ગુજરાત યુનિવર્સિટીના B.COM (ઈંગ્લીશ મીડિયમ) સેમેસ્ટર-1ના પેપરને વેચવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ NSUIએ કર્યો છે. પેપર ખરીદ-વેચાણ માટે વિદ્યાર્થીઓના બનેલા વોટ્સએપ ગ્રુપની ચેટ પણ NSUIએ જાહેર કરી છે અને જે વિદ્યાર્થી દ્વારા પેપર આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેને ઝડપી તપાસની માગ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ચેટ વાઈરલ થઈ છે તેમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જો પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પાછા. 100 વિદ્યાર્થીઓ ભેગા મળી 300-300 રૂપિયા આપે તો એક પેપર આપવાની વિદ્યાર્થી ઓફર કરી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે, અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું. વોટ્સએપ ગ્રુપ બનાવી પેપર વેચવાનો પ્રયાસ કરાયો
NSUIએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગરમાં રહેતા એક યુવકે વોટસએપમાં એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં ગુજરાત યુનિવર્સિટીના બીકોમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને એડ કર્યા હતા.1 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષાના એકાઉન્ટ્સના પેપર ગ્રુપમાં વેચવાનું જણાવ્યું હતું. આ પેપર એક વિદ્યાર્થી દીઠ 300 રૂપિયામાં આપવાનું હતું. 100 વિદ્યાર્થીઓ થાય તો જ પેપર આપવાનું હતું એટલે કે કુલ 30 હજારમાં પેપર વેચવાનું હતું પરંતુ 60 લોકોએ જ પૈસા આપતા 18 હજાર રૂપિયા લીધા હતા. પ્રથમ પેપર માટે 300 અને પછી ડબલ પૈસા લેવાના હતા
NSUI દ્વારા વોટસએપ ગ્રુપના ચેટના ફોટો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં યુવકે પેપર અંગેના મેસેજ કર્યા છે.પ્રથમ પેપર માટે 30 હજાર ત્યારબાદ બીજા પેપર માટે ડબલ પૈસા થશે તેવી વાતચીત પણ કરી હતી.આ ઉપરાંત એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે જેમાં પેપર વેચવાનું હોવાનું યુવક જણાવી રહ્યો છે. યુવકને ઝડપવામાં આવે તો મોટા માથાના નામ સામે આવે- NSUI
NSUI ના નેતા દક્ષ પટેલે જણાવ્યું હતું કે સરકારી ભારતીના પેપર લીક થતા હવે ગુજરાત યુનિવર્સિટીના પેપર પરીક્ષા અગાઉ વેચાઈ રહ્યા છે.કોઈ યુવક આ રીતે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરીને પેપર પૈસાથી વેચી રહ્યો છે.યુવકને પકડવામાં આવે તો મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે. ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું- કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અંગે અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું.