આપણે ત્યાં હવન હોય ત્યારે પૂજારી લિસ્ટ આપે. જવ, તલ, કમળ કાકડી, ઘી વગેરે… એમાં આ કમળ કાકડી એટલે કમળના ફૂલના ગોળ-કાળા બીજ. જવ,તલ અને કમળના ફૂલના બીજને મિક્સ કરીને આપણે હવનમાં આહૂતિ આપીએ છીએ. કમળ કાકડી પવિત્ર છે અને આ જ પવિત્ર બીજમાંથી બનેલી એક વાનગી બહુ લોકપ્રિય બનતી ગઈ છે – એનું નામ મખાના. આમ જુઓ તો મખાના દેખાવમાં ને ખાવામાં પોપકોર્નથી નજીક છે. મખાનાની તો હવે ખેતી થાય છે. તેને પ્રોસેસ કરીને અલગ અલગ ફ્લેવર્ડમાં ખવાય છે. સૌથી વધારે બિહારમાં મખાનાના પ્લાન્ટ છે. 2022માં GI ટેગ મળ્યા પછી બિહારના મખાના વિદેશમાં પહોંચતા થયા. પછીથી તેનું વાર્ષિક ટર્નઓવર 5-6 હજાર કરોડ આસપાસ પહોંચી ગયું. હવે 2025ના બજેટમાં નાણામંત્રીએ બિહારમાં મખાના બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે ત્યારે જાણીએ કે આ મખાના છે શું, કેવી રીતે બને છે અને તેના કેવા-કેવા ફાયદા છે? મખાના બોર્ડની રચનાથી બિહારના કયા જિલ્લાઓને ફાયદો થશે?
આ બોર્ડની રચનાથી બિહારના આઠ જિલ્લાઓને સીધો ફાયદો થશે. આ જિલ્લાઓ છે: દરભંગા, મધુબની, સુપૌલ, સહરસા, પૂર્ણિયા, કટિહાર, અરરિયા અને કિશનગંજ. આ ઉપરાંત, બંગાળ, આસામ અને યુપીના તે જિલ્લાઓ જ્યાં મખાનાની ખેતી થાય છે તેમને પણ ફાયદો થશે. આ બોર્ડ બધા મખાના ઉત્પાદકોને એક પ્લેટફોર્મ પર લાવશે. આનાથી ભાવમાં સ્થિરતા આવશે અને ખેડૂતોને વાજબી ભાવ મળશે. ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે જેથી તેઓ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મખાનાની ખેતી કરી શકે. સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને તમામ સરકારી યોજનાઓનો લાભ મળે. બિહારમાંથી કેટલા મખાનાની નિકાસ થાય છે?
બિહાર મખાનાનું મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. દેશના કુલ મખાનાના 85 ટકા ઉત્પાદન અહીં થાય છે. મધુબની, દરભંગા, સહરસા, સુપૌલ, પૂર્ણિયા, કટિહાર જેવા જિલ્લાઓ મખાનાની ખેતી માટે પ્રખ્યાત છે. બિહારના મખાના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જાપાન અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં નિકાસ થાય છે. દર વર્ષે લગભગ બે લાખ ટન મખાનાની નિકાસ થાય છે. મિથિલા મખાના નામથી 2022માં GI ટેગ મળ્યો
બિહાર સરકાર GI ટેગને લઈને 2018થી જ સંઘર્ષ કરી રહી હતી. રાજ્ય સરકારે બિહાર મખાનાનું નામ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, વિરોધ થતાં સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને આખરે મિથિલા મખાનાને GI ટેગ મળ્યો હતો. GI ટેગ મળ્યા પછી મખાનાની વિદેશમાં પણ નિકાસ થવા લાગી. તેના કારણે વર્ષે 1 હજાર કરોડનું ટર્ન ધરાવતા મખાનાનું માર્કેટ ઊંચકાઈને 5-6 હજાર કરોડનું થઈ ગયું. હવે જાણો કેવી રીતે બને છે મખાના
બહુ ઓછા લોકો જાણતા હશે કે, મખાના કમળના ફૂલના બીજમાંથી બને છે. મખાનાનાં બીજની લણણી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાથી કરવામાં આવે છે. એ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે વાવવામાં આવે છે. એ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જાય છે. એ મિથિલા ક્ષેત્રમાં દરભંગા, મધુબની, પૂર્ણિયા જેવા 7-8 જિલ્લામાં ઉગાડવામાં આવે છે. એ ખાબોચિયાં અથવા ઊંડા ખેતરોમાં વાવવામાં આવે છે. મખાનાની ખેતી માટે શરત એ છે કે પાણી હંમેશાં જમીનથી દોઢ ફૂટ સુધી ઉપર અને સ્થિર રહે. જ્યારે મખાનાનાં બીજ તૈયાર થાય છે ત્યારે એને સૂકવીને, સાફ કરીને અને છટણી કર્યા પછી શેકવામાં આવે છે. પછી એને લાકડાના પટ્ટાની મદદથી તોડી નાખવામાં આવે છે. અગાઉ મખાના પણ એ જ રીતે તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે એ મશીન દ્વારા કરવામાં આવે છે. મખાનાનાં બીજને તોડી નાખવામાં આવે ત્યારે દબાણને કારણે મખાનાનાં બીજ ફૂટે છે અને મખાના બહાર આવે છે. ત્યાર બાદ એને માપ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. મખાનાની કિંમત 1400 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. કમળના ફૂલના બીને તળાવમાંથી બહાર કાઢવાનું કામ સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થાય છે અને બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહે છે. તેમાં 4-5 કલાક લાગે છે. બીજ ભેગા થયા પછી વારંવાર ધોઈને સાફ કરવામાં આવે છે. પછી નાની બેગમાં ભરીને નળાકાર પાત્રમાં મૂકીને ફેરવવામાં આવે છે. એટલે બીજ સુંવાળાં બની જાય છે. બીજા દિવસે કપડું પાથરીને બીજને પાથરીને 2-3 કલાક સુકવવામાં આવે છે. પછી અલગ અલગ ચારણામાં ચાળીને તેને સાઈઝ મુજબ અલગ કરવામાં આવે છે. આ બીજને ફરી સુકવીને ફ્રાય કરવામાં આવે છે એટલે કમળના બીજ પોપકોર્નની જેમ ફૂટીને મખાના બની જાય છે. મખાનાને ઘીમાં અથવા આગ પર રોસ્ટ કરીને ખાવાનું ચલણ છે. મખાનાની ખેતી અંગેની પદ્ધતિ નીચેના ગ્રાફિક પરથી સમજી શકાશે… મખાના ખાવામાં કેવા હેલ્ધી છે? તે ખાવાથી વજન વધે કે ઘટે?
આ ઓછી કેલેરીવાળું સુપરફૂડ છે. તેમાં ઘણા વિટામીન અને ખનીજોની સાથે એન્ટિઓક્સિડન્ટ પણ છે. મખાના વજન ઘટાડવા માટે અને હાડકાં મજબૂત કરવા માટે ખૂબ સારાં છે. રોજ 20-30 ગ્રામ મખાના ખાઈ શકાય. તેનાથી વધારે નહીં. મખાના વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ ઓછી કેલરીવાળો ખોરાક છે. તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. નાના બાળકોને દૂધ સાથે મખાના પીવડાવવા જોઈએ. તેનાથી તેમની હાડકાની ઘનતા વધે છે અને શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ મળે છે. બાળકના દાંત આવતા હોય તો પણ રાહત મળે છે.
મખાના ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે, જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. મખાનામાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ હૃદયને નુકસાનથી પણ બચાવે છે. મખાનાને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સરળ બનાવે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારે છે. જો કે, મખાનાના વધુ પડતા સેવનથી ગેસ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા મખાના ખાવાથી પેટ ફૂલવું, ગેસ, કબજિયાત અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી અને એન્ટીઓક્સીડેન્ટ પણ મખાનામાં જોવા મળે છે. કીડનીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લઈને મખાના ખાવા. ડાયાબિટીસમાં મખાના ફાયદો કરે છે.