પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું છે. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા અને હાલમાં સુરત ખાતે સ્થાયી થયા હતા. મહાકુંભના સ્નાન માટે તેઓ પ્રયાગરાજ ગયા હતા, જ્યાં ભીડભાડની પરિસ્થિતિમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ કડા ગામ અને સુરતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મહેશભાઈના પરિવારજનો અને ગ્રામજનો દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મહાકુંભ જેવા પવિત્ર ધાર્મિક પ્રસંગે બનેલી આ દુર્ઘટના એક શ્રદ્ધાળુંના જીવન માટે કાળ બની ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતદેહને વતન પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ મહાકુંભમાં ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે, જેથી આવી કોઈ દુર્ઘટના ફરી ન બને.