ગુજરાતમાં પ્રથમવાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને રમતગમતમાં વધુ રસ પડે તે માટે સ્પોર્ટ્સ ડ્રેસ આપવામાં આવ્યા હતા. જોકે, આજે આજ સ્પોર્ટ્સ ડ્રેસ વિવાદમાં આવ્યો છે. સ્પોર્ટ્સ ડ્રેસના ટી-શર્ટ અને પેન્ટની ગુણવત્તાને લઈને બીનેક્સ એન્ટરપ્રાઇઝ દ્વારા ATIRAની લેબમાં કાપડનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, યુનિફોર્મમાં બસ્ટિંગ સ્ટ્રેન્થ નિર્ધારિત માત્રામાં નથી, એટલે કે ઓછી છે. આ મામલે તપાસ કરવા મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. બીજી બાજુ નગર પ્રાથમિક સમિતિએ જણાવ્યું કે, આ સેમ્પલ આપવામાં આવેલા યુનિફોર્મનો હોઈ શકે નહીં. આ સેમ્પલ કયા કાપડના છે તે મામલે અમે તપાસ કરીશું. અત્યાર સુધીમાં 80% યુનિફોર્મનું વિતરણ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વારંવાર ટેન્ડર અને વિદ્યાર્થીઓના યુનિફોર્મને લઈને વિવાદોમાં સપડાય છે. થોડા મહિના પહેલા સ્પોર્ટ્સ યુનિફોર્મના ટેન્ડર અંગે વિવાદ થયો હતો અને હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 80% યુનિફોર્મ વિતરીત થઈ ચૂક્યા છે. પરંતુ હમણાં જ થયેલા એક પરીક્ષણમાં આ યુનિફોર્મના સેમ્પલ ફેઈલ થયાનો ખુલાસો થયો છે. 23 જાન્યુઆરીએ અમે સેમ્પલ આપ્યા હતાઃ આશિષભાઈ
આ સેમ્પલ પરીક્ષણ કરાવનાર બીનેક્સ એન્ટરપ્રાઇઝ (Binex Enterprise)ના આશિષભાઈ તારાપરાએ ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ ટેન્ડર પ્રક્રિયામાં ધાંધલી કરવામાં આવી હતી, જે અંગે અમે વિજિલન્સને પણ જાણ કરી છે. જ્યારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવામાં આવ્યા, ત્યારે અમે તેનો સેમ્પલ કેન્દ્ર સરકાર હેઠળ આવતી લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું, જેમાં રિપોર્ટ નિર્ધારિત ગુણવત્તા કરતાં ઓછો આવ્યો છે. આ અંગે અમે સુરત મહાનગરપાલિકામાં તપાસ માટે અરજી કરી છે. આવનારા દિવસોમાં આ અંગે અમે વિજિલન્સને પણ જાણ કરશું. 23 જાન્યુઆરીએ અમે સેમ્પલ આપ્યા હતા. આ ટેસ્ટિંગ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન હેઠળ કરાવ્યું છે. ATIRAની લેબ ટેસ્ટમાં યુનિફોર્મ નિષ્ફળ
અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (ATIRA)ની લેબ રિપોર્ટ અનુસાર, આ યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી. ટી-શર્ટની બસ્ટિંગ સ્ટ્રેન્થ 346 PSI હોવી જોઈએ હતી, પરંતુ પરીક્ષણમાં માત્ર 258 PSI જોવા મળી. એટલું જ નહીં, ટ્રેક પેન્ટની બસ્ટિંગ સ્ટ્રેન્થ 456 PSI હોવી જોઈએ હતી, પરંતુ લેબ ટેસ્ટમાં માત્ર 165 PSI જ જોવા મળી. 22 કરોડના ખર્ચે 1.92 લાખ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ યુનિફોર્મ અને બુટ માટે લુધિયાણાની કંપનીને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ યુનિફોર્મ, પરંતુ…
વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે ઉત્સાહિત કરવા માટે શિક્ષણ સમિતિ પ્રથમવાર સ્પોર્ટ્સ યુનિફોર્મ આપી રહી છે. હાલ 80 ટકાથી વધુ યુનિફોર્મ વિતરીત થઈ ચૂક્યું છે, પરંતુ આ યુનિફોર્મની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ATIRAની ટેસ્ટ રિપોર્ટ પછી મનપા કમિશનર સમક્ષ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા નબળી ગુણવત્તાના યુનિફોર્મ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. બસ્ટિંગ સ્ટ્રેન્થ ઓછી હોવાનો અર્થ શું?
યુનિફોર્મની બસ્ટિંગ સ્ટ્રેન્થ ઓછી હોવાનો અર્થ એ છે કે, આ કપડાં ઝડપથી ફાટી જશે. વિદ્યાર્થીઓ રમતગમત દરમિયાન વધુ હલન-ચલન કરે છે અને જો યુનિફોર્મ ઝડપથી ફાટશે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. રમતગમત દરમિયાન કપડાં ફાટવાથી વિદ્યાર્થીઓને ઈજા પહોંચવાની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં સ્કૂલોમાં ખેલકૂદ મહોત્સવ યોજાનાર છે, જેમાં આ નબળી ગુણવત્તાની યુનિફોર્મ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. સ્થાનિક અને સરકારી લેબ હોવા છતાં મુંબઈમાં ટેસ્ટ કેમ?
સુરત ટેક્સટાઇલ હબ છે, જ્યાં કપડાની ગુણવત્તા ચકાસવા માટે લેબ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ સરકારી ટેક્સટાઇલ લેબ ઉપલબ્ધ છે, પરંતુ શિક્ષણ સમિતિ વારંવાર યુનિફોર્મનું પરીક્ષણ મુંબઈની ખાનગી લેબમાં જ કરાવે છે. સૌથી મહત્વની વાત છે કે, 80 ટકા યુનિફોર્મ બાળકોને વિતરણ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે સમિતિ દ્વારા એક પ્રાઇવેટ લેબમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે કાપડ મોકલવામાં આવ્યું છે. જો રિપોર્ટ નેગેટિવ આવશે, તો આગળ સમિતિ શું કાર્યવાહી કરશે? રિપોર્ટ કયા સેમ્પલ લઈને કરાવ્યો એ તપાસનો વિષયઃ રાજેન્દ્ર કાપડિયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, અત્યારે જે રિપોર્ટ આવ્યો છે તે કોઈ વ્યક્તિએ ક્યાંથી અને કયા સેમ્પલ લઈને કરાવ્યો છે એ તપાસનો વિષય છે. આ ખરેખર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલના બાળકો માટે આપેલા યુનિફોર્મના સેમ્પલ છે કે પછી બીજા? તે તપાસ કરવામાં આવશે. જો આ રિપોર્ટ ખોટો હશે, તો અમે ચોક્કસ કાર્યવાહી કરશું. હંમેશા એવું થાય છે કે, સમિતિ જે પણ ઓર્ડર આપતી હોય છે, એનો રિપોર્ટ કરાવતી હોય છે. તમામ માલ આવી ગયા પછી પણ રેન્ડમલી સેમ્પલ લઈને રિપોર્ટ કરાવવામાં આવતો હોય છે. એ રિપોર્ટ પણ બે-ત્રણ દિવસમાં મારી પાસે આવી જશે. અત્યાર સુધીમાં 80-85% સ્ટોક આવી ગયો છે અને સ્કૂલોમાં વિતરણ પણ થઈ ગયો છે.