રાજકોટની સદર બજારમાં રાત્રીના ટીસીમાં વીજફોલ્ટ રીપેરીંગ કરતી વખતે અચાનક વીજ પ્રવાહ શરૂ થઈ જતા લાઈનમેનને વીજશોક લાગતા ગંભીર હાલતમાં પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મોત થયું હતું. આ બનાવમાં પ્રથમ દ્રષ્ટિએ આર.વર્લ્ડમાં જનરેટર ચાલુ કરતા તેમાથી બેક પાવરના લીધે કરંટ લાગ્યો હોવાનું જણાયું હતું. જે અંગે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવશે. બીજી તરફ હાલ PGVCL દ્વારા આર.વર્લ્ડનુ વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે અને પુરાવા એકત્ર થયા બાદ ગુનો પણ નોંધવામાં આવશે. અચાનક વીજ પુરવઠો શરૂ થતાં વીજશોક લાગ્યો
રાજકોટમાં પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં રહેતા અને PGVCLમાં હેલ્પર તરીકે નોકરી કરતા નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ જાદવ (ઉ.વ.41) નામનો યુવક રાત્રીના ફરજ પર હતા ત્યારે સદર બજારમાં વીજ ફોલ્ટ આવતા ટીમ સાથે સદર બજારમાં ભારત ફ્રૂટની સામે આવેલા ટીસીમાં ફોલ્ટ રીપેરીંગ માટે ગયા હતા. આ દરમિયાન વીજપુરવઠો બંધ કરવાની જાણ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને ટીસી ઉપર રીપેરીંગ કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વીજ પુરવઠો શરૂ થતાં નરેન્દ્રભાઈને વીજશોક લાગતા વીજ તાર સાથે ચોંટી ગયાં હતા. જેથી તાકીદે સાથી કર્મીઓએ વીજ પુરવઠો બંધ કરાવી નરેન્દ્રભાઈને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આર વર્લ્ડ સિનેમાના જનરેટરમાંથી બેક કરંટ આવ્યો
આ ઘટનાનને લઇ PGVCLની ટીમે ખરેખર કરંટ આવ્યો કયાંથી તે અંગે તપાસ કરવા આસપાસના ડીજીસેટ (જનરેટર) અને તપાસ કરી હતી. જેમાં દુર્ઘટના બની તેના થોડે જ અંતરે આવેલા આર વર્લ્ડ સિનેમાના જનરેટરમાંથી બેક કરંટ આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું. આ અંગે PGVCL રાજકોટના ડિવિઝન-2 ના કાર્યપાલક ઇજનેર બી.એમ.પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આર.વર્લ્ડમાંથી પાવર બેક થયો હોવાનું જણાઇ રહ્યું છે. જે અંગે પુરાવા એકત્ર કરાઇ રહ્યા છે. બાદમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવશે. હાલ PGVCLની ટીમ દ્વારા આર.વર્લ્ડનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે.