ભાવિન પટેલ
મહાકુંભમાં શનિવારે 77 દેશો માંથી 118 ડેલિગેટ્સ ઉપસ્થિત રહી સંગમ સ્નાન કર્યું હતું. પ્રયાગરાજ એરપોર્ટ પર દિવસ દરમિયાન વીઆઇપી મૂવમેન્ટનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એરપોર્ટનું ડિપાર્ચર ટર્મિનલ ખૂણે ખૂણા ખીચોખીચ સ્થિતિમાં જોવા મળ્યા હતા. જેના પ્રથમ ફોટોગ્રાફ દિવ્ય ભાસ્કર પાસે આવ્યા હતા. એરપોર્ટ ટર્મિનલ ડિપાર્ચર એરિયાનો અંદરનો એક પણ ખૂણો ખાલી ન હતો અને ઊભા રહેવાની જગ્યા પણ ન હતી. ટર્મિનલમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા પણ ફૂલ થઈ ગઈ હતી. જ્યાં જગ્યા મળે ત્યાં શ્રદ્ધાળુઓ નીચે જમીન પર બેસી ગયા હતા તો ક્યાંક અંદર આવેલા સ્ટોરની ખુલ્લી જગ્યામાં સુતા નજરે પડ્યા હતા. તો કેટલાક લોકોની ફ્લાઈટો મોડી હોવાથી નીચે બેસીને રીતસરના જમતા કે નાસ્તો કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યાં હતાં. પ્રયાગરાજ એરપોર્ટ પરથી પણ અનેક રૂટ ની ડોમેસ્ટિક ફ્લાઈટો મોડી પડતા શ્રદ્ધાળુઓને અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો.