રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. જે ઘટનામાં બાદમાં એવું સામે આવ્યું હતું કે, રહેણાંક હેતુની તે જગ્યા ઉપર કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે અઠવાડિયા પહેલા જ શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે ખેતીની 4 એકર જમીન પર હેતુ ફેર વિના ગેરકાયદેસર સ્પોર્ટ્સ એકેડમી ખડકી દેવાયાનું સામે આવતા જિલ્લા કલેકટર દ્વારા શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ પ્રથમ હિયરિંગ તો પૂર્ણ થઈ ગયું પરંતુ, એકેડેમીના સંચાલકોએ પોતાના ખુલાસાઓ રજૂ કરવા માટે વકીલ મારફત વધુ સમય માગવામાં આવ્યો. જેથી કલેકટર પ્રભવ જોશી દ્વારા સમય આપવામા આવ્યો છે અને હવે 20 ફેબ્રુઆરીની મુદ્દત પડતા ત્યારે હિયરિંગ રાખવામાં આવેલું છે. શરત ભંગના કેસ મામલે 20મીએ હિયરિંગ
શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી નામાંકિત તન્ના સ્પોર્ટ્સ લોન્સ કે જે 4 એકર જગ્યામાં પથરાયેલી છે તે ખેતીની જમીન છે. જોકે, તેનો હેતુ ફેર વિના વાણિજ્યક ઉપયોગ કરવામાં આવતો હોવાથી એક અઠવાડિયા પહેલા રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જે મામલે તેમણે જણાવ્યું હતું કે, તન્ના એકેડેમી શરત ભંગ કેસમાં સંચાલકો દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવા માટે વધુ સમય માગવામાં આવ્યો હતો અને તેથી સમય આપવામાં આવ્યો છે. હવે 20 ફેબ્રુઆરીની મુદત રાખવામાં આવી છે. જેથી ત્યારે આ મામલે શરત ભંગના કેસ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 14થી વધુ રમતમાં ખેલાડીઓને ફી લઈને પ્રેક્ટિસ
નોંધનીય છે કે, TRP ગેમ ઝોન અગ્નિકાંડ જેવી ઘટના તન્ના સ્પોર્ટ્સ એકેડમીમાં ન સર્જાય તે માટે શરત ભંગની નોટિસ બાદ અગાઉ દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ કસ્ટમર બનીને પહોંચી તો સામે આવ્યું હતુ કે, અહીં અલગ અલગ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર સહિતની 14થી વધુ રમતમાં ખેલાડીઓને ફી લઈને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. જેની વાર્ષીક ફી પણ રૂ. 10,000થી લઈને રૂ. 96,000 સુધીની વસૂલવામાં આવે છે. બાદમાં આ જગ્યાના માલિક વિક્રમ તન્નાને મળતા તેમણે તે વખતે જણાવ્યું કે, મારા મત પ્રમાણે આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ સ્પોર્ટ્સની એક્ટિવિટી માટે ઉપયોગ થાય છે અને આ તમામ સ્પોર્ટ્સ એકેડેમી કોચ દ્વારા ચલાવવામાં આવે છે. જોકે, તેઓની પાસેથી એક પણ પ્રકારના નાણાં લેતા નથી તેવો બચાવ કરવામાં આવ્યો હતો. નામાંકિત સ્પોર્ટ્સ એકેડેમીની દૂર થશે કે કેમ?
