માણસા તાલુકાના ધેંધુ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નવજાત બાળકીને રસ્તા પર તરછોડાયેલી હાલતમાં મળી આવી છે. સવારે લગભગ 8 વાગ્યે દૂધ ભરાવવા જતા સંદીપ કાળજી ઠાકોરને ગામના ઠાકોરને રમેશજી આતાજી ઠાકોરના ઘર પાસેથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા તેમને જાહેર રસ્તા પર એક તાજું જન્મેલું બાળક કોઈપણ કપડાં વગર પડેલું મળ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા અને તાત્કાલિક બાળકને કપડામાં લપેટી 108 એમ્બ્યુલન્સની મદદથી માણસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. હાલમાં બાળકની તબિયત સ્થિર છે અને સારવાર હેઠળ છે. આ ગંભીર બનાવ અંગે સંદીપ ઉર્ફે સંજય કાળાજી ઠાકોરે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળકને ત્યજી દેનાર માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બાળકની માતાની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને માનવતાને શરમાવે તેવી આ ઘટના સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.