અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કાતર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જૂની બારપટોળીના પાટિયા નજીક બે બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. જેથી બે વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને કાતર ગામ તરફ પરત ફરી રહ્યા હતા. આ વખતે અકસ્માત થતાં એક બાઇક બાવળની કાંટાળી વાડમાં ઘૂસી ગયું હતું, જ્યારે બીજું બાઇક રોડ પર પડ્યું હતું. અકસ્માતમાં યોગેશભાઈ ભરતભાઇ બારૈયા અને અનિલભાઈ જીણાભાઈ સાંખટનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા તુષારભાઈ ભરતભાઇ સોલંકીને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. રાજુલા પોલીસ સ્ટેશનના PSI કે.ડી.હડીયા અને તેમની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સામેના બાઇકનો ચાલક ફરાર થઈ ગયો હોવાથી, પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીઓ કાતર ગામના વતની છે.