ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી પ્રતિનિધિઓ માટેની બેઠકમાં 27 ટકા અનામત જાહેર થયા બાદ પ્રથમવાર પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. શુક્રવારે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યાં તેમાં ઓબીસી જ્ઞાતિના ઉમેદવારોને તેમની કેટેગરી ઉપરાંત બિન અનામત બેઠક પર પણ ટિકિટ આપી છે. આમ કુલ 27 ટકાને સ્થાને તમામ મળીને ભાજપે 35 ટકાથી વધુ ઓબીસી ઉમેદવારોને તક આપી છે. જે વિસ્તારોમાં ઓબીસી જ્ઞાતિનું પ્રમાણ વધુ છે, ત્યાં ઓબીસી પ્રતિનિધીઓનું પ્રમાણ 80 ટકા જેટલું ઊંચું રહ્યું છે. 27 ટકા ઉપરાંતના ઓબીસી ઉમેદવારોને જનરલ ઉમેદવાર તરીકે ઉતારી ભાજપે પોતાનું ઓબીસી કાર્ડ ખેલ્યું છે. આ તરફ ભાજપે 80થી વધુ મુસ્લિમોને પણ ચૂંટણીના જંગમાં ઉતાર્યાં છે, જે અત્યાર સુધીની ચૂંટણીઓમાં પ્રથમવાર થયું છે. આ ઉપરાંત આ વખતે ભાજપે 60 વર્ષથી નીચેના કાર્યકરોને ટિકિટ આપવાનું નક્કી કર્યું હોવાથી મહત્તમ નવા ચહેરાઓને તક મળી છે. ઘોષિત થયેલા ઉમેદવારોની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. મહિલાઓને કાયદાથી પ્રાપ્ત 50 ટકા અનામત મુજબ તેટલી જ બેઠકો મળી છે. ભાજપે ચૂંટણી ફોર્મ ભરવાના આખરી દિનના એક દિવસ અગાઉ જ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોની યાદી મોડી સાંજ સુધી ચાલું રહી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને પ્રસંગોપાત ખાલી પડેલી સંસ્થાઓની બેઠકો પૈકી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટાચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉમેદવાર મુદ્દે સાંસદ-ધારાસભ્ય બાખડ્યા, બન્નેને બહાર મોકલાયા
વાંકાનેર નગરપાલિકા માટે ઉમેદવારોની ચયનપ્રક્રિયા શરૂ થઇ ત્યારે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા અને વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ પોતાના અલગ અલગ ઉમેદવારોની યાદી મૂકી હતી. આ મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે ચકમક ઝરી હતી. ઝાલાએ કહ્યું કે, જો મારા ઉમેદવાર આવશે તો તમામને જીતાડવાની જવાબદારી હું લઇશ. મુખ્યમંત્રી સહિતના નેતાઓની હાજરીમાં બન્ને એકબીજા વિરુદ્ધ શાબ્દિક ટપાટપી પર ઉતરી આવતા તેમને પ્રદેશના નેતાઓએ ખંડની બહાર નીકળી જવા આદેશ કર્યો. નામ જાહેર થયા પછી એક ઉમેદવાર બદલાયા
ભાજપે ક્રમબદ્ધ રીતે જિલ્લાવાર અલગ અલગ સંસ્થાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કર્યું હતું. જો કે દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાના એક ઉમેદવારનું નામ બદલાયું હતું. અગાઉ વોર્ડ-4 માટે જાહેર થયેલા નિમેશ જોશીને બદલે વિશાલ બાલવાણીને ઉમેદવાર જાહેર કરાયા હતા.