રાજકોટમાં આવેલ TRP ગેમ ઝોનમાં 25 મે, 2024ના રોજ આગની ઘટના બની હતી, જેમાં 27 કરતા વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી 7 આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની ઉપર હાઇકોર્ટે આજે (30 જાન્યુઆરી) ચુકાદો જાહેર કરતા સાત પૈકી ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય ચાર આરોપીના જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આગાઉ રાજકોટ કોર્ટે આરોપીઓની જામીન અરજી નકારી દેતા આરોપીઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટમાં આરોપીઓની જામીન અરજી ઉપર લાંબી સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમમાં અપીલ માટેનો સ્ટે હાઈકોર્ટે નકાર્યો
આજે હાઇકોર્ટે ચુકાદો જાહેર કરતા કોર્ટે ઈલેશ ખેર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા અને મનસુખ સાગઠિયાના જામીન ફગાવ્યા છે. તો રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી અને ગૌતમ જોશીની જામીન અરજી મંજૂર રાખી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એડવોકેટ વિરાટ પોપટની નિમણૂક કરી છે, જેઓ હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ પણ છે. હાઇકોર્ટે જેને જામીન આપ્યા તેની ઉપર સુપ્રીમમાં અપીલ માટે તેમને સ્ટે માંગ્યો હતો, જેને હાઇકોર્ટે નકારી દીધો છે. ઈલેશ ખેરે અગાઉ આગ લાગ્યા બાદ પણ તપાસ ન કરી
આરોપીઓ પૈકી ઈલેશ ખેર રાજકોટ મહાનગર પાલિકામાં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને TRP ગેમ ઝોનમાં અગાઉ પણ નાની આગ લાગી ચૂકી હોવા છતાં ગેમ ઝોનમાં તપાસ નહોતી કરી કે સાઈટ સીલ કરી નહોતી. તેઓ જાણતા હતા કે, ગેમ ઝોન પાસે ફક્ત ટિકિટ વેચવાની જ મંજૂરી છે. આરોપી અશોકસિંહ જાડેજા TRP ગેમ ઝોનમાં પાર્ટનર હતા. ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ થતુ હોવાથી, આગ લાગી શકે તેવી તેમને જાણ હતી. તો આરોપી કિરીટસિંહ જાડેજા પણ આ ગેમ ઝોનમાં પાર્ટનર અને જમીનદાર છે. તેઓ ગેમ ઝોનમાં ગો કાર્ટના માલિક હતા. મનસુખ સાગઠિયા સામે ACB દ્વારા પણ કેસ
મનસુખ સાગઠિયા રાજકોટ મહાનગર પાલિકામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, જેઓએ ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હતા. તેમને પોતાના ગુનામાં રાજેશ, જયદીપ અને ગૌતમ જોશીને સામેલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મનસુખ સાગઠિયા સામે ACB દ્વારા પણ કેસ થયેલો છે. તો જામીન મળેલ આરોપી રાજેશ મકવાણા અને ગૌતમ જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા. જેમનો હાથ ખોટા દસ્તાવેજો બનાવવામાં અને પાછલી અસરથી ખોટી એન્ટ્રીઓ કરવામાં સામેલ છે. આરોપી જયદીપ ચૌધરી રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ ઉપર હતા. તેમને TRP ગેમ ઝોનમાં થયેલ અનઅધિકૃત બાંધકામ ઉપર ધ્યાન આપ્યું નહોતું. શું છે આખો બનાવ?
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતા એક પછી એક એમ 28 મૃતદેહ મળી આવ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે, DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોના સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એર લિફ્ટ કરવાની નોબત આવી હતી. પૂરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગી ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવ અંગો મળી આવ્યા હતા, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયા હતા.