જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેર જુદા જુદા વિસ્તારના વિકાસ માટે 1500 કરોડ વાપરવામાં આવ્યા છે. જ્યારે આગામી 19 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ડિજિટલ દિવ્ય ભાસ્કર વોર્ડ નંબર 9 ની મુલાકાતે પહોંચ્યું હતું જ્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ પર જતા મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં મતદારોએ અસુવિધાનો પર્યાય વોર્ડ નંબર 9 ના કડિયાવાડ વિસ્તારને ગણાવ્યો હતો. જાણે કે કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં ન હોય તેમ સ્થાનિકોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા હોય એવું વોર્ડ નંબર 9ના મતદારોએ જણાવ્યું હતું. જ્યારે ઘણા લોકોને તો પોતાના વિસ્તારના કોર્પોરેટરનું નામ પણ ખબર ન હોવાનું દિવ્ય ભાસ્કરની ટીમને જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ જ્યારે વોર્ડ નંબર 9ના કડિયાવાડ વિસ્તારના શાક માર્કેટ પહોંચી ત્યારે શાકભાજી વેચતા વેપારીઓએ કહ્યું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં શાકભાજી વેચીએ છીએ પરંતુ અત્યાર સુધી એક શાક માર્કેટ પણ મહાનગરપાલિકા બનાવી શકી નથી. તો બીજી તરફ આ વિસ્તારમાં રખડતાં ઢોરના કારણે વેપારીઓને તેમજ શાકભાજી લેવા આવતા લોકોને રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે. આ વિસ્તારના ઘણા શાકભાજી વેચતા લોકોએ તો પોતાના વિસ્તારના કોર્પોરેટર કોણ છે? તે પણ ખબર ન હતી. કડિયાવાડ વિસ્તારના મતદારોની મુલાકાત લેવા જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે મતદારોએ કહ્યું હતું કે કોર્પોરેટરો પોતાના ખિસ્સા ભરે છે અને આ પ્રજાના પૈસા ખાનારા લોકોને જીવડાં પડશે.. આવો જાણીએ આ વોર્ડ નંબર 9ના મતદારોનો મિજાજ છે કે છે પછી કડિયાવાડના લોકોનો કકળાટ. ‘આવા કોર્પોરેટરોને જીવડાં પડશે’
વોર્ડ નંબર 9ના મતદાર મોંઘીબેને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે ત્યારે અહીં જો બોર કરી દેવામાં આવે તો લોકોને પાણીની સુવિધા મળે તેમ છે. આ વિસ્તારમાં સમયસર સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી. આવા કોર્પોરેટરો માત્ર રૂપિયા ખાઈ જાય છે એમને જીવડાં પડશે. જૂનાગઢ મહાનગરપાલિકા સુવિધા દેવામાં નિષ્ફળ નીકળી છે. થોડો સમય પહેલાં જ હું અહીં રોડ પર ઇજાગ્રસ્ત થઈ હતી. ચૂંટણી સમયે ઉમેદવારો મત માગવા માટે આવે છે અને ત્યારબાદ પાંચ વર્ષ સુધી દેખાતા પણ નથી. ‘કોર્પોરેટરો પોતાનાં ખિસ્સાં ભરે છે’
વોર્ડ નંબર 9 ના 70 ટકા લોકોને પૂછતા આ વોર્ડના કોર્પોરેટર કોણ છે તે પણ તેમને ખ્યાલ ન હતો. એવામાં એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું કે જ્યારે મેયર ગીતાબેન પરમાર મહાનગરપાલિકાના મેયર પદે બિરાજમાન થયાં ત્યારે તેમના હાથમાં 4500નો મોબાઇલ હતો તે હાલ 2 લાખનો મોબાઇલ વાપરે છે, આ રૂપિયા ક્યાંથી આવ્યા તે પણ એક સવાલ છે. કોર્પોરેટરો પોતાના ખિસ્સાઓ ભરે છે પરંતુ લોકોને સુવિધા આપી શક્યા નથી ત્યારે આ વર્ષે નવાજૂની થાય તેવાં પણ એંધાણ વર્તાઈ રહ્યાં છે. ‘મેયરના ઘર સુધી રોડ બની જાય છે, પણ…’
