2024માં લોકસભા ચૂંટણી 16 માર્ચે જાહેર થઇ હતી અને તેનું પરિણામ 4 જૂને આવ્યું હતું. આ દરમિયાન 80 દિવસમાં ગુજરાતમાં ભાજપને રોજ સરેરાશ 3.47 કરોડ અને કોંગ્રેસને 62 હજારનું દાન મળ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચમાં ભાજપ કોંગ્રેસે 2024 લોકસભા ચૂંટણી અંગે જમા કરાવેલા ચૂંટણી ખર્ચના રિપોર્ટ મુજબ, આ 80 દિવસમાં ગુજરાતમાં ભાજપને 277 કરોડ અને કોંગ્રેસને 50.10 લાખનું દાન મળ્યું હતું. આ દરમિયાન રાજ્યમાં ભાજપે 110 કરોડ અને કોંગ્રેસે 57 લાખ ખર્ચ કર્યો હતો, જેમાંથી 46 લાખ તો ઉમેદવારોની ગુનાહિત છબી અંગે જાહેરત આપવામાં થયો હતો. ગુજરાતમાં સ્ટાર કેમ્પેનર સહિતના પ્રચારકોના ટ્રાવેલિંગ માટે ભાજપે 9.32 કરોડ અને કોંગ્રેસે 3.20 લાખ ખર્ચ્યા હતા. આ સમયમાં ભાજપને દેશમાં 6268 કરોડ, કોંગ્રેસને 592 કરોડ મળ્યા હતા. જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપે 1737 કરોડ, કોંગ્રેસે 686 કરોડ ખર્ચ કર્યો હતો. ગુજરાત ભાજપનું બેલેન્સ 1084 કરોડ | ભાજપની ગુજરાત રાજ્ય યુનિટ પાસે (જિલ્લા અને પ્રાદેશિક સહિત) ચૂંટણી પૂરી થયા બાદ 6 જૂન 2024ની સ્થિતિએ કુલ 1084 કરોડ બેલન્સ હતું. જ્યારે ગુજરાત કોંગ્રેસ પાસે 9.89 કરોડ બેલેન્સ હતું. આ જ સ્થિતિએ કેન્દ્રીય ભાજપ પાસે કુલ 10,107 કરોડ રૂપિયા બેલેન્સ હતું. જ્યારે કોંગ્રેસના કેન્દ્રીય હેડક્વાર્ટર પાસે કુલ 133 કરોડ બેલેન્સ હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપે1737 કરોડ, કોંગ્રેસે 686 કરોડ ખર્ચ્યા | લોકસભા ચૂંટણી જાહેરત બાદ ભાજપને દેશમાંથી 6268 કરોડનું દાન મળ્યું હતું અને લોકસભા ચૂંટણીમાં ભાજપે 1737 કરોડ ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ ચૂંટણી જાહેરાત બાદ 592 કરોડનું દાન મળ્યું હતું અને ચૂંટણીમાં કુલ 686 કરોડ ખર્ચ કર્યો હતો. ભાજપે ઉમેદવારો પાછળ 245 કરોડ, કોંગ્રેસે 66 કરોડ અને પક્ષના જનરલ પાર્ટી પ્રોપેગેન્ડા માટે ભાજપે 1492 કરોડ, કોંગ્રેસે 620 કરોડ ખર્ચ્યા હતા. ભાજપે 1.18 કરોડ બોલપેન પાછળ ખર્ચ્યા
ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં બોલપેન પાછળ 1.18 કરોડ, મોબાઇલ ચાર્જિગ કેબલ માટે 30 લાખ, સન ગ્લાસ-પ્લાસ્ટિક હેર બેન્ડ-ગાર્ડન અબ્રેલા(છત્રી) માટે 3.59 કરોડ ખર્ચ્યા હતા. સ્ટાર પ્રચારક સહિત નેતાઓના ટ્રાવેલિંગ પાછળ 9.32 કરોડ, કોંગ્રેસે 3.20 લાખ ખર્ચ્યા હતા. મીડિયા જાહેરાત, પોસ્ટર, બેનર માટે ભાજપે 68.82 કરોડ ખર્ચ્યા હતા. ભાજપે ઉમેદવારો કુલ 16 કરોડ આપ્યા હતા અને તેમની પર18.40 કરોડ ખર્ચ્યા હતા. પક્ષના જનરલ પ્રોપોગેન્ડા માટે 91.58 કરોડ વાપર્યા હતા.