સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ કેમ્પસમાં ખાસ નાઈજીરીયન વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પદવીદાન સમારંભ યોજ્યો હતો. આ કાર્યક્રમ બાકીના વિદ્યાર્થીઓ માટે થોડાં દિવસો બાદ યોજાવાના મુખ્ય પદવીદાન સમારંભના પુરોગામી સમારંભ તરીકે યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના કુલ 23 નાઈજીરીયન વિદ્યાર્થીઓને આ સમારંભ દરમિયાન ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. આ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓમાં માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, ક્વૉલિટી એશ્યોરન્સ, ફાર્માકોલોજી, ફાર્માસ્યુટિક્સ, ક્લિનિકલ રીસર્ચ, ફાર્માકોગ્નોસી અને નર્સિંગ જેવી ડિસિપ્લિન્સમાં વિશેષજ્ઞતા ધરાવતા પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સામેલ છે. નાઇજીરીયાના વિદ્યાર્થીઓ માટે ખાસ પદવીદાન સમારંભ
નાઇજીરીયાના વિદ્યાર્થીઓની વિઝાની માન્યતા મર્યાદિત છે અને તમામ વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં હાજર રહી શકે તેની ખાતરી કરવા માટે સ્વર્ણિમ યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓ માટે વિશેષ પદવીદાન સમારંભ યોજ્યો હતો. સ્વર્ણિમ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ ઋષભ જૈનના અધ્યક્ષપદ હેઠળ આ સમારંભ યોજાયો હતો, જેમાં તેમની સાથે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. રાગિન શાહ, રજિસ્ટ્રાર ડૉ. ઉપેન્દ્ર પટેલ, એકેડેમિક ડિરેક્ટરો, પ્રિન્સિપાલ્સ, વિવિધ વિભાગોના વડાઓ પણ હાજર રહ્યાં હતાં. વિદ્યાર્થીઓને આજીવન શીખતા રહેવાની વિનંતી કરી
સમારંભને સંબોધતા વાઇસ પ્રેસિડેન્ટે વિદ્યાર્થીઓની સ્થિતિસ્થાપકતા, સમર્પણ અને આકરી મહેનતના વખાણ કર્યા હતા અને તેમણે તેમની વિકાસયાત્રા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સતત વિકસી રહેલા વિશ્વમાં અનુકૂલનક્ષમતા અને જિજ્ઞાસાના મહત્ત્વ પર ભાર મૂકીને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને આજીવન શીખતા રહેવાની વિનંતી કરી હતી. વિદ્યાર્થીઓના જીવનનું એક નવું પ્રકરણ શરૂ થયું છે
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદી જૈનએ જણાવ્યું હતું કે, ‘આ પદવીદાન સમારંભની સાથે વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા તો પૂરી થઈ છે. પરંતુ તેમના જીવનનું એક નવું પ્રકરણ શરૂ પણ થયું છે, જેમાં અમારા વિદ્યાર્થીઓ તેમણે અર્જિત કરેલા જ્ઞાન અને કૌશલ્યોના માધ્યમથી સમાજમાં યોગદાન આપશે. અમને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે અને સાર્થક પ્રભાવ પાડવાની તેમની ક્ષમતામાં વિશ્વાસ છે.’ આ સમારંભ નાઈજીરીયન વિદ્યાર્થીઓની સિદ્ધિઓનો એક હાર્દિક ઉત્સવ બની રહ્યો હતો, જેમાં સ્વર્ણિમ યુનિવર્સિટીએ વૈશ્વિક સ્તરના શૈક્ષણિક માહોલને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.