બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સમયે ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા જેવા પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે. જો આ તબક્કે કમોસમી વરસાદ પડે તો આ પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકોની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે. વિશેષ કરીને ઘઉં અને રાયડાના પાકને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.