મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલી સુર્યાનગર સોસાયટીમાં 28મી જાન્યુઆરીએ સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે પિતા અને પુત્રીનું મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન પરિણીતાનું પણ મોત થયું છે. મૂળ આંધ્રપ્રદેશના વતની, આ પરિવારમાં પતિ રવિકુમાર સોમેશ્વરરાવ લાંદા (41), તેમની બે વર્ષની પુત્રી જાનવી અને પત્ની કવિતાબેનનું દુઃખદ અવસાન થયું છે. ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયનના જણાવ્યા મુજબ, આ ઘટના શ્રીકાકુલમ જિલ્લાના વન્કુલુટુર ગામના મૂળ વતની પરિવાર સાથે બની, જેમણે આ દુર્ઘટનામાં પોતાના ત્રણ સભ્યો ગુમાવ્યા છે. વહેલી સવારે દૂધ ગરમ કરવા જતાં બ્લાસ્ટ બાદ આગ લાગી
સવારે છ વાગ્યાના સુમારે કવિતાબેન દૂધ ગરમ કરવા માટે ગેસ સ્ટવ પર ગયા ત્યારે અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઊઠી. પ્રાથમિક તપાસમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટથી આગ લાગી હોવાનું મનાતું હતું, પરંતુ FSLની તપાસમાં ગેસ લીકેજ આગનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના સમયે પરિવારના સભ્યો ઊંઘમાં હતા. આગની ઘટનામાં પિતા અને પુત્રી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે 60 ટકા દાઝી ગયેલા કવિતાબેનને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 12:30 વાગ્યે તેમનું પણ મૃત્યુ થયું. સદ્ભાગ્યે, નીચેના માળે રહેતા પરિવારનો બચાવ થયો હતો. કારણ કે આગ ત્યાં સુધી ફેલાઈ નહોતી. નિંદ્રાધીન પિતા અને પુત્રીનું ગંભીર રીતે દાઝી જતાં મોત
મુન્દ્રાના બારોઇ રોડ સ્થિત સુર્યાનગર સોસાયટીના રહેણાંક મકાનમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી અને આખા ઘરને ભયાનક આગે લપેટમાં લેતા નિંદ્રાધીન પિતા સાથે બે વર્ષની માસુમ પુત્રીનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. જયારે માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક તપાસમાં રાંધણ ગેસની બોટલ લીકેજ થવાને કારણે આગનો બનાવ બન્યો હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે. આગમાં ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા હતા
મંગળવારે સવારે છ વાગ્યાના અરસામાં સુર્યાનગર સોસાયટીના રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જેમાં 41 વર્ષીય રવિકુમાર સોમેશ્વરરાવ લાંદા અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવીનું ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે મળેલી માહિતી મુજબ વહેલી સવારે પરિવાર ઘરની અંદર સુતો હતો. એ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.અને જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.જેમાં પરિવારના ત્રણેય સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.