,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ

સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે અને સરકારી જમીન પર દબાણ કરનાર લોકો તેમજ ખાસ કરીને મોટા ઉદ્યોગો સામે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી આ ઝુંબેશ હેઠળ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અભિયાન હેઠળ સૌથી મોટી કાર્યવાહી હજીરાની AMNS (ArcelorMittal Nippon Steel India) કંપની સામે કરવામાં આવી છે, જે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી રહી હતી. તપાસ બાદ સરકારે કંપનીને 80 હજાર ચોરસ મીટરમાં દબાણ કરવા બદલ રૂ. 18 કરોડનો દંડ ફટકાર્યો છે અને જગ્યા ખુલ્લી કરાઇ છે. જ્યારે અન્ય નાના-મોટા દબાણો દુર કરી 52 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. AMNS કંપનીએ હજીરામાં ગેરકાયદેસર દબાણ કર્યું
AMNS કંપની હજીરામાં આવેલી એક મોટી સ્ટીલ ઉત્પાદન કરતી કંપની છે. કંપનીએ વર્ષોથી હજારો એકર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું, જેને લઈને સ્થાનિકો દ્વારા તત્કાલીન કલેક્ટર સમક્ષ વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆતો બાદ કલેક્ટરે મામલતદારને તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે AMNS કંપની દ્વારા સરકારી જમીન પર અનેક ગેરકાયદેસર કબ્જા કરવામાં આવ્યા છે. 18 કેસમાં 10 કેસ AMNS વિરુદ્ધ હતા
આ પ્રકરણમાં કુલ 18 કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા હતા, જેમાંથી 10 કેસ AMNS કંપની વિરુદ્ધ પુરવાર થયા હતા. તપાસમાં સાબિત થયું કે કંપનીએ જમીન પર બિનઅધિકૃત કબજો કર્યો હતો, જે સરકારના નિયમો મુજબ દંડનીય ગુનો છે. આ કારણે, મામલતદાર કચેરી દ્વારા AMNS કંપનીને રૂ. 18 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી જમીન પર દબાણ કરનાર સામે વધુ કાર્યવાહી શક્ય
સુરત કલેક્ટરની આ કાર્યવાહી માત્ર AMNS સુધી મર્યાદિત નથી. હજીરા, ઉધના, પાંડેસરા અને શહેરના અન્ય ઉદ્યોગ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર કબજો કરનારા મોટા ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આવનારા દિવસોમાં સરકારી જમીન પર દબાણ કરનારા વિરુદ્ધ વધુ મેગા ડિમોલિશન અને દંડ ફટકારવાની કાર્યવાહી ચાલુ રહેશે. AMNS કંપનીની મુશ્કેલી વધી શકે
AMNS માટે આ દંડ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. કંપનીએ હજુ સુધી આ દંડ સામે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જો તેઓ દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો સરકાર વધુ કડક પગલાં લઈ શકે છે. આમ, સુરત કલેક્ટર દ્વારા ઉદ્યોગો અને મોટા ઉદ્યોગપતિઓ સામે કડક વલણ અપનાવતાં, હવે અન્ય કંપનીઓ માટે પણ ચેતવણીરૂપ નિર્ણય બની શકે છે. દોઢ મહિનાથી કામગીરી હાથ ધરાઈ છે
મામલતદાર નિરવ પારિતોષીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા છેલ્લા દોઢ મહિનાથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને ઓલપાડ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. મોરા ગામ, ડામકા ગામોમાં નેશનલ હાઇવે રીબન એરિયામાં જે દબાણો હતા, તે ઉપરાંત અમારી 148 સર્વે નંબરની જે સરકારી જગ્યાઓ હતી, તેમાં સ્થાનિકો અને બહારના લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તે તોડી પાડીને જગ્યાઓને ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલી હોટલ, ઢાબા અને પંચરની દુકાનો, જે ભાડે અપાઈ હતી તેને પણ તોડી પાડવામાં આવી છે. અંદાજિત 52,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ, અમે હજીરામાં તેમજ ચોર્યાસી તાલુકામાં આવેલા વિવિધ ગામોની સરકારી જગ્યાઓને ઓળખી, દબાણો હટાવી, દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કેસ ચલાવવામાં આવશે. 80,000 ચોરસ મીટર જમીનમાંથી દબાણ હટાવાયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમારી પાસે સ્થળ તપાસ દરમિયાન 18 જેટલા કેસ કરવામાં આવ્યા હતા અને હજી વધુ કેસો કરવામાં આવી રહ્યા છે. જેમાં 08થી 10 કેસોના નિર્ણય લેવાયા છે, જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ રૂ. 18 કરોડ દંડ કરાયો છે અને 80,000 ચોરસ મીટર જમીનમાંથી દબાણ હટાવવામાં આવ્યું છે. અમારાં બીજા કેસો પણ ચાલી રહ્યા છે, જેને નિર્ણય પર લઈ આગામી સમયમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. AMNS કંપનીમાં 1 મહિનામાં બે દુર્ઘટના બની હતી
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં પ્લાન્ટ નંબર 1 માં એચબીઆઇ મોડલ નંબર 4માં લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી. જેમાં લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઇ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેઇની એન્જિનિયર જતીનકુમાર કુશવાહા આશુતોષ ઘાયલ થયો હતો. 31 ડિસેમ્બરે પણ આ જ કંપનીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં આગ ફાટી નીકળતા લીફ્ટમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા જેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments