સુરત જિલ્લાના કરંજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાયઝોન સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. રાત્રે 3:30 વાગ્યે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુરતને આ અંગેની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિઝનલ ફાયર ઓફિસર અભિજીત ગઢવીના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુમિલોન,રિઝનલની 3 અને સુરત મહાનગરપાલિકાની 4 મળીને કુલ 7થી 8 ફાયર ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ લગભગ ત્રણ કલાક સુધી સઘન કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે, કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.