સાવરકુંડલા તાલુકાના બાઢડા નજીક રેલવેના એક બ્રિજ પાસે સિંહણે મારણ કર્યુ હોય આખી રાત સિંહણ મારણ પર બેઠી રહી હતી. જેથી આ સિંહણને રેલવે ટ્રેક આસપાસ આવતી અટકાવવા વનવિભાગનો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો.અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા રેલવે ટ્રેક આસપાસના વિસ્તારમા સાવજોની વસતિ ઘણી વધારે છે અને અવારનવાર સાવજો ટ્રેન હડફેટે ચડી જતા હોય આ મુદે કોર્ટે પણ તંત્રને ફટકાર લગાવવી પડી હતી. હવે રેલવે તંત્ર તો હજુ આ મુદે ખાસ સક્રિય જોવા મળતુ નથી પરંતુ વનવિભાગના કર્મચારીઓ વધુ સાવચેત જોવા મળે છે. ગઇરાત્રે સાવરકુંડલા તાલુકાના બાઢડા નજીક આવુ જ ચિત્ર જોવા મળ્યું હતુ. બાઢડા રેલવે ટ્રેક પર પોલ નંબર 62/7 થી 62/8ની વચ્ચે ટ્રેકથી થોડે દુર પુલ નજીક સિંહણે મારણ કર્યુ હતુ. સ્વાભાવિક રીતે જ મારણ ખાવા માટે અહી સિંહણે લાંબો સમય પસાર કર્યો હતો. ઘટનાની જાણ થતા વનવિભાગના કર્મચારીઓ આ સિંહણ ટ્રેક આસપાસ ન આવે તે માટે ગોઠવાઇ ગયા હતા. ટ્રેકર અને સ્ટાફે આખી રાત પેટ્રોલીંગ કરી સિંહણ ટ્રેક નજીક ન આવે તેની તકેદારી રાખી હતી. આ દરમિયાન અહી અનેક માલગાડી પસાર થઇ હતી.