રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે વધુ એક વખત સારા સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરીમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ મેચ બાદ ફરી ફેબ્રુઆરી મહિનામાં ક્રિકેટ ક્રિકેટ ફીવર છવાશે. જેમાં નિવૃત થયેલા અલગ અલગ 6 દેશોના ખેલાડીઓ રાજકોટ આવશે અને ટી20 મેચ રમશે. આ મેચ રમવા માટે ગોડ ઓફ ક્રિકેટ એટલે કે સચિન તેંડુલકર, બ્રાયન લારા અને મોર્ગન સહિતના ખેલાડીઓ રાજકોટ આવશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે 6 ટી-20 મેચ રમાશે
રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ ખાતે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર આગામી 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી અલગ અલગ 6 ટી-20 મેચ યોજાનાર છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં કુલ 6 ટીમ ભાગ લેશે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટ આવશે. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ રાજકોટ ઉપરાંત મુંબઈ અને રાયપુર (છતીશગઢ) ખાતે પણ રમાનાર છે. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને પઠાણ બંધુ મેદાનમાં ઉતરશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ભારત વતી ગોડ ઓફ ક્રિકેટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓ રમશે તો વેસ્ટ ઇન્ડીઝમાંથી બ્રાયન લારા, ક્રિસ ગેઇલ, વગેરે ભાગ લેશે જયારે ઇંગ્લેન્ડમાંથી ઈઓન મોર્ગન, કેવિન પીટરસન, દક્ષિણ આફ્રિકામાંથી જેક કાલિસ, જોન્ટી રોડ્સ અને શ્રીલંકામાંથી કુમાર સંગાકારા, સનથ જયસૂર્યા, તેમજ ઓસ્ટ્રેલિયામાંથી શેન વોટ્સન સહિતના ખેલાડીઓ રાજકોટમાં ટી-20 મેચ રમવા મેદાન પર ઉતરશે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટની શરૂઆત 22 ફેબ્રુઆરીથી થશે જેમાં પ્રથમ 5 મેચ ડી.વાય.પાટીલ સ્ટેડિયમ ખાતે રમાશે, ત્યારબાદ 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં 6 મેચ રાજકોટમાં રમાશે અને 8 માર્ચથી 16 માર્ચ સુધી 7 મેચ રાયપુર (છત્તીસગઢ)માં રમાશે. 6 મેચનું ટાઈમ ટેબલ
ઉલ્લેખનીય છે કે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ મેચ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, બીજો મેચ 1 માર્ચના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજો મેચ 3 માર્ચના રોજ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથો મેચ 5 માર્ચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમો મેચ 6 માર્ચના રોજ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે જયારે અંતિમ મેચ 7 માર્ચના રોજ ઓસ્ટ્રિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર છે.