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા TLS તન્ના સ્પોર્ટસ તથા TCS તન્ના સ્પોર્ટસ દ્વારા સ્પોર્ટસ ક્લબના નામે ખેતીની જમીનનો ગેરકાયદેસર રીતે વાણિજયક હેતુ માટે ઉપયોગ કરતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આકરૂ વલણ અપનાવી જમીન માલિકોને અઠવાડિયા પહેલા શરત ભંગ હેઠળ નોટિસ ફટકારી હતી. જેમાં 22 જાન્યુઆરીએ જમીન માલિકોને હાજર રહેવા માટે આદેશ અપાયો હતો. શહેરનાં રૈયા-1 ગામના સર્વે નં.17ની 4452 ચોરસ મીટર જમીન ખેતીના હેતુ માટે નોંધાયેલી છે, છતા ત્યાં કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. તેમાં અનઅધિકૃત બાંધકામ શા માટે દૂર ન કરવું તેવું લખાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે આ નામાંકિત સ્પોર્ટ્સ એકેડેમીની 4 એકરની જગ્યા છે તે દૂર થાય છે કે કેમ? તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. રાજકોટની તન્ના સ્પોર્ટ્સ લોન્સના માલિક અને સંચાલક વિક્રમ તન્નાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને અગાઉ 22 જાન્યુઆરીએ જણાવ્યું હતુ કે, અમને ત્રણ દિવસ પહેલા રાજકોટ કલેકટરની નોટિસ મળી છે. આજે વકીલ મારફત અમારો પક્ષ કલેક્ટર સમક્ષ હિયરિંગમાં મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અમે ખેતીની જમીનનો વાણિજ્યક ઉપયોગ કરતા નથી અલગ અલગ એકેડેમી અને સંસ્થાઓને આ જગ્યા ઉપયોગ કરવા માટે આપેલ છે. વર્ષ 2019 માં પિતા હર્ષદરાય તન્નાનુ નિધન થયુ હતુ. તે વખતે આ જગ્યા મારા નામે કરેલી હતી પરંતુ હિન્દુ લો આવતા આ જમીનમાં ભાગ મેળવવા માટે બહેન દ્વારા કોર્ટ કેસ કરવામા આવ્યો હતો. જે વર્ષ 2022 થી ચાલુ છે. આ કોર્ટ કેસ ચાલુ હોવાથી હાલ આ જગ્યા ઉપર અન્ય કોઈ બાંધકામ ન થઈ શકે અને જમીનનો હેતુ ફેર પણ ન કરી શકાય. છેલ્લા 4 વર્ષથી નર્સરી રિસર્ચ યુનિટ અહીં ચાલે છે. જેમાં સ્પોર્ટ્સ માટે કયા પ્રકારના મેદાનમા વધુ ટકી શકે તેવું ઘાસ ગ્રાઉન્ડમાં પાથરવું પડે, કઈ જમીન સ્પોર્ટ્સ માટે વધુ ફાયદાકારક નીવડે તે પ્રકારનું સંશોધન ચાલે છે. જોકે, આ 4 એકર જગ્યા ઉપર વર્ષ 2022 માં ફૂટબોલની પ્રેક્ટિસ કરવા માટે આ મેદાન ખેલાડીઓને ઉપયોગ કરવા આપ્યો હતો ત્યારબાદ હાલ અહીં અલગ અલગ પ્રકારની રમતોની 14 જેટલી એકેડમી ચાલે છે અને તેમાં 600 જેટલા ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હશે જોકે આ તમામ એકેડેમી પાસેથી કોઈ જ પ્રકારના નાણાં હું લેતો નથી. જેથી આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો નથી તેવું હું માનું છું. કારણકે સ્પોર્ટ્સના હેતુ માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે જે તે એકેડેમી પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ પાસેથી માસિક 1 વર્ષ સુધીની ફી લે છે. જોકે તંત્ર દ્વારા જે પ્રકારે આદેશ થશે તેનો અમલ અમે કરશું. દિવ્ય ભાસ્કરની ટીમ યુનિવર્સિટી રોડ ઉપર આવેલી તન્ના સ્પોર્ટ્સ લોન્સ ખાતે કસ્ટમર તરીકે પહોંચી હતી અને કઈ કઈ રમતની કેટલી ફી રાખવામાં આવી છે તેવું પૂછતા કાઉન્ટર પર રહેલા વ્યક્તિ દ્વારા બ્રોસર આપવામાં આવ્યું હતું. જે મુજબ અહીં ઇન્ડોર અને આઉટડોર સહિત 50થી વધુ એક્ટિવિટી કરાવવામાં આવે છે અને તેમાં માસિક, 6 માસિક અને વાર્ષિક ફી વસૂલવામાં આવે છે. જેમાં માસિક ફી રૂ. 