કડિયાવાળ વિસ્તારમાં રહેતા પ્રકાશ કટારિયા જણાવ્યું હતું કે, અહીં જૂનાગઢની પરિસ્થિતિ વિપરીત છે કારણ કે મેયરના ઘર સુધી રોડ બની જાય છે પરંતુ સામાન્ય પ્રજા માટે ઘરના આંગણે તો ઠીક પરંતુ જાહેર રોડ બનતા નથી. ત્યારે મહાનગરપાલિકાએ એવું કહી રહી છે કે 1500 કરોડ જૂનાગઢમાં વાપરવામાં આવ્યા પરંતુ જો એક-એક વોર્ડમાં 100 કરોડ રૂપિયા પણ વાપરવામાં આવ્યા હોય તો જૂનાગઢની આવી દશા ન હોત. મહાનગરપાલિકામાં મેયરનો પહેલો દિવસ હતો ત્યારે તેના હાથમાં 4500 રૂપિયાનો મોબાઈલ હતો. અત્યારે ₹ 2,00,000ના મોબાઈલ તે વાપરે છે ત્યારે આ રૂપિયા ક્યાંથી આવ્યા ? કારણ કે આ લોકોને કોઈ ઘરની ખેતી નથી કે ખેતરમાં નીંદવા પણ ગયા નથી. માત્ર જનતાના રૂપિયા ખાઇ આ લોકો પોતાના ખિસ્સા ભરે છે. લોકોનાં કોઈ કામ જૂનાગઢમાં થતાં નથી. ‘એટલો સારો રોડ છે કે પાણી ઘરમાં આવે છે’
રિક્ષાચાલક કરણ વાળાએ મહાનગરપાલિકાને કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે રસ્તો ખૂબ જ સારો બનાવ્યો છે અને એટલો સારો બનાવ્યો છે કે પાણી ઘરમાં ઘૂસી જાય છે. અમે તો રિક્ષા ડ્રાઇવર છીએ અમારે શું હોય માત્ર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવવું હોય. ત્યારે મહાનગરપાલિકાએ 1500 કરોડ ક્યાં વાપર્યા તે ખ્યાલ આવતો નથી. જૂનાગઢની જનતાને માત્ર સારા રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા જોઈએ છે. કડિયાવાડ વિસ્તારના વોર્ડ નંબર નવમાં છેલ્લા ઘણા સમયથી ખોદકામ કરવામાં આવે છે અને ત્યારબાદ રોડ ખોદી અને કોન્ટ્રાક્ટર ચાલ્યા જાય છે. જેના કારણે આ રસ્તા પર ચાલવું લોકોને મુશ્કેલ બન્યું છે. ‘પક્ષથી ફરક નથી પડતો, કામ કરે એવા લોકો જોઇએ’
કડિયાવાડ શાક માર્કેટમાં શાકભાજી વેચતા સુરેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં માત્ર વાતો નહીં પરંતુ કામ કરે તેવા કોર્પોરેટર જોઈએ છે. અહીં છેલ્લાં 30 વર્ષથી શાકભાજી વેચીએ છીએ પરંતુ અહીં ગાયો, કૂતરાનો ખૂબ જ ત્રાસ છે. જૂનાગઢમાં બેરોજગારી વધારે છે. કોર્પોરેટર ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ ફરક પડતો નથી પરંતુ ગરીબ માણસોનું કામ થાય તેવા કોર્પોરેટર આવે તો સારું.. ફરીવાર ચૂંટણી આવી ગઈ છે, પણ રોડ ન બન્યા
સરોજબેન રાઠોડે જણાવ્યું હતું કે, કડિયાવાડ વિસ્તારમાં ઢોરનો ખૂબ જ ત્રાસ છે. મહાનગરપાલિકા દ્વારા જે અહીં કચરા ટોપલીઓ મૂકવામાં આવે છે તે પણ અહીં રખડતાં ઢોર ઊંધી વાળી ઠાલવી નાખે છે. આ વિસ્તારમાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વિસ્તારમાં રોડ રસ્તાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ફરીવાર ચૂંટણી આવી ગઈ છે પરંતુ પાંચ વર્ષમાં રોડ રસ્તા બન્યા નથી. આ વિસ્તારમાં ક્યારેય મેયર કે કોર્પોરેટર આવ્યા નથી પરંતુ હા અમારે તેને જોવા હોય તો અમે મહાનગરપાલિકાએ તેની ઓફિસમાં જઈ તેને જોઈ આવીએ છીએ. ‘પાંચ વર્ષમાં એક શાકમાર્કેટ પણ ન બનાવી’
