દહેગામ-ચીલોડા રોડ પર આવેલા મમૈયા પેટ્રોલપંપમાં રાત્રિના સમયે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પેટ્રોલપંપના માલિક દિપેન પટેલે ઓફિસના ડ્રોઅરમાં મૂકેલા કુલ 25 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. જેમાં 10 હજાર રૂપિયા ફિલર્સ માટેના છૂટા, 12 હજાર વેપારીને આપવાના અને 3 હજાર માતાજીની ચૂંદડીમાં મૂકેલા હતા. ઘટના 2 જાન્યુઆરીની રાત્રે બની હતી, જ્યારે સાંજે 8 વાગ્યે માલિક દિવસની આવક લઈને ગયા બાદ, રાત્રે 2થી 3 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરે ઓફિસની બારી તોડીને પ્રવેશ કર્યો હતો. તસ્કરે લાકડાના પાટિયા પરથી ચાવીનો પાઉચ લઈ, ડ્રોઅર ખોલીને રોકડની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, આ વિસ્તારમાં 27 જાન્યુઆરીએ નાયરા પેટ્રોલપંપ ખાતે પણ તસ્કરો ત્રાટક્યા હતા અને એક ફેક્ટરી પાસેથી બાઈકની ચોરી થઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચીલોડા પોલીસે તમામ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.