200થી લઇ રૂ. 2000, 6 માસિક ફી રૂ. 1200થી લઈને રૂ. 6000 તો વાર્ષિક ફી રૂ. 10000થી લઈને રૂ. 96000 સુધીની વસૂલવામાં આવતું હોવાનુ સામે આવ્યુ છે. અહીં ગ્રાઉન્ડ, બોક્સ અને કોર્ટસ ભાડે પણ આપવામાં આવે છે. આ ઉપરાંત માસિક ગ્રુપ મેમ્બરશીપ પણ આપવામાં આવે છે, જેમાં ડે ટાઈમના રૂ. 1600 થી લઈને રૂ. 18000 છે તો નાઈટ ટાઈમના રૂ. 2000થી લઈને રૂ. 21000 પણ છે. અહીં ફૂટબોલ, વોલીબોલ, જીમ્નેસ્ટીક, કરાટે, સ્કેટિંગ, ચેસ, ટેબલ ટેનિસ, બોક્સ ક્રિકેટ, યોગા, એરોબિક્સ, ગરબા, ડ્રોઈંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રાઇફલ શૂટિંગ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે. જોકે ખેતીની જમીન ઉપર આ તમામ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના કારણે કલેકટર દ્વારા શરત ભંગ ની નોટિસ ફટકારવામાં આવી છે આ અંગેની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટ શહેર (પશ્ચીમ) તાલુકાના રૈયા-1 ગામના સર્વે નં.17 ની જમીન ચો.મી. 4452 રેવન્યુ રેકર્ડમાં હર્ષદરાય તન્નાના નામે ખેતીના હેતુ માટે નોંધાયેલી છે અને તે જમીનના કબજેદાર તરીકે સ્વ. હર્ષદરાય તન્ના વારસો વિણાબેન હર્ષદરાય તન્ના વિગેરેના ખાતે આવેલ છે તેમ છતાં હર્ષદરાય તન્નાના પુત્ર વિક્રમ હર્ષદરાય તન્નાએ ખેતીની મિલ્કત ઉપર ગેરકાયદેસર રીતે વાણિજયક હેતુ માટે TSL તન્ના સ્પોર્ટસ લોનસના નામે સ્પોર્ટસ ક્લબના નામે ઉપયોગ ચાલુ કરતા રાજકોટ જિલ્લા ક્લેક્ટરે તા.4 જાન્યુઆરી, 2025 ના રોજ હર્ષદરાય તન્નાના તમામ વારસો વિરૂધ્ધ લેન્ડ રેવન્યુ કોડની ક્લમ-66 હેઠળ શરત ભંગ અંગે કારણ દર્શક નોટીસ ઈસ્યુ કરી હતી. આ જગ્યામાં પરવાનગી વગરનું બાંધકામ દુર શા માટે ન કરવું તથા બીન અધિકૃત રીતે થતાં વાણિજયક ઉપયોગના સમયગાળા માટે દંડ વસુલ શા માટે ન કરવો વિગેરે સંદર્ભેની નોટીસ પાઠવી લેન્ડ રેવન્યુ કોડની ક્લમ-66 હેઠળ કેસ નં.5/2024-25 દાખલ કરતા ખેતીની જમીનનો દુરઉપયોગ કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. હર્ષદરાય તન્નાના એક વારસે આ મિલ્કત સહીતની તમામ મિલ્કતો સંદર્ભે રાજકોટની દિવાની અદાલતમાં અરજી દાખલ કરેલ છે તેમજ તે દાવાના કામે આ ખેતીની મિલ્કતમાં ગેરકાયદેસર રીતે સપોર્ટસ ક્લબના નેજા હેઠળ વાણિજયક હેતુથી ગેરકાયદેસર ઉપયોગ કરવા સબબ અન્ય વારસદાર અને હર્ષદરાય તન્નાના પુત્ર વિક્રમ હર્ષદરાય તન્ના વિરૂધ્ધ વચગાળાનો મનાઈ હુકમ માંગેલ છે જે દાવો હાલ કોર્ટના ન્યાયીક નિર્ણય માટે પેન્ડીંગ છે.