back to top
Homeદુનિયાયાયાવર પંખીઓ માટે વતનની ધૂળથી માથું ભરી લેવાની મોસમ!:અંતે તો કર્મભૂમિ પછી...

યાયાવર પંખીઓ માટે વતનની ધૂળથી માથું ભરી લેવાની મોસમ!:અંતે તો કર્મભૂમિ પછી એ અમેરિકા હોય કે બ્રિટન ત્યાં પાછું જ ફરવાનું છે

તાજેતરમાં જ આ લખનાર અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યથી ભારતમાં ગુજરાત અને ગોવાની મુલાકાત લઇને અને બરાબર 2 મહિના ત્યાં ગાળીને અમેરિકા પોતાના ઘરે પાછા ફર્યા. ભારતની 2 મહિનાની મુલાકાત અને 2 લોકપ્રિય, સલામત અને સમૃદ્ધ એવા રાજ્યોની મુલાકાત લઇને બે મિનિટ માટે એવું ચોક્કસ લાગ્યું કે ખોખા ભરીને પૈસો હોય તો ભારતમાં જ રહેવાય! આગળ વાત કરીએ એ પહેલાં એટલું કહેવાનું કે કેલિફોર્નિયા ફક્ત અમેરિકાનું જ નહીં પણ વિશ્વ આખાનું સૌથી સમૃદ્ધ અને ધનવૈભવમાં આળોટતું રાજ્ય છે! ત્યાં 20 વર્ષ રહ્યા પછી પણ આવો વિચાર આવે છે! પશ્વિમી દેશોમાં ઓક્ટોબરથી માર્ચ સુધી હાડ થીજવતી ઠંડી
ઓક્ટોબરથી લઇને માર્ચ સુધીના મહિના એટલે પશ્ચિમી દેશોમાં હાડ થીજાવી દેતી ઠંડીના દિવસો! ઘરમાં હીટરથી લઇને, હિટીંગ ગોદડાં સુધીની વ્યવસ્થા વચ્ચે પણ રહેવું, ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય અને માઇનસ તાપમાનમાં ગ્રોસરી કે બીજા કોઇ કામ માટે બહાર જવાની વાત વિચારીને પણ ભર ઠંડીમાં પરસેવો છૂટી જતો હોય એવી સ્થિતિમાં એક જ વિચાર અને તેનો અમલ રાહત આપે કે ચાલો ઠંડી પતે ત્યાં સુધી ઇન્ડિયા જઇ આવીએ! અને શરુ થાય યાયાવર પંખીઓનું રિવર્સ અને ટેમ્પરરી માઇગ્રેશન. આમ પણ અમેરિકા, બ્રિટનમાં હવે ત્રીજી પેઢી જોઇ રહેલા ભારતીયો ખાધેપીધે સુખી છે અને ભારત આવવાની સગવડો પણ વધી છે. દર બીજી એરલાઇન્સ ભારત આવે છે અને એ દરેકને આખા ને આખા વિમાનો ભરી ભરીને ગ્રાહકો મળી રહે છે પછી ટિકિટના ભાવ આ સિઝનમાં આસમાનને કેમ ના આંબી ગયા હોય! પણ ઇન્ડિયા જવાનું તો જવાનું જ. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં લગ્નગાળો
નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી સુધીના (વચ્ચેના ઉત્તરાયણના 15 દિવસ બાદ કરતાં) મહિના એટલે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં લગ્નગાળો! જે સાડી અને શેરવાની અહીં બેઝમેન્ટના કબાટમાં આખું વર્ષ પડી રહ્યા હોય તે ઇન્ડિયા આવીને પહેરીને લગ્ન માણવા મળે એ છોગામાં! પછી ભલે એ લગ્ન ત્રીજી પેઢીના કોઇ સગાના બાબલા કે બેબલીના કેમ ના હોય! ડોલરને ભારતમાં વાપરવાની મજા
અને એ દૂર કે નજીકના લગ્નો નિમિત્તે, ડોલરિયા દેશમાંથી કમાયેલા અને 1 ડોલરના 86 રૂપિયા વાપરવાની મજા પણ મળે એ નફામાં. દરેક શહેરની દુકાનો અને શો રૂમ્સ જીન્સ પેન્ટ અને કેપ્રીની ઉપર તાજી ખરીદેલી કુર્તી પહેરેલી NRI લેડીઝ અને એમના પર્સ અને મિનરલ વોટરની બોટલ સાચવતા જેન્ટલમેનથી ઉભરાવા લાગે એટલે સ્થાનિક લોકોએ સમજી જવાનું કે અત્યારે અમારો ગજ નહીં વાગે, અને વસ્તુ એના સાચા ભાવ કરતા 3 ગણા ભાવે મળશે, લોલ. પણ “ઓલરાઇટ છો?” ના ભાવભર્યા સંબોધનો વચ્ચે આ NRI છેતરાવવા તૈયાર જ બેઠાં હોય છે કારણ કે એક વસ્તુ માંગતા દસ વસ્તુની પસંદગી આપતા અને વચ્ચે એમના જ પૈસે સેન્ડવિચ અને ચા સર્વ કરતી સર્વિસ એમને એમના દેશમાં ક્યાં મળવાની? ભાવ તાલ કરાવવામાં NRG હોંશિયાર થઇ ગયા
હા, જો કે હવે દર વર્ષે શિયાળામાં દેશમાં આવતા NRG પણ ભાવ તાલ કરાવવામાં હોંશિયાર થઇ ગયા છે અને એની લોકલ લોકોને ફરિયાદ રહે છે જાણે કે એ હક એમનો જ હોય! બાકી તો દર વર્ષે ઇન્ડિયા આવીને, ઇન્ડિયાની અંદર ગોવા, રાજસ્થાન, કચ્છનું સફેદ રણ, સેવન સિસ્ટર્સ, માલદીવ્સ ઉપરાંત બીજા લોકેશન્સ પર ફરવા જતા NRIઓ ભારતની GDPમાં કરોડો રૂપિયાનું હૂંડિયામણ ઉમેરે છે અને એ વાત નકારવાની અહીંની સરકારમાં પણ હિંમત નથી અને માટે જ એમને અછોવાના થાય છે! અને આપણાં ગુજરાતની અને NRG (નવરા રખડું ગુજરાતી) ની વાત કરીએ તો અહીંના ચરોતર અને દક્ષિણ ગુજરાત જેવા પ્રાંતોમાંથી દર ઘર દીઠ એક કે બે લોકો વિદેશમાં છે અને એ લોકો સરેરાશ વિદેશમાં રહેતા ભારતીયો કરતાં સુખી પણ છે એમની મહેનત અને ધગશને કારણે. એ લોકો વિદેશમાં ડોલર કે પાઉન્ડ તો ઢગલાં કમાય છે, વિદેશમાં સારામાં સારી કારમાં ફરે કે આલિશાન હાઉસમાં રહે પણ એ ખુશી જેની સાથે વહેંચી શકાય એ સગાવહાલા કે બાળપણના ગોઠિયાઓ વતનમાં રહે છે અને આ વાત પણ એમને દર વર્ષે ઇન્ડિયા ખેંચી લાવે છે! અંતે તો કર્મભૂમિમાં પાછા ફરવું પડે છે
બાકી શિયાળાના થોડા મહિના માટે અહીં આવીને ખિસ્સા અને હૈયું ઠાલવીને જતા દરેક NRI કે NRGને ખબર છે કે આ સુખ, ડોલરને રૂપિયામાં તબદિલ કરીને મળતી સગવડો કે સ્વજનોની હૂંફ કાયમી નથી અને અંતે તો અમારે કર્મભૂમિ પછી એ અમેરિકા હોય કે બ્રિટન ત્યાં પાછું જ ફરવાનું છે પણ જે થોડી ઘણી હૂંફ અને નોસ્ટાલેજિયા ખિસ્સામાં ભરીને લાવે છે એ આખું વરસ કામ આવશે, ઇંધણનું કામ કરશે….પાછો શિયાળો આવે ત્યાં સુધી!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments