2025નું અંદાજપત્ર મધ્યમવર્ગને કેટલાક અંશે ખુશ કરનારું બની રહ્યું છે. હજી અઠવાડિયું તો આ બજેટ પર એનાલિસિસ ચાલશે અને પછી ચોક્કસ નિષ્કર્ષ નિકળશે. પણ બજેટ રજૂ થયા પછી આ અંદાજપત્રનું વિશ્લેષણ દિવ્ય ભાસ્કરે બે એક્સપર્ટ અને રિસર્ચ એનાલિસ્ટ પાસેથી જાણ્યું. અમદાવાદની સ્ટોક બ્રોકરેજ ફર્મ ‘આપકા ઈન્વેસ્ટમેન્ટ’ના મેનેજિંગ ડાયરેક્ટર અને રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણી અને સ્ટોક માર્કેટ ફર્મ ‘ઈન્વેસ્ટમેન્ટ ફર્મ’ના રિસર્ચ એનાલિસ્ટ નિખિલ ભટ્ટ દિવ્ય ભાસ્કરના ન્યૂઝરૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. બંને એક્સપર્ટે બજેટ અંગે ટેક્સ સ્લેબ, સ્ટોક માર્કેટની દ્રષ્ટિએ અને ફાયદા વિશે વિશ્લેષણ કર્યું હતું. ટેક્સ સ્લેબમાં ઓપ્શન છે પણ સિલેક્ટ કર્યા પછી ચેન્જ નહીં કરી શકાય
અમદાવાદની સ્ટોક બ્રોકરેજ ફર્મ ‘આપકા ઈન્વેસ્ટમેન્ટ’ના મેનેજિંગ ડાયરેક્ટર અને રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણીએ દિવ્ય ભાસ્કરના ન્યૂઝરૂમમાંથી વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતનું બજેટ મિડલ ક્લાસ માટે સૌથી સારું બજેટ છે. કારણ કે આ વખતે નવો ટેક્સ રિજિમ લાવવામાં આવ્યો છે. હવે 12 લાખ સુધી કોઈ ટેક્સ નથી લાગવાનો. એટલે જેનો પગાર મહિને 1 લાખ કે તેનાથી ઓછો છે તેને કોઈ ટેક્સ લાગવાનો નથી. આ વખતે બે ટેક્સ રિજિમ રિલિઝ કરવામાં આવ્યા છે. એમાંથી એક છે ઝીરોથી 12 લાખ કે જેના પર કોઈ ટેક્સ નથી. તેની સાથે બીજો ટેક્સ રિજિમ પણ લોન્ચ કરવામાં આવ્યો છે જેને એક્ઝમશનના બેનિફિટ લેવા છે તેના માટે અલગ અલગ સ્લેબ રેટ રાખવામાં આવ્યા છે. એટલે ઈન્વેસ્ટરને ઓપ્શન આપવામાં આવ્યા છે કે તે ક્યા ક્યા સ્લેબમાં જવા માગે છે. આમાં ઈન્વેસ્ટર માટે નોંધવા જેવો પોઈન્ટ રાખવામાં આવ્યો છે કે એકવાર તમે કોઈ ઓપ્શન સિલેક્ટ કરી લીધો તો તમે ચેન્જ નહીં કરી શકો. વ્યક્તિ પોતાના માટે ખર્ચ કરતો થઈ જશે
હિતેશ સોમાણીએ એમ પણ જણાવ્યું હતું કે, લોકો માટે બીજા ફાયદા પણ રાખવામાં આવ્યા છે. જેમાં ટીવી સસ્તા થશે, મોબાઈલ સસ્તા થશે, મોબાઈલની એસેસરિઝ સસ્તી થઈ જશે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ વસ્તુઓને વધારવામાં આવી છે. SME સેક્ટર એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝની વાત કરીએ તો, મોદી સરકાર આ સેક્ટર અને કૃષિ સેક્ટરને દર વખતે ફાયદો આપે છે. આ વખતે પણ SME, કૃષિ સેક્ટર અને ફિશરીઝને ફાયદો કરાવ્યો છે. તેમના માટે લોન સરળ બનાવી છે. બીજું એ કે, આ બજેટના અમલ પછી પબ્લિક સ્પેન્ડિંગ વધશે. કારણ કે લોકોને હવે ટેક્સ આપવાની ચિંતા નહીં રહે એટલે લોકો એ પૈસા નહીં બચાવે ને ધીમે ધીમે માર્કેટમાં આવતો થશે. વ્યક્તિ પોતાના માટે ખર્ચ કરતો થઈ જશે. પગારદાર વ્યક્તિઓનું જીવન-ધોરણ સુધરશે
બજેટમાં ટેક્સનો ફાયદો છે તે જ ઘણા લોકો માટે નુકસાન પણ છે. કારણ કે જે 12 લાખથી વધારે કમાય છે તેણે વધારે ટેક્સ આપવો પડશે. પહેલાં તે ટેક્સ સ્લેબમાં આવતા હતા, એક્ઝેમ્શનના ફાયદા લેતા હતા, હવે તે આવું કરે છે તો ટેક્સ વધી જાય છે. બીજી માટી વાત એ છે કે આ કોમ્બીનેશન્સનું માર્કેટમાં દસ દિવસ સુધી એનાલિસીસ થશે. લોકો ઓપ્શન વિચારશે કે માર્કેટમાં શું સારું છે. પગારદાર વ્યક્તિઓનું જીવન ધોરણ સુધરશે. માનો કે દેશની 140 કરોડની વસ્તીમાંથી 60 કરોડ લોકો એવા છે જે નોકરી કરે છે. આ 60 કરોડમાંથી 58 કરોડ લોકો તો 12 લાખથી નીચેના પગારવાળા હશે. એટલે આ લોકોને બહુ મોટો ફાયદો થશે. પહેલાં સરકાર પાસે ટેક્સનો પૈસો જતો હતો હવે માર્કેટમાં ફરતો થશે. વિદેશ ભણવા જતા સ્ટુડન્ટને આ ફાયદો થયો
બજેટમાં TDS અને TCS ઓછું કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન છે તેમણે TDSની ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક જગ્યાએ TDS રેટ વધારી દેવાયો છે એટલે એક લેવલ સુધી તમારે પૈસા નથી આપવાના. સૌથી મોટો ફાયદો એ કરવામાં આવ્યો છે કે જેના બાળકો ફોરેનમાં ભણે છે તેણે એક લેવલ પહેલાં TDS પે કરવું પડતું હતું. હવે એ સ્લેબને પણ વધારી દેવામાં આવ્યો છે. એટલે પહેલાં 7 લાખ સુધીના વિદેશ અભ્યાસ માટેના ખર્ચ પર ટેક્સ નહોતો પણ 7 લાખથી વધુના ખર્ચ પર ટેક્સ લાગતો હતો. હવે આ લિમિટ 10 લાખની કરવામાં આવી છે. એટલે સ્ટુડન્ટ અભ્યાસ માટે વિદેશ જશે ને 10 લાખ સુધીનો ખર્ચ થશે તો કોઈ ટેક્સ નહીં લાગે. હેલ્થકેર, ફાર્મા, આઈટી જેવી કંપનીઓના શેરમાં રોકાણ કરવું હિતાવહ
રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણીએ જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટની વાત કરું તો તે બજેટના દિવસે હાઈલી વોલેટાઈલ રહે છે. કારણ કે એક દિવસમાં તો લોકો બજેટને સમજી શકતા નથી. પછી કેટલાય દિવસો સુધી એનાલિસીસ ચાલે છે. શોર્ટ ટર્મ માટે ચર્ચા વહેલી ગણાશે પણ લોન્ગ ટર્મ માટે બહુ સારું છે. કારણ કે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં એ નાની વાત નથી. બહુ મોટી વાત છે કારણ કે, અડધો દેશ આમાં સામેલ થઈ જાય છે. આના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ ફાયદો થશે. લોકોનો રોકાણ કરવાનો પાવર વધશે. હેલ્થકેર, ફિશરીઝ, કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓને મોટો ફાયદો થશે. જે લોકો ટેક્સ સ્લેબમાં આવતા હતા તે ટેક્સ બચાવવા માટે ઈન્સ્યોરન્સમાં રોકાણ કરતા હતા તે હવે નહીં કરે. એટલે વીમા કંપનીઓ માટે આ નુકસાનકારક રહેશે. જે લોકો ટેક્સ બચાવવા રોકાણ કરતા તે પીછેહઠ કરશે. શેરબજારમાં રોકાણ માટે હિતેશ સોમાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ સેક્ટરમાં રોકાણ કરો તો હેલ્થકેર, ફાર્મા, આઈટી અને એગ્રો કંપનીઓ પર નજર રાખવી જોઈએ. ઈન્સ્યોરન્સ અને ટુરિઝમ સેક્ટરને મોટો ફાયદો થશે
સ્ટોક માર્કેટ ફર્મ ‘ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ’ના રિસર્ચ એનાલિસ્ટ નિખિલ ભટ્ટ પણ દિવ્ય ભાસ્કર ન્યૂઝરૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, શેરબજારના રોકાણકારો માટે જોઈએ તો અતિમહત્વનું બજેટ છે. નાના રોકાણકારો માટે ફાયદાકારક બજેટ છે. શેરબજારની ભાષામાં વોલેટાલિટી હોય છે. એટલે કે પ્રવાહી સ્થિતિ જોવા મળે છે. શેરબજાર ખુલ્યું ત્યારે અપ હતું, પછી સ્થિરતા હતી, બજેટમાં જેમ જેમ જાહેરાતો થતી ગઈ તેમ તેમ માર્કેટમાં ચઢાવ આવતા ગયા. હાલના સંજોગોમાં ઈન્સ્યોરન્સ કંપની માટે સારો ફાયદો જોવા મળ્યો. 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી. તેના કારણે ઈન્સ્યોરન્સ સેક્ટર સારું પરફોર્મ બતાવશે. સાથે ટુરિઝમ સેક્ટરને ફાયદો થશે. નવા ટુરિસ્ટ ડેસ્ટીનેશન, નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની જાહેરાતો થઈ. હેલ્થકેર સેક્ટરમાં ફાયદો છે. એજ્યુકેશન સેક્ટરમાં સારી વાત એ છે કે જે સ્ટુડન્ટ વિદેશ જાય છે તેને 7 લાખ સુધી કોઈ ટેક્સ લાગતો નહોતો. પછીની રકમ પર ટેક્સ લાગતો હતો. હવે એ રકમ 10 લાખની કરવામાં આવી. અર્થતંત્રના બુસ્ટર તરીકે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ પાંચ સેક્ટરમાં રોકાણ કરવાથી સારો લાભ મળશે
ભવિષ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ, ઈન્સ્યોરન્સ, બેન્કીંગ અને સિમેન્ટ. આ પાંચ સેક્ટરમાં રોકાણકારોએ વધારે રોકાણ કરતા જવું જોઈએ. વિદેશી સંસ્થાઓનો શેરબજારમાં વેચવાલી તરફ ઝોક છે. જ્યારે સ્થાનિક સંસ્થાઓ બાઈંગ ઝોનમાં છે અને એ લોકો દ્વારા સ્ટોક સ્પેસિફિક ખરીદી કરવામાં આવશે. એટલે ઉપરના પાંચ સેક્ટરની વાત કરી તેમાં રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ. શોર્ટ ટર્મની વાત કરીએ તો ટ્રેડર્સ પ્રાધાન્ય આપશે પણ રોકાણકારોએ લોન્ગ ટર્મમાં પ્રાધાન્ય આપવું જોઈએ. હું વિદેશી રોકાણની વાત કરું તો, છેલ્લા 15 મહિનાની વાત કરીએ તો ભારતમાં વિદેશી સંસ્થાઓનું સૌથી ઓછું રોકાણ આવ્યું. એકલા જાન્યુઆરી મહિનામાં જ અંદાજે 2 કરોડ 15 લાખનું રોકાણ આવ્યું જે બહુ ઓછું છે. આ નોંધનીય એ રીતે છે કે બાર મહિનાના સરેરાશ 43.6 અબજ ડોલર કરતાં પણ 42 ટકા ઓછું છે. એક રીતે જોઈએ તો સપ્ટેમ્બર 2024માં એફઆઈઆઈએ ભારતીય શેરબજારોમાંથી 52 અબજની ખરીદી કરી પણ જાન્યુઆરી-2025માં માત્ર 2.15 કરોડનું જ રોકાણ કર્યું. ખરેખર જોવા જઈએ તો જાન્યુઆરી મહિનામાં એફઆઈઆઈનું સેલિંગ છે તે 32.60 અબજ ડોલર છે. એટલે વિદેશી સંસ્થાઓ ભારતીય શેરબજારોમાંથી રકમ લઈ અન્ય દેશોના શેરબજાર તરફ લઈ જાય છે. એટલે ખરેખર જે રોકાણકારો માટે, શેરબજાર માટે અને સ્થાનિક મિચ્યુઅલ ફંડની જે સંસ્થાઓ છે, જે લોકો SIPના માધ્યમથી ફંડ એકત્રિત કરે છે, એ લોકો માટે આ અતિગંભીર વિષય છે. આપણે સ્થાનિક રોકાણને પ્રાધાન્ય ન આપવું જોઈએ, આપણે વિદેશી સંસ્થાઓના રોકાણને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. બજારમાં જ્યારે તેજીનો માહોલ છે તો વિદેશી સંસ્થાઓએ ડાયરેક્ટલી કે ઈન-ડાયરેક્ટલી રીતે બહુ સારો પોતાનો રોલ પૂરો કર્યો છે. મિડલ ક્લાસ માટે ટેક્સની દ્રષ્ટિએ સારો લાભ મળ્યો છે પણ તેની સામે LIC કે બીજા પ્રિમિયમ છે તેને લાભ નહીં મળે. રોકાણકારો અને ટેક્સપેયર વચ્ચે અંતર છે. શેરબજારના માધ્યમથી જોવામાં આવે અને રોકાણકાર મિડલ ક્લાસ હોય તો તેણે શેરબજારમાં સીધું રોકાણ કરવું જોઈએ. SIP મારફત નહીં. સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટમાં રોકાણ વધારે કરીશું તો બેનિફિટ વધારે મળશે.