કડિયાવાડ વિસ્તારના શાકભાજી વેચતાં ગીતાબેને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ અત્યાર સુધી અહીં કંઈ પણ કામ કર્યું નથી. આ વિસ્તારમાં રખડતાં ઢોરનો ખૂબ જ ત્રાસ છે. ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા એક શાકમાર્કેટ પણ બનાવી દેવામાં આવી નથી. કોર્પોરેટર લોકોનાં કામ કરતા હોવા જોઈએ પરંતુ અત્યારના કોર્પોરેટર રૂપિયા સીધા ખિસ્સામાં નાખે છે. ‘લોકોને પૂરતી સુવિધા જ નથી મળતી’
શાકભાજી વેચતાં વનીતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં અહીં શાકભાજી વેચતા લોકોને સારી માર્કેટ મહાનગરપાલિકા આપી શક્યું નથી. જેના કારણે વેપાર-ધંધો કરવામાં પણ મુશ્કેલ પડી રહી છે. ઉષાબેને જણાવ્યું હતું કે કડિયાવાડ વિસ્તારની શાક માર્કેટમાં ઢોરનો ખૂબ જ ત્રાસ છે અને રખડતાં ઢોર શાકભાજી ખાઈ જાય છે. જેના કારણે શાકભાજી વેચતા લોકોને ખૂબ જ નુકસાની થઈ રહી છે. ઘણી વખત રખડતાં ઢોરના કારણે લોકોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. અહીં રોજના હજારો લોકો શાકભાજી તેમજ કરિયાણું લેવા માટે આવે છે પરંતુ લોકોને પૂરતી સુવિધા મળતી નથી. ‘કડિયાવાડ જાણે જૂનાગઢના નકશામાં જ નથી’
છેલ્લાં 50 વર્ષથી શાકભાજી વેચતાં ઇન્દુબેને જણાવ્યું હતું કે અહીં ધંધા રોજગારમાં કંઈ જ વધતું નથી અને સરકાર દ્વારા પણ કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. કડિયાવાડ વિસ્તારમાં રહેતાં વાલીબેન કટારિયા જણાવ્યું હતું કે, કડિયાવાડ જાણે જૂનાગઢના નકશામાં જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ ખરાબ રોડ રસ્તાના કારણે લોકો અવરજવર કરી શકતા નથી અને વૃદ્ધ લોકો આ રસ્તા પરથી નીકળે છે ત્યારે અકસ્માતનો ભોગ બને છે. આ વિસ્તારમાં વધુ પડતા રીક્ષાચાલકો રહે છે ત્યારે આ ખરાબ રોડના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. પરંતુ મહાનગરપાલિકા સારા રોડ રસ્તા દેવામાં નિષ્ફળ નીકળી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંખ આડા કાન મહાનગરપાલિકાના સત્તાધીશો કરે છે. 1500 કરોડનાં વિકાસ કાર્યોની વાતો કરવામાં આવે છે પરંતુ કડિયાવાડ વિસ્તારમાં હજુ સુધી સારા રોડ રસ્તા બનાવી દેવામાં આવ્યા નથી. ગૌશાળા હોય તેમ રખડતાં ઢોરોનો અડિંગો
રોડ રસ્તા ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર નિષ્ફળ રહ્યા છે. તેવું આ વોર્ડના મતદારો જણાવી રહ્યા છે. વેપારીઓ મહિલાઓ અને રોજગાર ધંધે જતા રિક્ષાચાલકો માત્ર એક જ વાત કહી રહ્યાં હતાં કે જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરો કે સત્તાધીશો સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યા છે. એટલું જ નહીં જ્યારે ડિજિટલ દિવ્ય ભાસ્કર કડિયાવાડ દૂબળી પ્લોટમાં ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચ્યું ત્યારે એક જગ્યા પર જાણે કે ગૌશાળા હોય તેમ રખડતાં ઢોર આ વિસ્તારમાં અડિંગો જમાવીને બેઠાં હતાં. એટલું જ નહીં ઘણી વખત ખરાબ રોડ રસ્તા અને રખડતાં ઢોરના કારણે આ વોર્ડના સ્થાનિકો અકસ્માતનો ભોગ બન્યા છે. છતાં પણ કોર્પોરેટર કે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.