હવામાન વિભાગની આગાહી અનુસાર, ગતરોજની સરખામણીએ આજે (3 ફેબ્રુઆરી) કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુત્તમ તાપમાનના પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ ઉપરાંત પૂર્વ તરફ મધ્યપ્રદેશની નજીકના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તાપમાન વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, પવનની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફથી થઈ છે. કારણ કે, તે ભાગોમાં ઉત્તર દિશા તરફથી પવનોની ગતિ રહે છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 24 જ કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારા સાથે 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તથા વડોદરામાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.