ભરૂચના શખ્સને અમદાવાદના ગઠિયાએ રાજ્યકક્ષાના વિદેશમંત્રી ડો રાજકુમાર રંજન સિંઘના કેર ટેકર તરીકેની ઓળખ આપી તેમને કેનેડાના વિઝા – નોકરી અપાવવાની લાલચ આપી કુલ 9.54 લાખની ઠગાઇ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચમાં રહેતાં અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ બે બાળકોના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી. દરમિયાનમાં 2022માં તેમના એક પરીચિત થકી અમદાવાદના મનમોહન શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યાં હતાં. તેમણે પોતાની ઓળખ ભારતના રાજ્ય કક્ષાના વિદેશમંત્રીના કેર ટેકર તરીકે કામ કરે છે. તેણે ત્યાં બોલાવી વિદેશમંત્રીના ઘરે લઇ જઇ ત્યાં તેમની સાથે અમિત વાઘેલાના ફોટા પડાવ્યાં હતાં. બાદમાં તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લીધા બાદ કામ કરવાના બહાને તબક્કાવાર રીતે તેણે કુલ 9.54 લાખ રૂપિયા લીધાં હતાં. વિઝાના માટેની ખાતરી આપી હતી. વિઝાનો પ્રયાસ કરતાં અમિતભાઇને મનમોહન શ્રીવાસ્તવ અવાર-નવાર દિલ્હી બોલાવતો હતો. પહેલાં વર્ષ 2023માં ફેબ્રુઆરીમાં તેઓ ત્રણ દિવસ માટે દિલ્હી ગયાં હતાં. જ્યાં ત્રણ દિવસ સુધી તેઓ ફોન પર સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં હું આવું છું તેમ કહેતો હતો. બાદમાં સપ્ટેમ્બરમાં પણ બોલાવ્યાં હતાં.
ને કાર વેચી, મકાનનો પાવર ભાઇના નામે કર્યો
2024માં જાન્યુઆરી મહિનામાં મનમોહને તેમને જણાવ્યું હતું કે, તમારા વિઝા થઇ ગયાં છે. કેનેડા જવાની તૈયારીઓ કરી દો. તમારી મિલકત – વાહનો વેચી દો તેમ કહેતાં અમિતે તેમની કાર વેચી દીધી હતી. ઉપરાંત મકાનનો પાવર તેમના ભાઇને આપી દીધો હતો. જોકે, બાદમાં તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું.