ઘરનું બજેટ સંભાળવામાં કુશળ મહિલાઓ હવે શહેરની 25 લાખથી વધુ મિલકતો પેટે 2400 કરોડના વેરા વસૂલવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવતી જોવા મળી રહી છે. વર્ષોથી બાકી રહેલા વેરાની વસૂલાત માટે વરાછા ઝોન-એ દ્વારા 12 મહિલાઓની વિશેષ રિકવરી ટીમ બનાવી હતી. આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે, માત્ર 7 દિવસમાં જ 1 કરોડની રિકવરી કરવામાં આવી. મહિલાઓની રિકવરી ટીમ મોકલાતા વેપારીઓનું વલણ બદલાયું
વરાછા ઝોન-એ હેઠળ સણિયા, હેમાદ અને સારોલી જેવી કેટલીક ટેક્સટાઇલ માર્કેટના દુકાનદારો વર્ષોથી મિલકત વેરો ચૂકવતા નહોતાં. બાકી રકમ વસૂલવા નોટિસો ફટકારવામાં આવી. ફાળવેલા સર્વેયર ટીમ્સની અવારનવાર મુલાકાત છતાં ડિફોલ્ટર્સ વેરો ભરતા નહોતા. જોકે, જ્યારે મહિલાઓની રિકવરી ટીમ મોકલવામાં આવી ત્યારે વેપારીઓનું વલણ બદલાયું. પરંપરાગત વેરા વસૂલાત પદ્ધતિઓમાં ક્યારેક શાબ્દિક તકરાર અને વિરોધ પણ જોવા મળતો. મહિલાઓની રિકવરી ટીમને રજૂ કરતા વેપારીઓ પણ સીધા વિવાદમાં નહીં આવે અને માન જળવાઇ રહે, એ હેતુથી આ પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો. આકારણી વિભાગ, કોમ્પ્યુટર વિભાગ અને RTI સેલમાં કાર્યરત 12 મહિલાઓની ટિમને વેરા વસૂલાત માટે મોકલવામાં આવી અને માત્ર એક જ વોર્ડમાંથી 7 દિવસમાં 1 કરોડ રૂપિયાની રિકવરી થઈ. વિકાસમાં વેરાની ભૂમિકા સમજાવી કરાશે વસૂલાત
મહિલાઓ માત્ર વસૂલાત માટે નહીં, પણ વેરો ભરવાનું મહત્વ અને વિકાસમાં તેનો ઉપયોગ પણ સમજાવશે. ટેક્સ ભરવાના ફાયદા અને નક્કી કરેલી રકમ ભરવામાં સહકાર આપવા માટે વાતો અને હકારાત્મક અભિગમ દ્વારા વેપારીઓને મનાવવામાં આવશે. વરાછા ઝોનના આ સફળ પ્રયોગને હવે અન્ય ઝોનમાં પણ અપનાવવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ એન્ડિંગમાં ટાર્ગેટ મેળવવા મહિલાઓની મહત્ત્વની ભૂમિકા
નાણાકીય વર્ષ સમાપ્તિ સુધી વેરા વસૂલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા દરેક ઝોનમાં પ્રયાસો થઈ રહ્યા છે. વરાછા ઝોનનો પ્રયોગ સફળ થતા શહેરના અન્ય ઝોનમાં પણ રિકવરી માટે મહિલાઓની ટીમ બનાવવાની યોજના બનાવી છે.