વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટા વાઘછીપા વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં ટેમ્પામાંથી ચોરી કરવાના કિસ્સામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પરવાસા ગામનો હોમગાર્ડ જવાન હેતલ બાબુભાઈ પટેલ છે, જેણે પોલીસનો યુનિફોર્મ પહેરીને આ વારદાતને અંજામ આપ્યો હતો. ઘટના મુજબ, ફરિયાદી અહમદ મોસનઅલી અન્સારી સ્નાઇડર ઇલેક્ટ્રીક ઇન્ફેક્ટર કંપનીમાંથી 12 કાર્ટુન ભરીને રાત્રે સાડા નવ વાગ્યે નાસિક સતપુરા સ્થિત બી.પી.ટી.એલ. ટ્રાન્સફર કંપની તરફ જઈ રહ્યા હતા. વાઘછીપા ત્રણ રસ્તા પાસે ખાખી ડ્રેસમાં રહેલા આરોપીએ ટેમ્પો રોક્યો અને કાગળો માગ્યા. આ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓએ ટેમ્પામાંથી એક કાર્ટુન ચોરી કર્યું. ચોરાયેલા કાર્ટુનમાં બે ઇલેક્ટ્રીક મીટર (VX31,110VDC.1/2NH) હતા, જેની કુલ કિંમત ₹7,542.54 હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી હેતલ ઉપરાંત પીયુષ સુભાષભાઈ ધોડીયા પટેલ અને સુખેશના બે સાથીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.