સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અનેક જગ્યાએ રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. જેમાં બોટાદમાં વોર્ડ નં.7માં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઇએ ફોર્મ જ ન ભર્યું તો હાલોલમાં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી ભાજપમાંથી દાવેદારી કરનારાઓને ચોંકાવી દીધા છે. વાંકાનેર પાલિકાની ચૂંટણીમા તો 28 પૈકી સાત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. બીજી તરફ કુતિયાણામાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ ઉમેદવારી કરી નવી રાજકીય ચર્ચાઓ જગાવી છે. બોટાદ નગરપાલિકામાં વોર્ડ નં.7માં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ
બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી મતદાન પહેલાં જ ભાજપને વિજય મળ્યો છે. બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણ, રૂપલબેન સંદીપભાઈ જોશી, ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા અને અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસીયાનો સમાવેશ થાય છે. નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી આ ચાર બેઠકો ભાજપે મતદાન પહેલાં જ પોતાના નામે કરી લીધી છે. વાંકાનેર પાલિકામાં 28 પૈકી સાત બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરીફ
વાંકાનેર નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યાં કુલ 28 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં વોર્ડ નંબર 1ના તમામ 4 ભાજપના ઉમેદવારો સામે કોઇએ પણ ઉમેદવારી નથી નોંધાવી તેમજ વોર્ડ નંબર 5માં પણ ત્રણ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન વધુ બેથી ત્રણ ભાજપના ઉમેદવારો બિનહરિફ થાય તેવી ચર્ચાઓ વાંકેનરમાં ચાલી રહી છે. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચાર ઉમેદવારો અને વોર્ડ નંબર 5માં ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વાંકાનેર પાલિકાની કુલ 28 બેઠકો માટે 53 ઉમેદવારી પત્રો નોંધાયા છે. વોર્ડવાર જોઈએ તો વોર્ડ નંબર 1માં 4, વોર્ડ 2માં 10, વોર્ડ 3માં 8, વોર્ડ 4માં 10, વોર્ડ 5માં 5, વોર્ડ 6માં 8 અને વોર્ડ 7માં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કુતિયાણામાં કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ ઉમેદવારી કરી
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી તરફથી કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નં 6 માટે 24 ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે. જાડેજા પરિવારનો રાજકીય ઇતિહાસ 1990ના દાયકાથી શરૂ થયો, જ્યારે સ્વ. સંતોકબેન જાડેજા જનતા દળમાંથી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યાર બાદ સ્વ. ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા 1995થી 1998 દરમિયાન સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા. કાંધલ જાડેજાએ 2012માં એનસીપીમાંથી રાજકીય સફર શરૂ કરી, 2017માં પુન: એનસીપીથી અને 2022માં સમાજવાદી પાર્ટીમાંથી વિજય મેળવ્યો. સરકાર સાથે કોઈ વાંધો નથી: કાના જાડેજા
કાના જાડેજાએ ઉમેદવારી નોંધાવતી વખતે સ્પષ્ટ કર્યું કે, તેમનો ઉદ્દેશ કુતિયાણાનો વિકાસ છે. તેમણે જણાવ્યું કે, “સરકાર સાથે કોઈ વાંધો નથી, પરંતુ કુતિયાણાનો અપેક્ષિત વિકાસ થયો નથી.” ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય કાંધલ જાડેજા અને પરિવારના મોભી હિરલબા જાડેજા પણ હાજર રહ્યા હતા. કાના જાડેજાના રાજકીય પ્રવેશથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. હાલોલમાં ભાજપે લઘુમતી કાર્ડ ખેલ્યું
હાલોલ નગરપાલિકામાં લઘુમતી મતદારોની વસ્તી ધરાવતા વોર્ડ 3 અને 5 માં ભાજપે માત્ર એક એક હિન્દુ ઉમેદવારને જ મેન્ડેટ આપ્યો હતો. વોર્ડ 3 માંથી જીતુભાઇ રાઠોડ અને વોર્ડ 5 માં કોકિલાબેન સોલંકીના નામ ઉપર ભાજપે મોહર મારી હતી. આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે અંતિમ સમયમાં ભાજપે આ બંને વોર્ડમાં કોંગ્રેસના ચાર કાર્યકરો અને ચાલુ ચૂંટણીમાં કોંગ્રેસ કે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપી ભાજપમાંથી ઉમેદવારી કરાવી દેતા આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બની ગયો છે. વોર્ડ 3માં જીતુભાઇ રાઠોડની જીત નિશ્ચિત કરવા માટે અહીં કોંગ્રેસના સલીમ સરજોનને ભાજપે મેન્ડેટ આપી સૌને ચોંકાવી દીધા, તો વોર્ડ 5 માં કોકિલાબેનના નામની જાહેરાત પછી ભાજપમાંથી ઉમેદવારી માટે અરજી કરનાર તમામ નામો કાપી અહેસાન વાઘેલા, અજિજુલ દાઢી, અને આરેફા મકરાણીને મેન્ડેટ આપી દેતા અહીં ભાજપમાંથી દાવેદારી કરનાર એક ઉમેદવાર મકસુદ માલિકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેથી ચૂંટણી દરમ્યાન વોર્ડ 5માં ભારે રસાકસી જોવા મળશે. આ બંને વોર્ડમાં વર્ષોથી ભાજપનો એક પણ ઉમેદવાર જીત મેળવતો ન હતો, પરંતુ આ સમીકરણો પછી આ બંને વોર્ડમાંથી ભાજપ 5 સભ્યો જીતાડવા સફળ રહે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તાપી જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનું રાજીનામું
તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2માંથી ટિકિટની દાવેદારી કરનાર જિલ્લા સંગઠન મંત્રી અનીતાબેન અભય પાટીલે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. અનીતાબેન પાટીલ અગાઉ સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને બે ટર્મ સુધી સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. જો કે, પાર્ટી દ્વારા આ બેઠક પર સંગીતાબેન પાટીલને ટિકિટ ફાળવવામાં આવતા અનીતાબેન નારાજ થયા હતા. છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કપાતા અનીતાબેને નારાજગી વ્યક્ત કરતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.