back to top
Homeગુજરાતભાસ્કર ઇન્વેસ્ટિગેશન:નક્શામાં જેનો સરવે નંબર જ નથી તેના 7/12ના આધારે 21 એકર...

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:નક્શામાં જેનો સરવે નંબર જ નથી તેના 7/12ના આધારે 21 એકર સરકારી જમીન પર ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો

જયદીપ પરમાર ઓક્સિજન અને કાજુ પ્લાન્ટનો ઉદ્યોગ શરૂ કરવાના ઓથા હેઠળ ભચાઉ નજીક નેશનલ હાઈવે પરની કરોડોની સરકારી જમીન પર કબજો કરી દેવાનું કૌભાંડ ચીરઈ મોટી ગામે સામે આવ્યું છે. ગામના નક્શામાં 1003 પૈકીનો સરવે નંબર છે જ નહીં તેના પર યુ બી અગ્રવાલ કંપનીએ 21 એકર સરકારી જગ્યામાં ઈન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ઓક્સિજન સહિત કાજુનો પ્લાન્ટ પણ સ્થાપી દીધો છે. ભાસ્કરે સ્થળ તપાસ કરતાં સામે આવ્યું કે, યુ બી અગ્રવાલ કંપનીના નામે 7/12માં જે જમીન દર્શાવી છે તે સરવે નંબર 1003 પૈકી 102 અને 117 ગામના નક્શામાં જ નથી. સરકારી વેબસાઈટ પ્રમાણે ગામના સરવે નંબરનોનું પ્રમોલગેશન (રિસરવે) થયું નથી. જેથી સરવે નંબરો બદલાયા નથી. અગ્રવાલ એન્ડ કંપનીના નામે થયેલ દસ્તાવેજમાં જૂના સરવે નંબર 443, 444 અને 445નો આધાર લઈને દસ્તાવેજ કરી દેવામાં આવ્યાં છે. જેમાં નવો સરવે નંબર 1003 પૈકી પણ નોંધ્યો છે. 7/12 પ્રમાણેના નવા સરવે નંબર 1003 પૈકી 102 અને 117 ગામના નક્શામાં ક્યાંય જોવાં મળતાં નથી. માર્કેટ રેટ પ્રમાણે અંદાજિત 25 કરોડથી પણ વધુની જમીન પર ઓક્સિજન, કાજુ અને સ્ક્રેપનો પ્લાન્ટ સ્થપાયો છે. પ્રમોલગેશન થયું જ નથી તેમ છતાં જૂના સરવે નંબરને નવા દર્શાવ્યાં છે. ઉપરાંત જે સરવે નંબરોની જમીન દર્શાવાયેલી છે તે હાઈવેથી દૂર આવેલી છે, તેના પર કોઈ જ પ્રકારનું બાંધકામ થયેલું નથી. વિશેષમાં ઓક્સિજન પ્લાન્ટમાંથી ટેસ્ટીંગ કર્યા વગરના પ્રતિદિન 300 થી વધારે નંગ ઓક્સિજનની બોટલ કચ્છની વિવિધ હોસ્પીટલમાં વેંચીને લાખોની આવક ઉભી કરવામાં આવી છે. હાઈવે પરની જમીન પર 1003 પૈકી સરવે નંબરનો ઉલ્લેખ કરીને સરકારી તંત્રની આંખમાં પણ ધૂળ નાંખવાનું કામ કર્યું છે. 9 માસ બાદ પણ કમિશનરે લાઈસન્સ રિન્યૂ કર્યું, જ્યારે નિયમ 6 માસનો છે
મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગ્રવાલ એન્ડ કંપનીના નામે લાયસન્સ આપ્યું હતું, જેની અવધી 15 મે 2023માં પૂર્ણ થતી હતી. નિયમ મુજબ 6 માસ સુધી લેટ ફી ભરીને લાયસન્સ રિન્યુ કરી શકાય તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશીયાએ જણાવ્યું હતું, નિયમો જાણતાં હોવા છતાં પણ કોશીયાએ અગ્રવાલ એન્ડ કંપનીને 9 માસ બાદ લાયસન્સ રિન્યુ કરી આપીને નિયમોનો છેદ ઉડાવ્યો હતો. તલાટી: અગ્રવાલ કંપનીને હાઈવે પર જમીન ફાળવાઈ નથી
ચીરઈ મોટીના તલાટી મનિષા પ્રજાપતિએ જણાવ્યું કે, યુબી અગ્રવાલ કંપનીને હાઈવે પરની જમીન ફાળવાઈ નથી. સરવે નંબર 1003 પૈકીની જમીન ક્યાં આવેલી છે તે પૂછતાં, વિગતો તપાસીને નક્શો ભાસ્કરને આપવા માટે તેમણે કહ્યું હતું, ત્યારબાદ તલાટી તરફથી પણ કોઈ પૂરાવા રજૂ કરવામાં આવ્યાં નથી. ગામના ઉપસરપંચ નરેન્દ્રસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, કંપની સરકારી જગ્યા પર ઉભી કરાઈ છે. ગ્રામપંચાયતની કલમ 104 મુજબ બાંધકામની મંજૂરી મેળવેલ નથી. સુકેશ અગ્રવાલ: અમે તમામ પ્રકારની મંજૂરી મેળવેલ છે
યુબી અગ્રવાલના માલીક સુકેશ અગ્રવાલે તમામ મંજૂરી મેળવી હોવાનો તથા ઓક્સિજન પ્લાન્ટમાં પણ નિયમોનું પાલન થતું હોવાનો દાવો કર્યો હતો. ઓક્સિજન પ્લાન્ટનું લાયસન્સ બેક ડેટમાં રિન્યુ હોવાનું ભાસ્કરે પૂછતાં તેમણે જવાબ ટાળ્યો હતો. જમીન સંબધીત હાથથી લખેલાં સરવે નંબરવાળી કોપી તેમની પાસે હતી, પરંતુ 7/12 પ્રમાણે કંપનીના નામે સરવે નંબર 1003 પૈકી 102 અને 117નો નક્શો તેમજ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટમાં કરવામાં આવેલ ટેસ્ટીંગ રિપોર્ટની માહિતી હજુ સુધી ભાસ્કરને આપેલ નથી. લેબ ટેક્નિનિશિયને ઓક્સિજનની શુદ્ધતાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે ખબર નથી
ભાસ્કરે લેબ ટેક્નિશિયનને ઓક્સિજનની શુદ્ધતા કેવી રીતે માપવી તે બાબતે પ્રશ્નો કરતાં જવાબ આપી શક્યો ન હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલના આસિ. કમિ. એનઆર સૈયદે 1 ફેબ્રુઆરી 2024માં સ્થળ તપાસ કરીને રિપોર્ટ બનાવ્યો હતો, તેમાં પણ ઓક્સિજનની ગુણવત્તા ચકાસનાર લેબ ટેક્નિશિયન ન હોવાનો તથા લાયસન્સ સંબધીત નિયમોનું ઉલ્લંધન થતું હોવાનું જણાવાયું છે. કલેક્ટર: મને ખ્યાલ નથી, સરકારી જમીન હશે તો ચોક્કસપણે અમે પગલાં ભરીશું
સમગ્ર પ્રકરણને લઈને કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ બાબતે મને કંઈ ખ્યાલ નથી, પરંતુ સરકારી જમીન હશે તો કાયદેસરના પગલાં ભરીને જમીન સરકાર હસ્તક કરવાની કાર્યવાહી કરીશું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ ઓક્સિજનના વાયોલેશન સંબધીત પગલાં ભર્યાં હોવાનું કલેક્ટરે ટાંક્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments