back to top
Homeગુજરાતપોલીસના જ રિપોર્ટથી અમરેલી પોલીસનું સરઘસ નીકળશે!:પાયલને પટ્ટાથી મારી હોવાના કોર્ટ-મેડિકલમાં પુરાવા...

પોલીસના જ રિપોર્ટથી અમરેલી પોલીસનું સરઘસ નીકળશે!:પાયલને પટ્ટાથી મારી હોવાના કોર્ટ-મેડિકલમાં પુરાવા નહીં પણ તેને માર મરાયાની પોલીસની મૌખિક કબૂલાત

મિહિર ભટ્ટ

અમરેલીના પત્રકાંડ બાદ પોલીસના ‘સરઘસકાંડ’ને લઈને પાટીદાર સમાજમાં નારાજગી વ્યાપી હતી. એક યુવતીને સરાજાહેર તપાસના નામે રોડ પરથી લઈ જવી અને પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓની પાછળ એવી રીતે ઊભી રાખવી કે મીડિયાના કેમેરામાં તે આવે. પોલીસની આવી કરતૂતને લઈને પાટીદાર જ નહીં પણ અન્ય સમાજના લોકો નારાજ થયા હતા. નારાજગીનો ભોગ સરકાર ન બને એ માટે રાજ્ય પોલીસ વડાંએ સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી. સૂત્રોનું કહેવું છે કે, નિર્લિપ્ત રાય અને તેમની ટીમે કરેલી તપાસમાં કુલ 16 વ્યક્તિનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે, જેમાં પોલીસ અને આરોપીપક્ષનો સમાવેશ થાય છે. આ નિવેદનોના આધારે નીકળેલા તથ્યોનો રિપોર્ટ ગણતરીના દિવસોમાં રાજ્યપોલીસ વડાંને સોંપવામાં આવશે. ત્યાર બાદ એ રિપોર્ટ આધારે શું પગલાં લેવા તે DGP વિકાસ સહાય નક્કી કરશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતુ. સરઘસકાંડની તપાસમાં પોલીસનાં નિવેદન અને તપાસ અધિકારીનાં તથ્યો અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ નિવેદન આપ્યું છે કે, પાયલ ગોટીની ધરપકડની રાત્રે પોલીસ તેના ઘરે ગઈ હતી પરંતુ ધરપકડ નહોતી કરવાની. પાયલ સામેથી જ પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવી હતી.
તારણ : કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સાથે સામેથી ન આવે. એમાં પણ સ્ત્રી સામેથી પોલીસ સાથે ન જાય. તેમ છતાં જો આવી હોય તો પુરુષ પોલીસકર્મીઓએ તેની લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં રાત્રે પૂછપરછ કરી હતી.
પોલીસે લખાવ્યું છે કે, 29 મી તારીખે જ્યારે પાયલ સહિતના આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે તેમની ઓફિસ લઈ જવાયાં ત્યારે રવિવારના કારણે બજારમાં ભીડ હતી માટે પોલીસના વાહનો દૂર મૂકી આરોપીઓને ચાલતા લઈ ગયા હતા.
તારણ : પોલીસ ફોર્વર્ડ ચાર રસ્તાથી કોર્ટના માર્ગે થઈને આરોપીની ઓફિસ સુધી પહોંચી હતી. આટલા દૂર પોલીસના વાહનો મૂકવાની જરૂર નહોતી. DIG નિર્લિપ્ત રાયની ટીમે પોલીસના આ નિવેદનનું રિકન્સ્ટ્રકશન કર્યુ એટલે કે, જાતે વાહનો લઈ જઈ તપાસ કરી.
પોલીસકર્મીઓએ નિવેદન આપ્યું છે કે સરઘસ કાઢવાનું હતંુ જ નહીં ખાલી સ્થળ તપાસ જ હતી
તારણ : રિકન્સ્ટ્રક્શન સમયે મીડિયા અને સીસીટીવીમાં દેખાતા ભાજપના કેટલાક સમર્થકો કેવી રીતે પહોંચી ગયા?
કથિત આરોપી પાયલ ગોટી અને પરિવારે માર મારવા અંગે પણ DIG નિર્લિપ્ત રાય સમક્ષ નિવેદન નોંધાવ્યું છે, જો કે, અમરેલી પોલીસે માર નહીં માર્યાનું જણાવ્યું છે.
તારણ : તપાસ ટીમ માની રહી છે કે, પાયલની ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર કરાઈ ત્યારે અને ધરપકડ પછીનાં મેડિકલ રિપોર્ટમાં માર માર્યાનો ઉલ્લેખ નથી. પરંતુ તેને પોલીસે મારમારી હોવાનું કેટલાકે મૌખિક નિવેદન આપ્યું છે. (આવી મૌખિક કબૂલાતનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે તેમ સૂત્રનું કહેવું છે)
SP સંજય ખરાતની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે માત્ર પ્રેસનોટ જ આપી હતી, પ્રેસનોટ સાથે ફોટા નહોતા આપ્યાં.
તારણ : તો પછી પ્રેસમાં પાયલ ગોટીને હાજર રાખવાનો નિર્ણય કોના કહેવાથી લેવાયો તે મુદ્દે અલગ અલગ મત છે. તપાસ સરકારે નહીં DGPએ સોંપી માટે SPનો જવાબ નથી લેવાયો!
રિપોર્ટનાં તથ્યો અને કોના-કોના નિવેદન લેવાયાં? તે અંગે પૂછતાં DIG નિર્લિપ્ત રાયે આ ખાનગી રિપોર્ટ હોવાનું કહીં વાત કરવાનું ટાળ્યું હતું. જો કે, સૂત્રોનું કહેવું છે કે, આ તપાસમાં અમરેલી એસ.પી સંજય ખરાતનું નિવેદન નથી. તેની પાછળનું કારણ એ છે કે, આ કેસની તપાસ રાજ્ય સરકાર કે ગૃહમંત્રાલયે નહોંતી સોંપી. આ તપાસ રાજ્ય પોલીસ વડાંએ સોંપી હોવાથી એસ.પી કક્ષાના અધિકારીનું નિવેદન લેવા સરકારની મંજૂરી લેવી પડે. માટે આ રિપોર્ટમાં માત્ર અમરેલી એસ.પીની સ્પષ્ટતા જ લેવામાં આવી છે. જે સ્પષ્ટતાં પણ બુધવારે આવી ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. શું પગલાં લેવા તે DGP વિકાસ સહાય નક્કી કરશે
સૂત્રોનું કહેવું છે કે, નિર્લિપ્ત રાયની જવાબદારી માત્ર નિષ્પક્ષ અને સચોટ રિપોર્ટ આપવાની છે. જેમાં સત્યને તથ્યો સાથે મૂકવામાં આવે. નિર્લિપ્ત રાય પોતાની તપાસમાં નિષ્પક્ષ જ રહેશે તેવું ખુદ પોલીસથી માંડીને અમરેલીના લોકો માની રહ્યા છે. પરંતુ રિપોર્ટ બાદ રિકન્સ્ટ્રક્શનના નામે ‘સરઘસકાઢી’ને રાજકિય વ્યક્તિઓને વહાલા થનારા લોકો પર શું કાર્યવાહી કરવી તે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જ નક્કી કરશે તેમ સૂત્રોનું કહેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments