થાન નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના મંત્રી અને થાન નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન વર્ષાબેન નાયાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વર્ષાબેન નાયાણીએ નગરપાલિકાની ટિકિટ વહેંચણીથી નારાજ થયા છે. તેમણે જણાવ્યું કે દરેક વોર્ડમાં ઉમેદવારો અગાઉથી જ નક્કી કરી લેવામાં આવ્યા છે. 30 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા વર્ષાબેને સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ માત્ર સ્થાનિક રાજકારણ સાથે છે, વડાપ્રધાન મોદી અને પક્ષ પ્રત્યે તેમને કોઈ વાંધો નથી. આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી થાન નગરપાલિકાની ચૂંટણીમાં નવા સીમાંકન મુજબ 7 વોર્ડની 28 બેઠકો માટે 42,351 મતદારો મતદાન કરશે. વર્ષાબેને આરોપ મૂક્યો કે, તેમને બીજી ટર્મ માટે ટિકિટ આપવાનું વચન અપાયું હતું, પરંતુ પછીથી અન્ય વ્યક્તિને ટિકિટ અપાઈ. તેમણે વય મર્યાદાના મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી, જણાવ્યું કે 58 વર્ષની વયે પણ તેઓ ચૂંટણી લડવા સક્ષમ છે.
તેઓએ જણાવ્યું કે, મારો વાંધો માત્ર એ છે કે આ લોકોએ પહેલેથી જ નક્કી કરી લીધું છે કે કયા વોર્ડમાં કોને ટિકિટ આપવાની છે, એની સામે મારો વાંધો છે. હું કોઈ બીજા પક્ષ સાથે જોડાવાની નથી.