વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ધારીત લક્ષ્યાંકને પૂરો કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકા દ્વારા 19 વહીવટી વોર્ડમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકત વેરાના બાકીદારોને ત્યાં સિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બાકીદારો સાથે કોઇ ઘર્ષણની ઘટના ન બને તે માટે વહેલી સવારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાને રેલવે વિભાગ પાસેથી પાલિકાને રૂપિયા 10 કરોડ લેવાના નીકળે છે, તેની વસુલાત માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા પ્રાથમિક તબક્કે રૂપિયા 1.5 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. અન્ય બાકીની રકમને ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. વેરા ન ભરનારાની મિલસકતો સીલ કરાશે
પાલિકાના રેવેન્યુ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવરે જણાવ્યું કે, હાલમાં વડોદરા પાલિકા દ્વારા મિલકત વેરામાં વ્યાજ માફીની યોજના ચાલુ છે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ બંનેમાં પાછલા બાકીના વ્યાજમાં 80 ટકા સુધીની માફી આપવામાં આવે છે. દરમિયાન જે લોકોના વેરા ભરપાઇ કરવાના બાકી છે, તેને સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે 250 જેટલી મિલકતો સીલ કરાઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ આ લોકોને વોરંટની બજવણી કરી દેવામાં આવી છે. હાલમાં વોરંટ, વ્યાજ માફીની નોટિસો તથા બાકીદારોને ત્યાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા 19 વોર્ડમાં માસ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે 250 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. આ કામગીરી 31 માર્ચ, 2025 સુધી સતત ચાલુ રહેશે. રેલવે પ્રિમાઇસિસની 10 કરોડની ડિમાન્ડ બાકી
વધુમાં જણાવ્યું કે, અત્યારે ટોપ પ્રાયોરિટીના આધારે સીલ મારવાની કામગીરી ચાલી રહી છે, જેના રકમ વધારે તેને પહેલા સીલ કરીએ છીએ. સિલિંગ સમયે ઘર્ષણ ટાળવા માટે વહેલી સવારે આ કામગીરી કરવામાં આવી રહી છે. તે પહેલા તેમને અગાઉ જાણ પણ કરી દેવામાં આવે છે. રેલવે પ્રિમાઇસીસ પાસેથી આંદાજીત રૂપિયા 10 કરોડની ડિમાન્ડ બાકી હતી. તેમાં જે કોઇ ઘૂંચ હતી તે ઉકેલી છે, તેમની સાથે કરાર થઇ ગયો છે. અને પ્રાથમિક રૂપે રૂપિયા 1.5 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. બાકીની રકમ ભરપાઇ કરવા માટેની તેમણે તૈયારી દર્શાવી છે.