ભારતીય મહિલા ટીમે સતત બીજી વખત અંડર-19 T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે ઇંગ્લેન્ડની ટીમને 9 વિકેટે હરાવ્યું હતું. પારુણિકા સિસોદિયા પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 4 ઓવરના ક્વોટામાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. મલેશિયાના કુઆલાલમ્પુરમાં રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ઇંગ્લિશ ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 113 રન બનાવ્યા હતા. 114 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 15 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. કમલિની જીએ 56 રન અને જી. ત્રિશાએ 35 રન બનાવ્યા હતા. વાઇસ કેપ્ટન સાનિકા ચાલકે 11 રન બનાવીને અણનમ પરત ફરી હતી. ઇંગ્લેન્ડ તરફથી ઇંગ્લિશ ઓપનર ડેવિના પેરિને 45 રન બનાવ્યા હતા. કેપ્ટન એબી નોર્ગોવે 30 રન બનાવ્યા હતા. વૈષ્ણવી શર્માએ પણ 3 વિકેટ ઝડપી હતી. ફાઈનલમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકાની ટીમ સાથે થશે. આ મેચ 2 ફેબ્રુઆરીએ મલેશિયાના કુઆલાલંપુરમાં રમાશે. સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું. ઇંગ્લેન્ડને પાવરપ્લેમાં 2 ઝટકા લાગ્યા, 114 રનનો ટાર્ગેટ આપ્યો
ટૉસ જીતીને બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની શરૂઆત ખાસ રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 43 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ, ઓપનર ડેવિના પેરીનની ઇનિંગના આધારે ટીમ 100ના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી. પેરીને 40 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. જ્યારે એબી નોર્ગોવે 25 બોલમાં 30 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે પારુણિકા સિસોદિયા અને વૈષ્ણવી શર્માએ 3-3 વિકેટ લીધી હતી. તેના સિવાય આયુષી શુક્લાને 2 વિકેટ મળી હતી. ભારતની મજબૂત શરૂઆત, ઓપનરોની ફિફ્ટીની ભાગીદારી
114 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. પાવરપ્લેમાં ટીમે કોઈપણ નુકસાન વિના 44 રન બનાવ્યા હતા. ટીમની પ્રથમ વિકેટ 60 રનના સ્કોર પર પડી હતી. અહીં જી ત્રિશા 35 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે ફોબી બ્રેટ દ્વારા બોલ્ડ થયો હતો. ત્રિશાના આઉટ થયા બાદ ભારતીય ઓપનર કમલિની જીએ સાનિકા ચાલકે સાથે અણનમ 57 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી. ભારતીય ટીમ- નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે (વાઈસ-કેપ્ટન), જી ત્રિશા, કમલિની જી (વિકેટકીપર), ભાવિકા આહિરે (વિકેટકીપર), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, જોશિતા વીજે, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા, કેસરી દ્રિતી, આયુષી શુકન આનંદિતા કિશોર, એમડી શબનમ, વૈષ્ણવી એસ. સ્ટેન્ડબાય: નંદના એસ, ઇરા જે, અનાડી ટી.