કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલા સામાન્ય બજેટમાં મધ્યમવર્ગ અને ઉદ્યોગ જગતને મોટી રાહત આપવામાં આવી છે. નવી કર વ્યવસ્થા હેઠળ વાર્ષિક ₹12.75 લાખ સુધીની આવક ધરાવતા નોકરિયાતોને કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. ભરૂચના સી.એ. સાગરમલ પારીકના મતે આ નિર્ણયથી મધ્યમવર્ગને નોંધપાત્ર રાહત મળશે. બજેટમાં MSMEને પણ મોટી રાહત આપવામાં આવી છે, જેમાં લોન ગેરંટી મર્યાદા 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવી છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ મહેશ પટેલ અને પ્રબોધ પટેલે બજેટને આવકાર્યું છે. બજેટમાં સોશિયલ વેલ્ફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે અને ટેરિફ દરો 15થી ઘટાડીને માત્ર 8 કરવામાં આવ્યા છે. વધુમાં, ટિયર-2 શહેરોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સ્થાપવામાં આવશે. દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવશે. નવી લેધર યોજના હેઠળ 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે. કૃષિ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જે ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.