ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, આવાં સમયે લગ્નવાળા ઘરમાં જેમ ખરે ટાણે ફુઆ રીસાય તેમ ભાજપના સિનીયર નેતાઓની નારાજગી બહાર આવી છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પરથી કહી દીધું કે ઘણાં લોકો ભાજપના નેતાઓ છું એમ કહીને અધિકારીઓ જોડે સંબંધ રાખી દલાલી કરે છે અને કરોડો કમાયાં છે. આ તરફ પક્ષના જ અન્ય વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ અમરેલી લેટરકાંડ મુદ્દે બોંબ ફોડ્યો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ કાંડમાં જેમના નામ ઉછળ્યાં તે સહુના નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવી સત્ય બહાર લાવવા કહ્યું છે. તેમણે આ કેસની તપાસ નિવૃત્ત ન્યાયમૂર્તિને સોપવા પણ જણાવ્યું છે. અમરેલી લેટરકાંડ મુદ્દે…
મારા સહિત બધાંના નાર્કો ટેસ્ટ કરાવો: દિલીપ સંઘાણી
કિશોરભાઈ કાનપરિયાનો કહેવાતો પત્ર લખાવવા માટે મારું તથા અન્ય ભાજપા આગેવાન ના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનીષભાઈ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું. અમરેલી પોલીસે પોલીસના કોઈ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ના જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવાદેવા નથી આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા કરાવવામાં આવે તેવી મારી માંગણી છે પાર્ટીમાં આંતરિક વિખવાદ મુદ્દે…
ભાજપના નેતાઓ દલાલી કરીને આજે કરોડપતિ બની ગયા છે: નીતિન પટેલ
રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ રાખવાની. હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું… કહીં ઓળખાણ રાખે છે. ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા છે. કડી તાલુકાની એક વીઘા જમીનના એક કરોડથી પાંચ કરોડ સુધીના ભાવ થઈ ગયાં. કડીમાં જમીનોની કિંમતો વધી એટલે કરોડપતિ બની ગયાં. અગાઉ જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરતાં હવે રાજકારણમાં દલાલો આવી ગયાં છે. કોંગ્રેસના નેતા મનિષ દોશીએ આ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે તે હકીકતમાં ભાજપાની ભ્રષ્ટાચારની કથા છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે ભાજપનો ખેસ પહેરો લુંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો તેવી નીતિના લીધે ગુજરાતભરમાં વારંવાર કૌભાંડો થઈ રહ્યાં છે. તેમનું નિવેદન ભાજપાના ચાલ ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. અગાઉ આનંદીબેન બોલ્યા હતા કાર્યકરો કોન્ટ્રાકટર બની ગયા છે…
ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે પણ અગાઉ જામનગરમાં કહ્યું હતું કે, પક્ષના કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે. આ ઉપરાંત જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર સી પટેલે પણ ખુલ્લા મંચ પરથી કહ્યું હતું કે, ભાજપના રાજમાં જાહેર કામોના કોન્ટ્રાક્ટમાં બે ટકા કમિશનની પ્રથા છે. તેમણે કોન્ટ્રાક્ટરોને ઉદ્દેશીને કહ્યું હતું કે, પાર્ટીમાં બે ટકા કમિશન ફંડ તરીકે આપી દેવાનું, તે સિવાય ક્યાંય કોઇને પૈસા આપવાની જરૂર નથી.